ગાંધીનગર: ગ્લોબલ ગુજરાતના દેવામાં દર વર્ષે તોતિંગ વધારો થઈ રહ્યો છે. ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના ત્રીજા અને અંતિમ દિવસે રાજ્ય સરકારે જાહેર દેવા અંગે ચોંકાવનારા અને મહત્વપૂર્ણ આંકડા રજૂ કર્યા હતા. જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં નાણાં મંત્રી દ્વારા તારીખ ૩૧/૦૭/૨૦૨૬ની સ્થિતિ મુજબ રાજ્યના જાહેર દેવાં તથા વ્યાજ અને મુદ્દલ પેટે થયેલી ચૂકવણી અંગે વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી.
રાજ્યના દેવામાં કેટલા કરોડનો વધારો
વિધાનસભામાં રજૂ થયેલી વિગતો અનુસાર, રાજ્યના જાહેર દેવામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ રાજ્યના દેવામાં એક જ વર્ષમાં મોટો વધારો નોંધાયો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં રાજ્યનું કુલ જાહેર દેવું રૂ. ૩,૭૪,૮૪૫ કરોડ હતું. જે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના સુધારેલા અંદાજ પ્રમાણે વધીને રૂ. ૪,૩૦,૩૨૦ કરોડ સુધી પહોંચવાનો સુધારેલ અંદાજ મૂકવામાં આવ્યો હતો. આમ, એક વર્ષના ગાળામાં જ રાજ્યના દેવામાં આશરે રૂ. ૫૫,૪૭૫ કરોડનો વધારો થવાનો અંદાજ છે.
વ્યાજ અને મુદ્દલ પેટે કેટલા કરોડ ચુકવાયા
સરકાર દ્વારા લેવાયેલા આ જંગી દેવાની ભરપાઈ માટે રાજ્યની તિજોરીમાંથી દર વર્ષે હજારો કરોડ રૂપિયા માત્ર વ્યાજ અને મુદ્દલ ચૂકવવામાં ખર્ચાઈ રહ્યા છે . રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં માત્ર વ્યાજ પેટે જ રૂ. ૫૨,૫૬૯ કરોડ ચૂકવ્યા છે. ૨૦૨૪-૨૫માં રૂ. ૨૫,૫૦૪ કરોડ વ્યાજ પેટે ચૂકવાયા હતા, જે ૨૦૨૫-૨૬માં વધીને રૂ.૨૭,૦૬૫ કરોડ થવાનો સુધારેલો અંદાજ છે.
આ ઉપરાંત મુદ્દલ પેટે વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ. ૨૮,૧૨૫ કરોડ ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે ૨૦૨૫-૨૬માં આ રકમ વધીને રૂ.૩૪,૦૨૫ કરોડે પહોંચવાનો અંદાજ છે. બે વર્ષ દરમિયાન વ્યાજ અને મુદ્દલ પેટે સરકારી તિજોરીમાંથી કુલ મળીને રૂ. ૧,૧૪,૭૧૯ કરોડ જેટલી માતબર રકમ ચૂકવવામાં આવી છે.
રાજ્ય સરકારને વેટ પેટે કેટલી આવક થઈ
ગુજરાત વિધાનસભામાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં રાજ્ય સરકારને વેટ પેટે રૂ. ૨૪,૭૮૫ કરોડની આવક થઈ હતી.
રાજ્યના વિકાસ કાર્યો અને બજેટ વ્યવસ્થાપન વચ્ચે વધી રહેલા દેવા અને તેના વ્યાજના બોજનો આ મુદ્દો રાજકીય તેમજ આર્થિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.