Thu Jun 18 2026

Logo

યુઝ્ડ કાર માર્કેટમાં 13.5 ટકા હિસ્સા સાથે ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે, મહારાષ્ટ્ર મોખરે

2026-02-25 10:17:00
Author: Mayurkumar Patel
Article Image

અમદાવાદઃ રાજ્યમાં ઘણા લોકો અમુક કારણોસર નવી કારના બદલે યુઝ્ડ કાર લેવાનું પસંદ કરી રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે, ગુજરાત 2025માં દેશનું ત્રીજું સૌથી મોટું યુઝડ કાર માર્કટ બન્યું હતું. સમગ્ર દેશમાં રાજ્યનો હિસ્સો 13.5 ટકા હતા. મહારાષ્ટ્ર 20.7 ટકા સાથે મોખરે હતું. જ્યારે કર્ણાટક 16.5 ટકા સાથે બીજા ક્રમે હતું. ગુજરાત ઉત્તરપ્રદેશના 13 ટકા અને તમિલનાડુના 12 ટકાને છોડીને આગળ નીકળી ગયું હતું.

ગુજરાતમાં યુઝ્ડ માર્કેટના વેચાણમાં એક વર્ષમાં મોટો ઉછાળો

ગુજરાતમાં યુઝ્ડ માર્કેટના હિસ્સામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. વર્ષ 2024માં ગુજરાતનો હિસ્સો 8.7 ટકા હતો, જે 2025માં વધીને 13.5 ટકા થયો હતો. એક જ વર્ષમાં 4.8 ટકાનો ઉછાળો નોંધાયો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુજરાત હવે માત્ર પૂરક બજાર મટીને યુઝડ કારની મુખ્ય માંગ ધરાવતું રાજ્ય બની ગયું છે. નવી કારની ખરીદીમાં આશરે 40 ટકા હિસ્સો એક્સચેન્જનો હોય છે. મોટાભાગના ગ્રાહકો બીજી વખત કાર ખરીદી રહ્યા છે અને પોતાનું વાહન અપગ્રેડ કરી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં નવી કારની કિંમતમાં થયેલા વધારાના કારણે ઘણા ગ્રાહકો યુઝ્ડ કાર તરફ વળ્યા છે.

NRI પણ છે મોટું કારણ

સૂત્રોએ જણાવ્યું કે, ગુજરાતમાં નવા વાહનોના મજબૂત રજિસ્ટ્રેશનના કારણે રિસેલ માર્કેટને સતત પ્રોત્સાહન મળી રહ્યું છે. આશરે 40 ટકા ખરીદદારો ઊંચા વેરિઅન્ટમાં અપગ્રેડ થઈ રહ્યા છે, જેનાથી સેકન્ડ હેન્ડ માર્કેટમાં વાહનોનો પ્રવાહ જળવાઈ રહ્યો છે.   આણંદ અને મહેસાણા જેવા જિલ્લાઓમાં NRI મુલાકાતીઓ દ્વારા ખરીદાયેલી કારોને કારણે માર્કેટમાં હિલચાલ રહે છે, જેઓ વિદેશ પાછા જતી વખતે કાર વેચી દેતા હોય છે.

ગ્રામીણ વિસ્તારોમાં સેકન્ડ હેન્ડ કારની વધારે માંગ

સૂત્રોના જણાવ્યા અનુસાર, રસપ્રદ વાત એ છે કે શહેરી કેન્દ્રો કરતા ગ્રામીણ વિસ્તારોમાં સેકન્ડ હેન્ડ કારનું માર્કેટ વધુ મજબૂત છે. અગાઉ લોકો લાંબા સમય સુધી કાર રાખતા હતા, પરંતુ હવે ઘણા ગ્રાહકો 7 વર્ષની અંદર અને કેટલાક શહેરી વિસ્તારોમાં તો 2 થી 3 વર્ષમાં જ કાર બદલી નાખે છે.

માત્ર દલાલો પૂરતું જ સીમિત નથી રહ્યું માર્કેટ

યુઝ્ડ કારનું માર્કેટ હવે માત્ર સ્થાનિક દલાલો પૂરતું સીમિત નથી રહ્યું. હવે તેમાં મોટી કંપનીઓ અને મેન્યુફેક્ચરર-બેક્ડ સર્ટિફાઇડ પ્રોગ્રામ્સ સામેલ થયા છે, જે વોરંટી અને ક્વોલિટી ચેક આપે છે. ઉપરાંત, યુઝ્ડ કાર પર લોનની સરળ ઉપલબ્ધતાએ ખરીદદારોનો વિશ્વાસ વધાર્યો છે.

યુઝ્ડ કાર માર્કેટમાં ભારતના ટોપ 5 રાજ્ય
મહારાષ્ટ્રઃ 20.7 ટકા હિસ્સો
કર્ણાટકઃ 16.5 ટકા હિસ્સો
ગુજરાતઃ 13.5 ટકા હિસ્સો
ઉત્તર પ્રદેશઃ 13 ટકા હિસ્સો
તમિલનાડુઃ 12 ટકા હિસ્સો