Fri Jun 19 2026

Logo

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલનો વિકાસ કાર્યોમાં વિલંબ ટાળવા નવી SOP બનાવવા  આદેશ

2026-05-27 17:52:06
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સીએમ ભૂપેન્દ્ર  પટેલે રાજ્યમાં વિકાસકાર્યોમાં વિલંબ ટાળવા  નવી SOP બનાવવા મુખ્ય સચિવને આદેશ આપ્યો છે. 

નાગરિકોની સુવિધાને પ્રાધાન્ય આપવા સૂચના 

તેમણે વધુમાં કહ્યું હતું કે પ્રોજેક્ટ્સ મંજૂર થયા બાદ શરૂઆતમાં થતો વિલંબ ટાળવા માટે, ખાસ કરીને જમીન સંપાદન અને વન વિભાગ સહિતના વિવિધ વિભાગોની NOC જેવી મંજૂરીઓ સત્વરે મળી જાય તે અત્યંત જરૂરી છે. આ પ્રક્રિયાને વેગ આપવા માટે નવી SOP બનાવવા જણાવ્યું છે. આ ઉપરાંત  મુખ્યમંત્રીએ વહીવટમાં પારદર્શિતા અને ઝડપ લાવવાની સાથે નાગરિકોની સુવિધાને પ્રાધાન્ય આપવા માટે કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે. 

પ્રી-મોન્સૂન કામગીરી અત્યંત વેગથી પૂર્ણ કરવા સૂચના

મંત્રી  જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ચોમાસાના આગમનને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પ્રી-મોન્સૂન કામગીરી અત્યંત વેગથી પૂર્ણ કરવા સૂચના આપી છે. વરસાદ દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે તે માટે તંત્રને સુસજ્જ રહેવા તાકીદ કરવામાં આવી છે.

વધુમાં, શહેરી વિસ્તારોમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ દ્વારા વિકસિત કરવામાં આવેલા જે તળાવો ખાલી છે, તેને ભરવા માટે તાત્કાલિક પાણીના સ્ત્રોત શોધીને સત્વરે પાણી ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવા  સૂચના આપી છે.

કામોમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન કરવા પણ  કડક સૂચના આપી

આ ઉપરાંત રાજ્યમાં ચાલી રહેલા બાંધકામ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન કરવા પણ મુખ્યમંત્રીએ કડક સૂચના આપી છે. એન્જિનિયરિંગ ક્ષેત્રે કોઈ ક્ષતિ ન રહે, ખાસ કરીને બિલ્ડિંગના લાઇન-લેવલ અને ફ્લોરિંગ જેવી નાની બાબતોમાં પણ એન્જિનિયરો દ્વારા દુર્લક્ષ ન સેવાય તેની તકેદારી રાખવા તથા જ્યાં પણ ત્રુટિઓ જણાય ત્યાં ત્વરિત સુધારો કરવા  તાકીદ કરી છે.

સ્વચ્છતા માટે એક અલગ 'હેડ' ઊભું કરવા માટે પણ  સૂચન

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના નગરપાલિકા વિસ્તારોમાં વૃક્ષારોપણની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા શહેરી વિકાસ વિભાગને જરૂરી ફંડની વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત 'સ્વચ્છતા હી સેવા'ના અભિયાનને પાયાના સ્તર સુધી મજબૂત કરવા માટે ગ્રામ પંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયત સ્તરે સ્વચ્છતા માટે એક અલગ 'હેડ' ઊભું કરવા માટે પણ  સૂચન કર્યું છે.