ટૅક વ્યૂહ - વિરલ રાઠોડ
17 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ટેક્નોલોજીના એક નવા અધ્યાયનો પ્રારંભ થયો. અત્યાર સુધી ડિવાઈસ, ટેક, ફ્યુચરિસ્ટીક વેબ અને સોફ્ટવેર માર્કેટની નવી ઉઘડતી દિશાઓના પ્રદર્શન યોજાતા. દુનિયામાં AI આવ્યા બાદ પહેલીવાર ભારતના આંગણે અને પાટનગરના દિલ્હીના પટાંગણમાં `ધ વર્લ્ડ AI સમિટ યોજાઈ, જેમાં દુનિયાભરના ટેક્નોક્રેટ કહેવાતા દિગ્ગજ કંપનીઓના મહારથીઓ જોડાયા. માર્કેટમાં ભલે હરીફાઈ ગળા કાપનારી હોય જ્યારે કંઈક ઈનોવેશનની વાત હોય ત્યારે એક મંચ પર ભેગા થવામાં કોઈને પોતાનો ટેક ઈગો નડતો નથી. માઈક્રોસોફ્ટથી લઈને એપલ સુધી અને આઈબીએમથી લઈને ગૂગલ સુધીના તમામ ટેક જાયન્ટ કંપનીઓએ સ્વીકાર્યું છે કે, હવે AI હૈ સહારા...
વાત જ્યારે વિશ્વસનીયતા અને એક્યુરેસીની આવે છે ત્યારે મામલો થોડો પેચીદો બની જાય છે. ગૂગલ સર્ચ એન્જિને એકસમયે દુનિયાભરમાં સર્ફિંગથી નવી દિશા ખોલી હતી એવી જ રીતે એઆઈ આવતા રો કેન્ટેટની નવી દિશા ખુલી છે. નોકરીઓ પર તોળાતા ભયને થોડા સમય માટે અવગણીએ અને એઆઈના બેઝિક મેકેનિઝમ શીખી લઈએ તો આ બદલાવ કંઈ ખોટો તો નથી.
ગૂગલને ઈનોવેશનનો ટેક પર્યાય માનવામાં આવે છે. એ વાત અલગ છે કે, કંપનીની પ્રોડક્ટ તરીકે કંઈ બધુ બારે આવતું નથી. મેલમાં થતી ઈચેટ, ઓર્કુટ અને ગૂગલ પ્લસ જેવા ઈ પ્લેટફોર્મ બંધ કર્યા બાદ જેમિની એઆઈ સાથે એન્ટ્રી કરીને કેટલીય ટેક કંપનીઓને ચોંકાવી દીધા છે. વીજવેગ કરતાં પણ વધારે ગતિથી આગળ વધી રહેલું એઆઈ દરેક પ્રોમ્ટ અને ડિવાઈસ માટે પ્રાપ્ય બની રહ્યું છે ત્યારે લિમિટેડ એડિશન સાથે હવે કંઈક નવું આવી રહ્યું છે એ વાત તો નક્કી છે. ગૂગલના મહારથી સુંદર પિચાઈ અગાઉ પણ કહી ચૂક્યા છે કે, જેમિની થકી નવો પ્રયોગ કરી રહ્યા છે. જેમિની સાથે ગૂગલ ક્રોમે હાથ મિલાવી લીધા છે. મોટાભાગના ટેકપ્રેમનીઓનો સવાલ છે કે, હવે આ ગાડું જશે ક્યાં અને કરશે શું?
ગૂગલ ક્રોમ- જેમિની એક પ્રકારનો ટૂલ્સ સેટ છે એવું દુનિયાભરના મીડિયા રિપોર્ટ કહે છે. ઓસ્ટે્રલિયાના એક અખબારે તો દાવો કર્યો છે કે, આ આખી કિટ કંઈક અલગ કરવા મોકો આપશે. ઓપન એઆઈ, ચેટ જીપી, ડીપએઆઈ, પરપ્લેક્સ સિટી જેવા એઆઈ મોડેલ સામે દરેક સેક્નડે નવો ડેટા તૈયાર થાય છે અને માર્કેટમાં ફેંકાય છે. આ માહોલ વચ્ચે ગૂગલ ક્રોમ સાથે અટેચ થયેલું જેમિની આ બધામાંથી કંઈક તો નવું આપશે. જેમિનીના ઉત્પાદન પાછળ ગૂગલ રિસર્ચ ટીમ અને ડીપમાઈન્ડ નામની કંપનીનું યોગદાન છે.
માત્ર રો ડેટા એટલે કે ટેક્સ્ટ જ નહીં, ઈમેજ, ઓડિયો, વીડિયો, સોંગ, લિંક, ડેટાનું વર્ગીકરણ, લિસ્ટિંગ, ભાષાનું અલગીકરણ, ડિબગ, પ્રોંગ્રામિંગ, ક્વિક કોડ, પરિણામ સાથેનું પ્રોમ્ટ અને ઓન ધ સ્પોટ રીઝલ્ટ. આ તમામ વસ્તુઓનો લાંબો સરવાળો કર્યા બાદ આવતો એક જવાબ એટલે ગૂગલ જેમિની. ટિકિટ બૂક કરવાથી લઈને મહત્ત્વના ફોર્મ ભરવા સુધીની પ્રક્રિયામાં જેમિની મદદ કરશે. અહીંયા ડખો એ છે કે, કોઈ પણ એઆઈ ટુલ્સ જ્યારે પહેલીવાર ઉપયોગમાં લઈએ ત્યારે સંવેદનશીલ અને ઓળખને છતી કરતો ડેટા આપવાની ચોખ્ખી ના પાડે છે. જેમિનીમાં શું ગેરેન્ટી છે એ ન તો ગૂગલ પાસે સ્પષ્ટતા છે ન તો એમના ટેક્નોક્રેટ પાસે. કોઈએક વેબસાઈટ પર જ્યારે યુઝર્સ પોતાની મહત્ત્વની વસ્તુને સર્ચ કરવા જાય છે અને ગણતરીની મિનિટમાં એનો જવાબ મળી જાય છે. ડેટા કોપી થઈ જાય છે, સેવ થઈ જાય છે. મેલ વાટે મોકલી પણ દેવાય છે, હવે જે વેબસાઈટ વર્ષો પહેલા મહેનત કરીને વેબસાઈટ બનાવતી, ડેટા સાચવતી અને સર્ચના પહેલા જ પેજ પર મળી જાય એ પ્રકારે વ્યવસ્થા કરી આપતી એ કરોડો વેબસાઈટનું શું? આ વિષય પર ન તો ગૂગલ જેવી કંપની પાસે જવાબ છે ન તો કોઈ સર્ચ એન્જિન પાસે. જેમિની આવતા ગૂગલક્રોમ વધારે સરળ અને સ્મૂથ બની જશે. આ અંગે હજુ પ્રોગ્રામિંગ અંતિમ તબક્કામાં છે.
ઈન્ટરનેટ આવ્યું એ સમયે સર્ફિંગ આવ્યું હવે બ્રાઉઝિંગ આવી રહ્યું છે. મોબાઈલમાં ઓપેરા મિની, સફારી અને એક્સપ્લોર જેવી બ્રાઉઝર એપ જેણે પણ યુઝ કરી હશે એને ખ્યાલ હશે. માત્ર કમાન્ડ આપો એટલે કામ થઈ જાય. દા.ત. મેગાસિટીમાં મધ્યમ વર્ગની રેવન્યૂ સામે મિનિમમ એક્સપેન્સ આ વિષય પર કંઈ પણ તૈયાર કરવું હોય તો માત્ર કમાન્ડ લખી દો એટલે કામ તમામ. કંપનીઓનું એવું કહેવું છે કે, અગાઉ કિવર્ડનો જમાનો હતો અત્યારે કમાન્ડનો છે. એ પણ પ્રાદેશિક ભાષામાં લોકોને જે ભાષામાં સમજ પડે એમાં. અમારી પાસે દરેક ભાષાના હિમાલય જેવડા કદના ઢગલાબંધ ડેટા પડ્યા છે. ગૂગલ ક્રોમ સાથે જેમિની ફીચર રોલઆઉટ થશે તો હવે સર્ચમાં બાકી કંઈ નહીં રહે. ફોટો, વીડિયો, ટેક્સ બાદ હવે એઆઈ જનરેશન આઉટપુટ ઓપ્શન આવે તો નવાઈ નહીં. આવું એટલા માટે કારણ કે ભારત સરકારે નિર્ણય કર્યો છે કે, એઆઈથી તૈયાર કરેલું કોઈપણ ઓડિયો-વિડિયો કે ઈમેજ ફોર્મેટ વાપરવા સાથે જાહેર કરવું પડશે કે, આ એઆઈથી કરેલું છે. બોલે તો સોર્સ જાહેર કરવાની વાત છે. હવે ક્રોમ સાથે ઓડિયો વીડિયો આસિસ્ટ ઓપ્શન આવ્યું તો ટાઈપ કરવાની પણ જફા જતી રહેશે. બોલો એટલે ટેક્સ લખાશે જે અત્યારે પણ શક્ય છે. વાત આવીને અટકશે એક્યુરેસી અને પર્ફેક્ટ પંચિંગ પર, ટાઈપિંગ પર અને વાક્ય કે શબ્દોની ચોક્સાઈ પર. આ કેવું હશે એની આછેરી ઝલક ગૂગલે એઆઈ સમિટ પહેલા જ જાહેર કરી દીધી. જે રીતે વોટ્સએપના મેટામાં ડાયરેક્ટ ચેટ ખુલે છે એમ માત્ર ક્રોમ પર એક ઓપ્શનમાં બધુ જ આપી દેશે.
આઉટ ઓફ ધ બોક્સ
ભારતના કોઈપણ ડેટા પર 99 ટકા એક્યુરેસી જોઈતી હોય તો ભારતનું પોતાનું એઆઈ મોડેલ સર્વોત્તમ છે. ચિંતા વગર ટ્રાય મારવા જેવી છે. મજા પડી જશે.