Thu Jun 11 2026

Logo

વિધાનસભામાં CM ભૂપેન્દ્ર પટેલે રજૂ કર્યું UCC બિલ; ઉત્તરાખંડ બાદ હવે ગુજરાત બનશે બીજુ રાજ્ય

2026-03-24 15:59:00
Author: Devayat Khatana
Article Image

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે UCC બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ સાથે જ ગુજરાત હવે UCC બિલ લાવનાર ઉત્તરાખંડ બાદ ભારતનું બીજું રાજ્ય બન્યું છે, કુલ ચાર ભાગમાં UCC બિલ તૈયાર કરવામાં આવ્યું છે.  આ સમયે ગૃહમાં જય શ્રી રામના નારા લાગ્યા હતા. 

ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code-UCC) બિલ રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બિલ રજૂ કર્યું હતું. આ સમયે ગૃહમાં જય શ્રીરામના નારા લાગ્યા હતા. આ બિલમાં વસિયત કરી ના હોય તો સંપત્તિમાં માતા-પિતા, બાળકો, પત્ની દરેકને સમાન હિસ્સો આપવાની જોગવાઈ છે. આ પૂર્વે UCC બિલને ગુજરાત વિધાનસભામાં રજૂ કરવા મુદ્દે  ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ગુજરાત માટે મહત્વનો છે. આજનો દિવસ ઈતિહાસમાં સોનેરી શબ્દોમાં લખવામાં આવશે.

ગુજરાતના કાયદાકીય અને સામાજિક માળખામાં ક્રાંતિકારી ફેરફાર સમાન 'સમાન નાગરિક સંહિતા' (UCC) બિલને રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યુ હતું.  'ગુજરાત બિલ નંબર 17 ઓફ 2026' તરીકે ઓળખાતા આ બિલ પર આજે ગૃહમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ બિલને રજૂ કરવાના સમયે  મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, 'સંસ્કૃતિ મિટાવવા માટે બિલ નથી અને આદિવાસી સંસ્કૃતિને કોઈ નુકસાન પહોંચે નહીં, મહિલાઓ અને બાળકોના ન્યાયની વાત આ બિલમાં છે.

શું છે UCC? 
યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે 'સમાન નાગરિક સંહિતા'નો અર્થ એ છે કે દેશના કે રાજ્યના તમામ નાગરિકો માટે, પછી ભલે તે ગમે તે ધર્મ, જાતિ કે સમુદાયના હોય, તેમના માટે વ્યક્તિગત બાબતોમાં એક જ સમાન કાયદો લાગુ પડશે. હાલમાં ભારતમાં વિવિધ ધર્મોના પોતાના 'પર્સનલ લો' છે, જે લગ્ન, સંપત્તિ અને વારસા જેવી બાબતોનું સંચાલન કરે છે.
UCC લાગુ થવાથી લગ્ન (Marriage), છૂટાછેડા (Divorce), વારસાગત મિલકત (Inheritance) અને બાળક દત્તક (Adoption) લેવા જેવા પર્સનલ મેટર્સમાં તમામ ધર્મો માટે એકસરખા નિયમો હશે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય લિંગ સમાનતા લાવવાનો અને ખાસ કરીને મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવાનો છે.

આ મહત્વપૂર્ણ રિપોર્ટ તૈયાર કરવા માટે 4 ફેબ્રુઆરી, 2025ના સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ છેલ્લા એક વર્ષ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લીધી હતી અને હજારો લોકોના અભિપ્રાયો તેમ જ સૂચનો મેળવ્યા હતા.
કમિટીએ વિવિધ ધાર્મિક સંગઠનો, કાયદાકીય નિષ્ણાતો અને સામાજિક કાર્યકરો સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ આ ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં જણાવાયું હતું કે આ ડ્રાફ્ટમાં મહિલાઓની સુરક્ષા અને સમાન હકને સર્વોપરી રાખવામાં આવ્યા છે.