ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આજે ખેડબ્રહ્માના ધારાસભ્ય ડો. તુષાર ચૌધરીએ 31-12-2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં આરોગ્ય વિભાગ દ્વારા કેટલા ડોકટરની ભરતી કરવામાં આવી, વિઝિટીંગ ડોકટર, પીડિયાટ્રિશિયન અને જનરલ ફિઝિશિયનને પ્રતિદિન કેટલું મહેનતાણું ચુકવવામાં આવે છે તથા ઉક્ત સ્થિતિએ વર્ષવાર કેટલો ખર્ચ કરવામાં આવ્યો તેવો સવાલ પૂછ્યો હતો.
જેના જવાબમાં સરકારે જણાવ્યું કે, 31-12-2025ની સ્થિતિએ વર્ષ 2024માં 2695 ડોક્ટરો અને 2025માં 4394 ડોક્ટરોની ભરતી કરવામાં આવી હતી. કુલ 7089 ડોક્ટરની ભરતી કરવામાં આવી હતી. સી.એમ. સેતુ યોજના અંતર્ગત વિઝિટિંગ ડોક્ટરોમાં પીડિયાટ્રિશિયન અને જનરલ ફિઝિશિયનને પ્રતિ દિન રૂ.4200 (દિવસના ત્રણ કલાક ફરજીયાત) મહેનતાણું ચુકવામાં આવે છે.
કામદાર રાજ્ય વિમા યોજના વિભાગમાં વિઝિટિંગ ડોક્ટરોમાં પીડિયાટ્રિશિયન અને જનરલ ફિઝિશિયનને પ્રતિ દિન રૂ. 2100થી 2700 (દિવસના ત્રણ કલાક ફરજીયાત) મહેનતાણું ચુકવવામાં આવે છે.
2024માં તબીબી સેવાઓ માટે રૂ. 49,21,00,000 તથા કામદાર રાજ્ય વિમા યોજનામાં રૂ. 3,08,167 મળી કુલ 49,24,08,167 રૂપિયા તથા 2025માં તબીબી સેવાઓ માટે રૂ. 1,04,57,88,000 તથા કામદાર રાજ્ય વિમા યોજનામાં રૂ. 27,64,530 મળી કુલ 1,04,85,52,530 રૂપિયોનો ખર્ચ કરવામાં આવ્યો હતો.