Wed Sep 02 2026

Logo

ગુજરાતમાં હજારો વર્ષ પહેલા આવી હતી સુનામી, રેતીના કણોએ ખોલ્યું રહસ્ય

2026-03-31 10:29:00
Author: Mayur Patel
ગુજરાતમાં હજારો વર્ષ પહેલા આવી હતી સુનામી, રેતીના કણોએ ખોલ્યું રહસ્ય

અમદાવાદઃ ગુજરાત 1600 કિમી લાંબો દરિયાકાંઠો ધરાવે છે. રાજ્યના દરિયાના પેટાળમાં અનેક રહસ્યો છુપાયેલા છે.  ગુજરાતના દરિયાકાંઠે આવેલા રેતીના નાના કણોએ પ્રાચીન કુદરતી આફતોના પુરાવાઓ પોતાની અંદર સાચવી રાખ્યા છે. અમદાવાદની એમ.જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના સંશોધકોએ ઓપ્ટિકલી સ્ટીમ્યુલેટેડ લ્યુમિનેસન્સ (OSL) નામની વૈજ્ઞાનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને શોધી કાઢ્યું છે કે, આ પ્રદેશમાં આશરે 1,000 વર્ષ અને 6,000 વર્ષ પહેલાં ઓછામાં ઓછી બે મોટી સુનામી આવી હતી.

આ અભ્યાસ એલ્સવેર જર્નલ મરીન જીઓલોજીમાં પ્રકાશિત થયો છે. આ સંશોધનનો મુખ્ય હેતુ  OSL પદ્ધતિથી સુનામીને સચોટ રીતે ઓળખવાનો અને તેની ઉંમર નક્કી કરવાનો હતો.

OSL પદ્ધતિ કેવી રીતે કામ કરે છે?

OSL પદ્ધતિ ખનિજના કણો છેલ્લે ક્યારે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવ્યા હતા તે નક્કી કરે છે. સામાન્ય સ્થિતિમાં રેતીના કણો વારંવાર સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતા હોય છે, પરંતુ સુનામી જેવી અત્યંત શક્તિશાળી ઘટનાઓ દરમિયાન, કાંપ ખૂબ જ ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસી જાય છે અને દટાઈ જાય છે, જેના કારણે તે સૂર્યપ્રકાશના સંપર્કમાં ખૂબ ઓછા આવે છે. લેબોરેટરીમાં આ કણોનું વિશ્લેષણ કરીને સંશોધકો આવી ઘટનાઓનો સમયગાળો જાણી શકે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ તારણો પ્રાચીન સુનામીની ઓળખ માટે OSL ને એક ભરોસાપાત્ર સાધન તરીકે સાબિત કરે છે. ગુજરાતનો દરિયાકાંઠો આર્થિક રીતે ખૂબ સક્રિય છે, પરંતુ અહીં સુનામીના જોખમો વિશેની આપણી સમજણ વાવાઝોડાની સરખામણીએ ઘણી ઓછી છે. ભૂતકાળની ઘટનાઓની આવૃત્તિ જાણવી એ સુરક્ષિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટેનું પ્રથમ પગલું છે.

વિશ્લેષણ માટે OSL પદ્ધતિનો ઉપયોગ

સંશોધકોએ કચ્છમાં કોટેશ્વર નજીક પંજૌર પીર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે દીવના નાગવા બીચ પરથી અમુક ઊંડાઈએથી નમૂનાઓ એકત્ર કર્યા હતા. OSL પદ્ધતિના વિશ્લેષણ મુજબ, કચ્છમાં 1,000 વર્ષ પહેલાં અને દીવમાં 6,000 વર્ષ પહેલાં મોટી સુનામી આવી હોવાના સંકેતો મળ્યા હતા. દીવની ઘટના અરબી સમુદ્રમાં આવેલી 'ઓવેન ફ્રેક્ચર ઝોન' સાથે જોડાયેલી છે. પંજૌર પીર (કચ્છ) ના પુરાવા ઈ.સ. 1008 માં નોંધાયેલા મોટા ભૂકંપ સાથે મેળ ખાય છે, જેનું ઉદ્દભવ સ્થાન ઈરાન અને પાકિસ્તાનના દરિયાકાંઠે આવેલી 'મકરન સબડક્શન ઝોન' હોઈ શકે છે.