Wed Aug 19 2026

Logo

ગુજરાતમાં ભૂગર્ભજળ સ્તર ઉંચા લાવવા પ્રયાસ, ખેત તલાવડી માટે 15મે સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

2026-03-30 17:26:16
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેતી અને ખેડૂતોને સમૃદ્ધ બનાવવાના ઉમદા હેતુથી એક વિશેષ ખેડૂતલક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતો દ્વારા સ્વખર્ચે બનાવવામાં આવેલી ખેત તલાવડીઓમાં સરકારી ખર્ચે જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવામાં આવશે. આ નવીન અભિગમથી ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો કાર્યક્ષમ સંગ્રહ થઈ શકશે, જેનો ઉપયોગ ખેડૂતો ખરીફ પાકને બચાવવા અથવા રવિ સીઝનમાં પૂરક સિંચાઈ તરીકે કરી શકશે.

તા.30 માર્ચ થી તા.15 મે, 2026 દરમ્યાન અરજી કરવાની રહેશે.

આ યોજના માત્ર પાક ઉત્પાદનમાં જ વધારો નહીં કરે, પરંતુ લાંબાગાળે ભૂગર્ભજળના સ્તર ઊંચા લાવવામાં પણ અત્યંત મદદરૂપ સાબિત થશે.આ યોજનામાં ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત સરકારના ખર્ચે ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરાવવા માટેનો લાભ મેળવવા  ખેડૂત ખાતેદાર દ્વારા ખેત તલાવડી સ્વખર્ચે બનાવવાની રહેશે. ચાલુ વર્ષે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ખાતેદારોએ ઓનલાઈન સ્વરૂપે વેબસાઇટ: g-talavadi.gujarat.gov.in ઉપર તા.30  માર્ચ થી તા.15 મે, 2026   દરમ્યાન અરજી કરવાની રહેશે.

તમામ પ્રક્રિયા ઓનલાઇન સ્વરૂપે જ કરવામાં આવશે

આ રીતે પ્રાપ્ત થયેલ અરજીઓની ચકાસણી કરી દરેક તાલુકાદીઠ નિયત થયેલ અરજીઓની સંખ્યાની મર્યાદામાં ઓનલાઇન ડ્રો કરવામાં આવશે. ડ્રો દરમિયાન પસંદ થયેલ અરજીઓનું ફીલ્ડ વેરીફીકેશન કર્યા પછી યોગ્ય કિસ્સાઓ માટે લાભાર્થી તરીકેનું આખરીકરણ કરવામાં આવશે. લાભાર્થી તરીકે અરજી મેળવ્યાથી ડ્રો સુધીની તમામ પ્રક્રિયા ઓનલાઇન સ્વરૂપે જ કરવામાં આવશે અને અરજદાર ખેડુતોને SMS થી ડ્રો અંગેની જાણ પણ કરવામાં આવશે.  

વધુમાં યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, આ યોજના હેઠળ ખેત તલાવડીની ઉપરના ભાગે મહત્તમ સાઇઝ 40  મીટર x 40  મીટર અને મહત્તમ 6 મીટર ઉંડાઇ - 1.5 :1 નો ઢાળ રહેશે અને તે મુજબ સરકારી ખર્ચે મહત્તમ 2460  ચો.મીટર જથ્થામાં જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવામાં આવશે. પરંતુ, સંજોગોવશાત ખેડૂતો દ્વારા વધારે ખોદાણ કરવામાં આવેલ હશે/ખેત તલાવડીની સાઇઝ વધારે હશે તો નિયત મહત્તમ મર્યાદા કરતાં જેટલા જથ્થામાં જીઓમેમ્બ્રેન વધારે વપરાશે તેનો ખર્ચ જે તે ખેડૂત ખાતેદારે ભોગવવાનો રહેશે.

ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવામાં આવશે

સિંચાઇ વિભાગ દ્વારા જીઓમેમ્બ્રેન ફીટ કરવા માટે ઇજારદાર નક્કી કરવામાં આવશે અને આ ઇજારદાર દ્વારા જેમ જેમ લાભાર્થીઓનું આખરીકરણ થશે તેમ તૈયાર થયેલ ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવામાં આવશે. આવી તૈયાર થયેલ ખેત તલાવડીઓમાં ચોમાસામાં મહત્તમ પાણીનો સંગ્રહ થાય તથા જીઓમેમ્બ્રેનને નુક્શાની ન થાય તે પ્રકારે કાળજીપૂર્વકની જરૂરી સારસંભાળ રાખવાની જવાબદારી જે-તે લાભાર્થી ખેડૂત ખાતેદારની રહેશે. આ યોજના વિશે વધુ માહિતી g-talavadi.gujarat.gov.in વેબસાઇટ પર ઉપલબ્ધ છે. 

ઓનલાઈન અરજીમાં ખેડૂત ખાતેદાર દ્વારા પૂરી પાડવાની થતી વિગતો આ મુજબ છે. 

a)ખેડૂતનું નામ, પૂરું સરનામું  તથા મોબાઈલ નંબર, ખેડુતના આધાર કાર્ડની નકલ
b)ખેત તલાવડી બનાવવા માંગતા હોય તે ખેતરનો સર્વે નંબર /બ્લોક નંબર તથા વિસ્તાર, ખેતરનાં ૭/૧૨ તથા ૮-અ  ઉતારાની નકલ, 
c)જીઓમેમ્‍બ્રેન નાખવાની જરૂરિયાત ચોરસમીટરમાં (અરજદારે ખેત તલાવડીની સાઇઝ્ને ધ્યાને લઇને તેમજ ખેત તલાવડીના મથાળે મહત્તમ ૩ મીટર પટ્ટામાં એન્કરીંગ ગણી શકશે.)
d)બાંહેધરી પત્રક : સ્વખર્ચે ખેત તલાવડીનું ખોદાણકામ કરવા અંગે તેમજ તેની મરામત, સાફસફાઈ અને જાળવણી સ્વખર્ચે કરવા અંગેની બાંહેધરી/સ્વખર્ચે ખેત તલાવડી ખોદાણ કર્યા હોવા અંગેની તેમજ તેની મરામત, સાફસફાઈ અને જાળવણી સ્વખર્ચે કરવા અંગેની બાંહેધરી.