Fri Apr 17 2026

Logo

અમેરિકી સુપ્રીમ કોર્ટના ચુકાદા પશ્ચાત વૈશ્વિક સોનું ત્રણ સપ્તાહની અને ચાંદી બે મહિનાની ટોચે

2026-02-23 20:06:48
Author: Ramesh Gohil
Article Image

સ્થાનિક ચાંદીમાં રૂ. 13,761નો અને સોનામાં રૂ. 3154નો ઝડપી ઉછાળો 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)


મુંબઈઃ ગત શુક્રવારે અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પની ટૅરિફના વિરુદ્ધમાં ચુકાદો આપ્યા બાદ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે આગામી 24 તારીખથી અમલી બને તેમ વિશ્વના તમામ દેશો પર 150 દિવસ સુધી 15 ટકા ટૅરિફ લાદવાની જાહેરાત કરતાં પુનઃ વૈશ્વિક બજારમાં વેપારની અનિશ્ચિતતા સપાટી પર આવતા લંડન ખાતે સોના-ચાંદી સહિતની કિંમતી ધાતુઓમાં સલામતી માટેની માગ નીકળતાં સોનાના ભાવ વધીને ત્રણ સપ્તાહની ટોચે અને ચાંદીના ભાવ બે મહિનાની ટોચે પહોંચ્યા હતા. વધુમાં આજે વિશ્વ બજારમાં ડૉલરમાં નરમાઈનું વલણ રહેતાં સોના-ચાંદીની તેજીને ટેકો મળ્યો હતો. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 13,761નો અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 3141થી 3154નો ઝડપી ઉછાળો આવ્યો હતો. 

આજે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે હાજરમાં 999 ટચ ચાંદીના વેરારહિત ધોરણે કિલોદીઠ ભાવ રૂ. 13,761ના ઉછાળા સાથે રૂ. 2,64,075ના મથાળે રહ્યા હતા. જોકે, ભાવમાં અચાનક ઝડપી તેજી આવતા જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સતરની માગ નિરસ રહી હતી. તેમ જ ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી પણ ખપપૂરતી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તે જ પ્રમાણે આજે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 3141 વધીને રૂ. 1,57,586 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 3154 વધીને રૂ. 1,58,220ની સપાટીએ રહ્યા હતા. વધુમાં સોનામાં પણ ઊંચી સપાટીએથી સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહી હતી. 

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.9 ટકા વધીને ગત 30 જાન્યુઆરી પછીની ઊંચી આૈંસદીઠ 5146.89 ડૉલરની સપાટીએ પહોંચ્યા હતા અને એપ્રિલ ડિલિવરી વાયદામાં ભાવ 1.7 ટકા વધીને 5167.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ 2.6 ટકાના ઉછાળા સાથે બે મહિના કરતાં પણ ઊંચી આૈંસદીઠ 86.73 ડૉલરની સપાટીએ રહ્યા હતા. 

એકંદરે ગત શુક્રવારના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને વેપાર નીતિની અનિશ્ચિતતા સપાટી પર આવતા સોના અને ચાંદી સહિતની કિંમતી ધાતુઓમાં સલામતી માટેની માગ નીકળતાં ભાવમાં ચમકારો જોવા મળ્યો હોવાનું વિશ્લેષક રોસ નોર્મને જણાવતાં ઉમેર્યું હતું કે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે કાયદાની પરિમિતિમાં માન્ય એટલી સૌથી વધુ 15 ટકાની ટૅરિફ વેપારી ભાગીદાર દેશોથી થતી આયાત પર લાદી છે. જોકે, અમેરિકાએ 20 દેશો સાથે ઊંચા ટૅરિફ સાથે ડીલ કરી છે તે તો યથાવત્‌‍ જ રહે તેમ હોવાથી હવે કરારોને ધ્યાનમાં લેતા વેપાર અનિશ્ચિતતાનાં વાદળો વધુ ઘેરાયાં હોવાથી સોનામાં લાંબાગાળા સુધી તેજી જળવાઈ રહે તેવી શક્યતા નકારી ન શકાય. 

વધુમાં ગત ડિસેમ્બર મહિનામાં અમેરિકાના ફુગાવામાં બજારની અપેક્ષા કરતાં વધુ વધારો થયો હતો. તેમ જ જાન્યુઆરી મહિનામાં પણ ફુગાવો વધે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા ફેડરલ રિઝર્વ નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં કપાત કરે તેવી શક્યતા પાતળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.