Wed Jun 10 2026

Logo

અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે સોનામાં ધીમો સુધારો અને ચાંદીમાં નરમાઈ

2026-04-09 19:58:24
Author: Ramesh Gohil
Article Image

સ્થાનિક સોનામાં રૂ. 1184નો અને ચાંદીમાં રૂ. 7883નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) 

મુંબઈઃ
આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના ગત ફેબ્રુઆરી મહિનાના પર્સનલ ક્નઝ્મ્પશન એક્સ્પેન્ડિચર (ફુગાવા)ના ડેટાની જાહેરાત પૂર્વે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં બન્ને કિંમતી ધાતુઓમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી હતી, જેમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1179થી 1184નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 7883નો ઘટાડો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને ચાંદીમાં વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ અને વિશ્વ બજારના નિરુત્સાહી અહેવાલે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 7883ના ઘટાડા સાથે રૂ. 2,36,158ના મથાળે રહ્યા હતા. જોકે, ચાંદીમાં માત્ર ઔદ્યોગિક વપરાશકારોની છૂટીછવાઈ લેવાલી જોવા મળી હતી, પરંતુ જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહી હતી. વધુમાં આજે સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્ટોકિસ્ટોની અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 1179 ઘટીને રૂ. 1,49,337 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1184 ઘટીને રૂ. 1,49,937ના મથાળે રહ્યા હતા. 

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના આૈંસદીઠ ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા ઘટીને 4728.18 ડૉલર અને જૂન ડિલિવરી વાયદામાં ભાવ 0.5 ટકા ઘટીને 4754.30 ડૉલર આસપાસ તથા હાજરમાં ચાંદીના ભાવ 0.3 ટકા ઘટીને આૈંસદીઠ 73.93 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 
એકંદરે આજે ડૉલરમાં નબળાઈ તેમ જ મધ્યપૂર્વમાં યુદ્ધ વિરામ અંગેની અનિશ્ચિતતાની સ્થિતિને ધ્યાનમાં લેતા સોનામાં સુધારાને ટેકો મળ્યો હોવાનું એક સ્વતંત્ર વિશ્લેષક રોઝ નોર્મને જણાવતાં ઉમેર્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે પાંચ સપ્તાહ યુદ્ધ ચાલ્યા બાદ યુદ્ધવિરામ અંગે સમજૂતી થયા બાદ પણ ઈઝરાયલે લેબેનોન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરતાં 250થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હોવાથી ઈરાને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ ખોલ્યો નહોતો અને જો ઈઝરાયલ લેબેનોન પર વધુ હુમલા કરશે તો વાટાઘાટોમાં પીછેહઠ કરશે, એવી ધમકી આપતાં બજારમાં પુનઃ ચિંતા સપાટી પર આવી હતી અને ક્રૂડતેલના ભાવમાં બાઉન્સબૅક જોવા મળ્યું હતું. 

દરમિયાન આજે મોડી સાંજે અમેરિકાના ગત ફેબ્રુઆરી મહિનાના ફુગાવાના ડેટાની જાહેરાત થનાર છે અને આ ડેટાની અમેરિકી ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં કપાતના નિર્ણય પર અસર થાય તેમ હોવાથી રોકાણકારોએ ડેટાની જાહેરાત પૂર્વે સોનાની ખરીદીમાં સાવચેતીનું વલણ અપનાવ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.