મુંબઈ: ગોરેગામ પૂર્વમાં ગણપતિની મૂર્તિના વિસર્જન દરમિયાન મોટા અવાજે સંગીત અને ફટાકડા ફોડવા સામે વિરોધ કરનારા યુવકની મારપીટ કરવા બદલ ચાર જણની ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.વનરાઇ પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર ગોરેગામ પૂર્વમાં ગોટેવાડી રોડ પરની પ્રધાન સોસાયટીની બહાર મંગળવારે સવારે આ ઘટના બની હતી.
અદ્વૈત અરુણ મડકઇકરે (29) તેની સોસાયટી બહાર વિસર્જન દરમિયાન ‘ઢોલ-તાશા’ વગાડતા અને ફટાકડા ફોડતા જૂથ સામે વાંધા ઉઠાવ્યો હતો. અદ્વૈતે મોબાઇલમાં તેમનો વીડિયો ઉતારવાનું કરવાનું શરૂ કર્યું હતું, જેને કારણે તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી.જૂથમાંના એક જણે અદ્વૈતને ચહેરા પર મુક્કો માર્યો હતો, જ્યારે બાકીના ત્રણ જણે તેની મારપીટ કરી હતી, જેમાં તેના નાક પર ઇજા થઇ હતી, જેના માટે સર્જરીની જરૂર પડી.
આ ઘટના બાદ અદ્વૈતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ચાર જણ વિરુદ્ધ ગુનો દાખલ કરાયા બાદ તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા.ચાર જણમાં વાહનના ડ્રાઇવરનો સમાવેશ થાય છે, જેમાં ગણપતિની મૂર્તિ લઇ જવામાં આવી રહી હતી. વનરાઇ પોલીસ સ્ટેશનમાં ચારેય જણ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. અદ્વૈતે તેની ઇજાઓ દેખાડતો વીડિયો ઉતાર્યો હતો, જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો. (પીટીઆઇ)
પ્રતીકાત્મક તસવીર