Wed Sep 16 2026

Logo

ગુજરાતમાં પાંચ વર્ષમાં 1.14 કરોડ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ અપાયું

2026-08-26 18:27:00
Author: Mumbai Samachar Team
ગુજરાતમાં પાંચ વર્ષમાં 1.14 કરોડ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ અપાયું

ગાંધીનગર:  ગુજરાતમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે ચલાવવામાં આવતી અન્ન સુરક્ષા યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં 25 લાખથી વધુ જરૂરિયાતમંદ પરિવારોના 1.14 કરોડથી વધુ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ આપવામાં આવ્યું હતું.  

25 લાખ પરિવારોના નાગરિકોને અનાજ પૂરું પડાયું 

રાજ્યના અન્ન અને નાગરિક પૂરવઠા પ્રધાન રમણ સોલંકી દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આ યોજના થકી છેલ્લા 5 વર્ષમાં 25 લાખ પરિવારોના 1 કરોડ 14 લાખથી વધુ નાગરિકોને વિનામૂલ્યે અનાજ પૂરું પાડવામાં આવ્યું છે. ગત 5 વર્ષના સમયગાળા દરમિયાન લાભાર્થીઓને મુખ્યત્વે 136 લાખ મેટ્રિક ટન ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, નાગરિકોના પોષણ સ્તરને સુધારવા માટે 3 લાખ મેટ્રિક ટન બરછટ અનાજનો પણ વિનામૂલ્યે લાભ આપવામાં આવ્યો છે.

અનાજ વિતરણની પ્રક્રિયા સતત અને પારદર્શક

તાજેતરના આંકડાઓ રજૂ કરતા રમણ સોલંકીએ સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અનાજ વિતરણની પ્રક્રિયા સતત અને પારદર્શક રીતે ચાલી રહી છે. ચાલુ વર્ષ 2025-26 માં આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા 9 લાખ 20 હજાર 610 (9,20,610) પરિવારોને આવરી લેવામાં આવ્યા છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 39 લાખ 65 હજાર 325 (39,65,325) નાગરિકોને વિનામૂલ્યે અનાજનો લાભ આપવામાં આવ્યો છે.