Wed Jun 10 2026

Logo

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ગુજરાતમાં ભાજપે મેદાનમાં ઉતારી મીડિયા ટીમ, જાણો કોને મળી કઈ જવાબદારી

2026-03-27 16:22:15
Author: Mumbai Samachar Team
Article Image

ગાંધીનગરઃ ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ ટીમ તૈયાર કરીને કામ શરૂ કરી દીધું છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત 15 શહેરમાં નગરનિગમ સહિત 393 સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કમળ ખીલવવા માટે ભાજપ ટીમ ઈલેક્શન મોડમાં આવી ગયા છે.

ચૂંટણી સમિતિ બાદ મીડિયા કમિટી તૈયાર
ભાજપે ચૂંટણી સમિતિની રચના કર્યા બાદ હવે મીડિયા કમિટી તૈયાર કરી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મીડિયા ટીમમાં વલસાડના સાંસદ ધવલ પટેલ સાથે સુરતનાં પૂર્વ મેયર હેમાલીબેન બોઘાવાલાને પ્રવક્તા તરીકેની જવાબદારી સોંપી છે, જ્યારે ઝુબીન આશરા તથા કલ્પ પટેલને પ્રદેશ મીડિયા સહ ઈન્ચાર્જની જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યમાં એપ્રિલ મહિનાની શરૂઆતમાં અથવા અંતમાં ચૂંટણી જાહેર થશે. નગર નિગમ અને જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા વાવ થરાદમાં વડા પ્રધાન મોદીનો કાર્યક્રમ નક્કી થયો છે. 

આચારસંહિતા લાગુ થશે
31 માર્ચના દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની એકદિવસીય મુલાકાતે આવી રહ્યા છે. વિકાસના કાર્યોને વેગ આપ્યા બાદ તેઓ પક્ષના પદાધિકારીઓ સાથે મુલાકાત કરી શકે છે, જોકે મોદીના આ કાર્યક્રમ બાદ ચૂંટણીની આચારસંહિતા લાગુ થશે એવું માનવામાં આવી રહ્યું છે. અમદાવાદના પ્રવક્તા કરીકે અશ્વિન બેંકરને જવાબદારી આપવામાં આવી છે જ્યારે જયરાજસિંહ પરમારને મહેસાણા પ્રવક્તાની, ઘનશ્યામ ગઢવીને અમદાવાદ જિલ્લા પ્રવક્તાની, મનજી આહિરને કચ્છના પ્રવક્તાની, હેમાલી બોઘાવાલાને સુરત શહેર પ્રવક્તાની તથા શ્વેતા બ્રહ્મભટ્ટને કર્ણાવતી મહાનગર પ્રવક્તાની જવાબદારી સોંપવામાં આવી છે. આ પહેલા ગુજરાત ભાજપે પ્રદેશ ચૂંટણી સમિતિનું એલાન કર્યું છે.

કોણ કોણ છે પ્રદેશ ચૂંટણી સમિતીમાં 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્મા, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, સંગઠન સચિવ રત્નાકર, પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વર્તમાન મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરીયા, સાંસદ રાજેશ ચુડાસમા, આદિવાસી મોરચા અધ્યક્ષ ગણપતસિંહ વસાવા, મહિલા અધ્યક્ષ અંજુબેન વેકરિયા તથા પ્રદેશ ઉપાધ્યક્ષ નટુજી ઠાકોરનો સમાવેશ કરાયો છે. વિશેષ આમંત્રિત સભ્યોમાં કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, સાંસદ પુરુષોત્તમ રૂપાલા, પૂર્વ અધ્યક્ષ આર. સી. ફળદુ, મંત્રી જીતુ વાઘાણીનો સમાવેશ કરાયો છે.