Sun Jul 26 2026

Logo

શું ક્રેશ થવાના છે સોનાના ભાવ? 90 દિવસમાં ભારતીયોએ વેચ્યું 50,000 કિલો જુનું ગોલ્ડ

2026-06-29 13:24:00
Author: Mumbai Samachar Team
Article Image

Ai Image


નવી દિલ્હીઃ સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે. 29 જાન્યુઆરીના રોજ સોનું અને ચાંદી બંને પોતાના ઓલ-ટાઇમ હાઈ પર હતા. ત્યારે 24 કેરેટ સોનાની કિંમત રૂપિયા 1.76 લાખ પ્રતિ 10 ગ્રામ પર હતી, જ્યારે ચાંદી રૂપિયા 3.86 લાખ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી હતી.

આજે સોનું રૂપિયા 36,000 સસ્તું થઈ ચૂક્યું છે અને ચાંદીના ભાવમાં પણ રૂપિયા 1.70 લાખનો ઘટાડો આવ્યો છે. સોનાના ઘટતા ભાવ વચ્ચે ભારતીયો ઘરમાં રાખેલું જૂનું સોનું વેચી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં ભારતીયોએ આશરે 50 ટન એટલે કે 50,000 કિલો જૂનું સોનું વેચી દીધું છે.

ભારતીયો કેમ વેચી રહ્યા છે જુનું સોનું 

સોનાના ઘટતા ભાવ વચ્ચે ભારતમાં જૂનું સોનું વેચીને રોકડા રૂપિયા (કેશ) મેળવવાની હોડ જામી છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) એ તેના અહેવાલમાં જણાવ્યું છે કે, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભારતમાં લોકોએ આશરે 50 ટન સોનું વેચ્યું છે, જે ગયા વર્ષની સરખામણીએ 43% વધુ છે. લોકો ઘરમાં રાખેલું જૂનું સોનું વેચીને રોકડ રકમ ભેગી કરી રહ્યા છે. લોકોના આ પગલા પાછળ સોનાના ભાવ હજુ વધુ ઘટવાનો ડર રહેલો છે. હાલમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામના ₹1.39 લાખ પર છે.

છેલ્લા ત્રણ-ચાર મહિનામાં સોનાના ભાવ જે રીતે ઘટ્યા છે, તે જોતાં એવી આશંકા સેવાઈ રહી છે કે સોનું હજુ પણ સસ્તું થઈ શકે છે. સોનાનો ભાવ ઘટીને ₹1.20 લાખ સુધી આવી શકે છે. સોનાના ઘટતા ભાવને કારણે લોકો જૂના દાગીના વેચીને નવી જ્વેલરી ખરીદવાને બદલે રોકડા રૂપિયા લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. IBJA ના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાના જણાવ્યા અનુસાર, લોકો સોનાના ઊંચા ભાવનો ફાયદો ઉઠાવીને રોકડ રકમ ભેગી કરવા લાગ્યા છે.

રિસાયકલિંગ ઈન્ડસ્ટ્રીને ફાયદો

લોકોના આ બદલાયેલા ટ્રેન્ડ (વલણ) ને કારણે ગોલ્ડ રિસાયકલિંગ સેક્ટરને વેગ મળી રહ્યો છે. લોકોના ઘરોમાં પડી રહેલું સોનું ધીમે-ધીમે બહાર આવી રહ્યું છે અને સોનું ખરીદતી કંપનીઓનો બિઝનેસ વધી રહ્યો છે. જૂનું સોનું વેચાવાને કારણે જ્વેલર્સ પાસે રોકડ નાણાંની આવક (લિક્વિડિટી) વધી રહી છે, જોકે નવા સોનાની માંગમાં ભારે મંદી જોવા મળી રહી છે. બજારમાં જૂનું સોનું આવવાને કારણે સ્થાનિક સ્તરે સોનાનો પુરવઠો (સપ્લાય) વધશે, જેના લીધે સોનાના ભાવ પર દબાણ જોવા મળી શકે છે એટલે કે ભાવ હજુ ઘટી શકે છે.

આનાથી ભારતીય અર્થતંત્રને શું ફાયદો થશે?

ભારતીય ઘરોમાં આશરે 30,000 ટન સોનું જમા હોવાનો અંદાજ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ પણ માને છે કે જો ભારતીય ઘરોમાં પડી રહેલું સોનું મુખ્ય અર્થતંત્ર સાથે જોડાઈ જાય, તો દેશની ઇકોનોમીને મોટો વેગ (બૂસ્ટર ડોઝ) મળશે. હવે ધીમે-ધીમે આ સોનું અર્થતંત્ર સાથે જોડાઈ રહ્યું છે.

ઘરમાં રાખેલું સોનું બહાર આવવાથી વિદેશથી થતી આયાત (ઈમ્પોર્ટ) પરની નિર્ભરતા ઘટશે. નાણાકીય વર્ષ 2026માં ભારતે આશરે 72.4 અબજ ડોલરના સોનાની આયાત કરી હતી. જો ઘરોમાં પડેલું સોનું બજારમાં આવશે, તો બહારથી સોનું મંગાવવાની જરૂરિયાત ઓછી થઈ જશે, જેનાથી દેશના વિદેશી હૂંડિયામણ ભંડોળ (ફોરેક્સ રિઝર્વ) ને મજબૂતી મળશે.