Sun Sep 06 2026

Logo

ગુજરાતના 7189 BPL પરિવારના વિદ્યાર્થીઓને મળ્યો કેન્દ્ર સરકારની શિક્ષણ લોનનો ટેકો; જાણો આંકડા

2026-03-23 13:18:00
Author: Devayat Khatana
ગુજરાતના 7189 BPL પરિવારના વિદ્યાર્થીઓને મળ્યો કેન્દ્ર સરકારની શિક્ષણ લોનનો ટેકો; જાણો આંકડા

અમદાવાદ: ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા તાજેતરમાં લોકસભામાં રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ (૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી) દરમિયાન ગુજરાતમાં કુલ ૧૨,૮૬૫ વિદ્યાર્થીઓએ શિક્ષણ લોન માટે અરજી કરી હતી. જેમાંથી ૭,૧૮૯ વિદ્યાર્થીઓની અરજીઓ મંજૂર કરવામાં આવી છે. ખાસ કરીને ઓછા આવક ધરાવતા પરિવારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોવાનું સરકારે જણાવ્યું હતું. જેમાં રૂ. 4.5 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારોના ૩,૦૯૫ વિદ્યાર્થીઓને લોન મંજૂર કરવામાં આવી હતી.

ગુજરાતમાં નોંધાયેલી કુલ અરજીઓમાંથી રૂ. 4.5 લાખથી રૂ.8 લાખની આવક મર્યાદામાં 1874 અને રૂ.8 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોના 2220 વિદ્યાર્થીઓની લોન સ્વીકારવામાં આવી હતી. જોકે, આ પ્રક્રિયા દરમિયાન 4364 અરજીઓ વિદ્યાર્થીઓ દ્વારા પરત ખેંચવામાં આવી હતી અથવા બંધ કરી દેવામાં આવી હતી, જ્યારે 653 અરજીઓ બેંકો દ્વારા નકારી કાઢવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું હતું. હાલમાં 659 જેટલી અરજીઓ બેંકો અથવા વિદ્યાર્થીઓ પાસે સ્પષ્ટીકરણ માટે પેન્ડિંગ હોવાનું સરકારે ગૃહમાં જણાવ્યું હતું.

સમગ્ર દેશની સાથે ગુજરાતના મેધાવી વિદ્યાર્થીઓને પણ 'પીએમ વિદ્યાલક્ષ્મી' જેવી નવી યોજનાઓનો લાભ મળી રહ્યો છે, જેમાં કોઈપણ ગેરંટર વગર ગુણવત્તાયુક્ત શિક્ષણ સંસ્થાઓ માટે લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ઉપરાંત, રૂ. 7.50 લાખ સુધીની લોન માટે કોઈ તૃતીય પક્ષની ગેરંટીની જરૂર રહેતી નથી અને અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષ સુધી મોરેટોરિયમ પિરિયડની સુવિધા પણ આપવામાં આવે છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ સરળતાથી ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તેમ સરકારે જણાવ્યું હતું.