Sat Sep 12 2026

Logo

લીલાં મરચાંની દુબઈમાં નિકાસ: વેપારી સાથે 30 લાખની છેતરપિંડી

2026-05-24 19:08:00
Author: Yogesh C. Patel
લીલાં મરચાંની દુબઈમાં નિકાસ: વેપારી સાથે 30 લાખની છેતરપિંડી

થાણે: લીલાં મરચાંની દુબઈમાં નિકાસ કરવા પ્રકરણે થાણેના વેપારી સાથે લગભગ 30 લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા બદલ મુંબઈના 50 વર્ષના રહેવાસી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ડોમ્બિવલી પૂર્વમાં રહેતા 35 વર્ષના વેપારીની ફરિયાદને આધારે ડોમ્બિવલી પોલીસે 23 મેના રોજ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ફરિયાદ અનુસાર મુંબઈમાં રહેતા આરોપીએ ફેબ્રુઆરી, 2026થી અત્યાર સુધીમાં આ છેતરપિંડી કરી હતી. આરોપીએ ફરિયાદીની કંપનીનાં 14,440 કિલો લીલાં મરચાંની દુબઈમાં નિકાસ કરી હતી. આ માટે તેણે ખરીદી, ટ્રાન્સપોર્ટેશન, શિપિંગ અને કસ્ટમ્સ ક્લીયરન્સ ચાર્જિસ પેટે 5.92 લાખ રૂપિયા પણ ફરિયાદી પાસેથી પડાવ્યા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે આરોપીએ ક્ધસાઈન્મેન્ટ દુબઈમાં વેચ્યું હતું, પરંતુ તેની કિંમત 29.52 લાખ રૂપિયા તેણે કંપનીને ચૂકવ્યા નહોતા. આ રકમની માગણી કરવામાં આવતાં આરોપીએ કથિત ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું હતું. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)