ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ગૃહમાં વંદેમાતરમ્ ગાન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા બેસી ગયા મુદ્દે વિવાદ વકર્યો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉઠાવેલા વિશેષાધિકાર ભંગના મુદ્દે અધ્યક્ષે સમગ્ર મામલો વિધાનસભાની વિશેષાધિકાર સમિતિને સોંપવાનો નિર્ણય કર્યો છે.
આ સમગ્ર મુદ્દે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે તેમણે ઘટનાના વીડિયો ફૂટેજ તપાસ્યા છે. તેમના જણાવ્યા મુજબ ઇમરાન ખેડાવાલા શરૂઆતમાં વંદેમાતરમ્ દરમિયાન ઊભા થયા હતા પરંતુ બાદમાં બેસી ગયા હતા. અધ્યક્ષે આ વર્તનને વંદેમાતરમ્ ગાનના વિરોધ તરીકે ગણાવ્યું છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ બંધારણના શપથ લીધા છે. તેમની પાસેથી ગૃહના નિયમોનું પાલન કરવાની અપેક્ષા સામાન્ય કરતાં વધુ હોય છે. તેથી આ ગંભીર ઘટના છે.
ખુલાસો ગૃહમાં રજૂ કરવાના બદલે મીડિયા સમક્ષ કર્યો
તેમજ હાલમાં ગૃહની અવમાનનાનો મુદ્દો ઊભો થયો છે અને વિશેષાધિકાર ભંગની કાર્યવાહીનો આધાર બન્યો છે. પોઇન્ટ ઓફ ઓર્ડર સમયે પણ ખેડાવાલા ગૃહમાં હાજર ન હોવાનું જણાવાયું હતું. તેમનો જવાબ પણ ગૃહમાં રજૂ થયો ન હતો.તેમજ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પોતાનો ખુલાસો ગૃહમાં રજૂ કરવાના બદલે મીડિયા સમક્ષ કર્યો હતો.
ગાન દરમિયાન બેસવાનો નિર્ણય વ્યક્તિગત હતો
ઉલ્લેખનીય છે કે, આ અંગે મીડિયા સાથે વાતચીત કરતાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રગીત શરૂ થયું ત્યારે તેઓ ઉભા હતા અને 1937 થી ગવાયેલા શબ્દોનું સન્માન કરે છે. પરંતુ નવી જોડાયેલી પંક્તિઓ શરૂ થઇ ત્યારે બેસવાનો તેમનો નિર્ણય વ્યક્તિગત હતો.