Thu Apr 16 2026

Logo

ગોપાલ ઇટાલિયાની કથિત ઓડિયો ક્લિપ મુદ્દે રાજકારણ ગરમાયું: AAPએ કહ્યું- 'આ તો ભાજપનું AI જનરેટેડ તરકટ'

2026-04-08 11:20:00
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, તમામ રાજકીય પાર્ટીઓએ ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ કરી દીધી છે. ત્યારે આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો એક ઓડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ ઓડિયોમાં સામેનો વ્યક્તિ મહેસાણા કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલ વોરંટ અંગેની વાત કરી રહ્યો છે. જો કે આ રેકોર્ડીંગ મુદ્દે આક્ષેપોની રાજનીતિએ જોર પકડયું છે. 

ગોપાલ ઇટાલિયાના નામે વાયરલ રેકોર્ડીંગમાં સામેનો વ્યક્તિ ગોપાલ ઇટાલિયા સાથે મહેસાણા કોર્ટના વોરંટની વાત કરવામાં આવી રહી છે. જેમાં સામેનો વ્યક્તિ ગોપાલ ઇટાલિયાને કહી રહ્યો છે કે તે વોરંટ બાબતે પોલીસ આવશે અને ઘરના ફોટા પાડશે. જેના જવાબમાં ઇટાલિયા એવું કહ્યું હતું કે તે તો સારું કારણ કે આપણે એવું કહી શકીએ કે ભાજપ અમારા પરિવારને હેરાન કરી રહી છે. જો કે આમ આદમી પાર્ટીએ આ રેકોર્ડીંગને AI જનરેટેડ ગણાવ્યું હતું. 

જો કે આ રેકોર્ડીંગ અંગે શરૂ થયેલા વિવાદ વચ્ચે ગોપાલ ઇટાલિયાએ પ્રીતિક્રિયા આપી હતી. ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, સરકાર દ્વારા મારા ઘરે પોલીસ મોકલવામાં આવી,મારા પરિવાર સાથે ગેરવર્તન કરવામાં આવ્યું અને મે તેનો ખુલ્લેઆમ ભાંડો ફોડ્યો ત્યારે સાંજ સુધીમાં એક ઓડિયો વાયરલ કરી દેવામાં આવ્યો. તેમણે સરકારને એવો પ્રશ્ન કર્યો હતો કે તમને આવી બધી ખબર પડી જાય છે, અમે તો આખા વર્ષમાં તમારા પર 100 મુદ્દાઓ પર આંગળી ઊંચી કરી છે, તમારી આખી પાર્ટી ડ્રગ્સના કારોબાર સાથે સંડોવાયેલી છે, ભાજપ દારૂના હપ્તા લે છે તેવું પણ અમે કીધેલું ત્યારે કેમ ઓડિયો ન આવ્યો? તેમણે કહ્યું હતું કે તમારા પર આક્ષેપો કર્યા ત્યારે ઓડિયો  ન આવ્યો પણ પોલીસ મોકલીને મારા પરિવારને હેરાન કરવાની વાત કરવામાં આવી ત્યારે બનાવટી ઓડિયો બનાવી દેવામાં આવ્યો.

તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 100 જેટલી પોલીસ ફરિયાદ કરી છે અને આથી સરકારે આપના કાર્યકરોને જેલમાં પૂર્યા છે. અમે ડરી જનારા નથી, લડનાર છીએ. તેમણે આ ઓડિયોને બનાવટી અને હલકી કક્ષાનું કૃત્ય ગણાવ્યું હતું. તેમણે સરકાર પર દારૂ અને ડ્રગ્સ સહિતના મામલે આકરા પ્રહારો કર્યા હતા.