(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વની આજે સમપાન થઈ રહેલી નીતિવિષયક બેઠક પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સાવચેતીના અભિગમ વચ્ચે સોના અને ચાંદીના ભાવ સાંકડી વધઘટે અથડાતા રહ્યાના નિર્દેશોને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને ડૉલર સામે રૂપિયામાં સતત ચોથા સત્રમાં સુધારાતરફી વલણ જળ્ાવાઈ રહેતાં આયાત પડતરો ઘટવાને કારણે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 67નો સાધારણ ઘસરકો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. છનો મામૂલી સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે સોનામાં રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હતી. તેમ જ ડૉલર સામે રૂપિયામાં પણ સુધારાતરફી વલણ રહેતાં આયાત પડતરો ઘટવાથી હાજરમાં વેરારહિત ધોરણે ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 67નો ઘટાડો આવ્યો હતો, જેમાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 1,41,654ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 1,42,224ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે 999 ટચ ચાંદીમાં જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહી હતી, પરંતુ ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. છના સાધારણ સુધારા સાથે રૂ. 2,17,355ના મથાળે રહ્યા હતા.
આજે લંડન ખાતે સત્રના આરંભે સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.1 ટકા વધીને આૈંસદીઠ 4032.59 ડૉલર અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ 0.2 ટકા ઘટીને 4031.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.9 ટકા વધીને આૈંસદીઠ 57.63 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકા અને ઈરાન વચ્ચે રાજદ્વારી સ્તરે વાટાઘાટો થશે અને શાંતિ કરાર થવાના અને અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્ રાખે તેવા આશાવાદ સાથે હાલ સોનાને આૈંસદીઠ 4000 ડૉલર આસપાસની સપાટીએ લેવાલી નીકળતા ટેકો મળી રહ્યો હોવાનું જેફરીઝની માલિકીની ટ્રેડુ ડૉટ કૉમના વિશ્લેષક નિકોસ ઝુબોરોસે જણાવ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે આજે મોડી રાત્રે અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકનું સમાપન થશે અને સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો બેઠકના અંતે વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો વધારો થાય તેવી માત્ર 36 ટકા શક્યતા જોઈ રહ્યા છે, જ્યારે સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં વધારાની 80 ટકા શક્યતા બજાર વર્તુળો જોઈ રહ્યા છે.
જોેકે, બજારની નજર બેઠકના અંતે ફેડરલ રિઝર્વના અધ્યક્ષના નિવેદન પર સ્થિર થઈ છે અને જો તેમાં તંગ નાણાનીતિના સંકેત આપવામાં આવશે તો સોનાના ભાવ વર્ષ 2026ની નીચી આૈંસદીઠ 3941 ડૉલરની સપાટી સુધી ઘટી શકે છે અને જો હળવી નાણાનીતિના સંકેત આપે તો આૈંસદીઠ 4100 ડૉલર સુધીનું બાઉન્સબૅક જોવા મળી શકે છે, એમ નિકોસે ઉમેર્યું હતું.
વધુમાં બૅન્ક ઑફ ઈંગ્લેન્ડ અને બૅન્ક ઑફ જાપાન પણ આ સપ્તાહની બેઠક દરમિયાન વ્યાજદર યથાવત્ રાખે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે. દરમિયાન આજે કોમર્ઝબૅન્કે આ વર્ષના અંતે સોનાના ભાવનો અંદાજ ઘટાડીને આૈંસદીઠ 4500 ડૉલરનો અને ચાંદીનો ભાવનો અંદાજ આૈંસદીઠ 67 ડૉલર આસપાસનો મૂક્યો હોવાનું એક યાદીમાં જણાવ્યું હતું.