Wed Aug 19 2026

Logo

વૈશ્વિક સોનામાં સપ્તાહના અંતે મધ્ય પૂર્વનો તણાવ વધતાં નીચી સપાટીએથી ત્રણ ટકાનો ચમકારો

2026-03-28 20:30:44
Author: Ramesh Gohil
Article Image

રમેશ ગોહિલ

સોનામાં સ્થાનિક સ્તરે નીચા મથાળેથી છૂટીછવાઈ માગ, પરંતુ વર્ષાન્તને કારણે જ્વેલરો નવી ખરીદીથી દૂર 

આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાના યુદ્ધ વિરામના પ્રસ્તાવના નિર્દેશ અને તેની સામે ઈરાને અમેરિકાના પ્રસ્તાવો નકારી કાઢવાની સાથે ઈરાનના ઊર્જા એકમો પાંચ દિવસ સુધી હુમલા કરવામાં નહીં આવે એવી જાહેરાત કર્યા બાદ ગત શુક્રવારે અમેરિકાએ હુમલાઓ વધુ છ દિવસ મુલતવી રાખવાના આપેલા સંકેતો વચ્ચે ગત સપ્તાહ દરમિયાન યુદ્ધનાં અહેવાલ અને ડૉલર તથા ક્રૂડતેલના ભાવની વધઘટ અનુસાર વૈશ્વિક બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવ બેતરફી વધઘટે અથડાતા રહ્યા હતા. એકંદરે સપ્તાહ દરમિયાન ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને ક્રૂડતેલના ભાવમાં વધારો થવાથી ફુગાવો વધવાની શક્યતાને ધ્યાનમાં લેતા અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ નહીં મૂકે તેવી ભીતિ સપાટી પર હોવાથી સોના અને ચાંદીના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. જોકે, સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોના અને ચાંદીમાં ઘટ્યા મથાળેથી રોકાણકારોની લેવાલીને ટેકે ભાવમાં અનુક્રમે 2.6 ટકાનો અને 2.2 ટકાનો ઉછાળો આવ્યો હતો. 

સ્થાનિક ઝવેરી બજારમાં પણ વીતેલા સપ્તાહ દરમિયાન વિશ્વ બજાર પાછળ બન્ને કિંમતી ધાતુઓમાં ભાવમાં નરમાઈતરફી વલણ રહ્યું હતું. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર સ્થાનિકમાં વેરારહિત ધોરણે 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 10 ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 20મી માર્ચના રૂ. 1,47,218 સામે તૂટીને રૂ. 1,35,141ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 1,5141 અને ઉપરમાં રૂ. 1,46,205ની રેન્જમાં રહીને અંતે સાપ્તાહિક ધોરણે રૂ. 4276 અથવા તો 2.90 ટકા ઘટીને રૂ. 1,42,942ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે હાજરમાં ચાંદીના વેરારહિત ધોરણે ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 20મી માર્ચના રૂ. 2,32,364ના બંધ સામે ઘટીને રૂ. 2,01,500ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 2,01,500 અને ઉપરમાં રૂ. 2,34,814ની રેન્જમાં રહીને અંતે સાપ્તાહિક ધોરણે રૂ. 10,717 અથવા તો 4.61 ટકા ઘટીને રૂ. 2,21,647ના મથાળે બંધ રહ્યા હતા. તાજેતરમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. જોકે, હજુ ભાવ ગત સાલની સરખામણીમાં ઊંચા હોવા છતાં થોડીઘણી માગ ખૂલી હતી, જ્યારે અમુક ખરીદદારોએ વધુ ભાવઘટાડાના આશાવાદે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હોવાનું કોલકાતા સ્થિત એક જ્વેલરે જણાવ્યું હતું. 

વૈશ્વિક ભાવમાં ચંચળતા અને સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયામાં થઈ રહેલા ધોવાણ ઉપરાંત હાલમાં વર્તમાન નાણાકીય વર્ષનાં અંતિમ દિવસો ચાલી રહ્યા હોવાથી ગત સપ્તાહે જ્વેલરી ઉત્પાદકોની તેમ જ સ્ટોકિસ્ટોની લેવાલી પણ નિરસ રહી હોવાનું મુંબઈ સ્થિત એક ડીલરે જણાવતાં ઉમેર્યું હતું કે ગત સપ્તાહે સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્વિક ભાવની સરખામણીમાં આૈંસદીઠ 61 ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે ડિસ્કાઉન્ટ આૈંસદીઠ 75 ડૉલરની સપાટીએ રહ્યું હતું. 

વૈશ્વિક બુલિયન માર્કેટમાં ગત સપ્તાહે ભારે ચંચળતાનું વલણ રહ્યું હતું. જોકે, સપ્તાહના અંતે અમેરિકાએ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ માર્ગ ખોલવા ઈરાન પર દબાણ લાવવા ઈરાનના ઊર્જા એકમો પર હુમલા કરવા માટેની મુદ્ત આગામી છઠ્ઠી એપ્રિલ સુધી લંબાવી હોવાથી ઈરાનને લગતા તણાવ હળવા થવાથી સપ્તાહના અંતે ધીમો સુધારો જોવા મળ્યો હતો. જોકે, બન્ને કિંમતી ધાતુઓમાં સપ્તાહના અંતે બાઉન્સબૅક જોવા મળ્યું હોવા છતાં સાપ્તાહિક ધોરણે ઘટાડો જ નોંધાયો હતો. વધુમાં ઈરાને સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી તેલના 10 ટેન્કર પસાર થવાની મંજૂરી પણ આપી હોવાના અહેવાલ હતા. જોકે, ઈરાને અમેરિકાના યુદ્ધ વિરામ માટેનાં 15 મુદ્દાઓના પ્રસ્તાવને નકારી કાઢવાની સાથે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પર ઈરાનની અધિકૃતતા સહિતની પોતાની શરતો મૂકી હોવાથી હજુ તણાવની સ્થિતિ તો યથાવત્‌‍ જ હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે એકંદરે પશ્ચિમ એશિયામાં યુદ્ધને એક મહિનો થવા આવ્યો હોવા છતાં અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ અંગે અનિશ્ચિતતા, ક્રૂડતેલના ભાવમાં વધારો અને તેને કારણે ફુગાવામાં થનારી વૃદ્ધિની સાથે વિશ્વભરની અગ્રણી કેન્દ્રવર્તી બૅન્કો વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા વધુ પ્રબળ બનતા સોનાના ભાવ સતત દબાણ હેઠળ રહ્યા હતા. 

અત્રે નોંધનીય બાબત એ છે કે અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી અથવા તો ગત 28મી ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 15 ટકા જેટલો ઘટાડો આવી ગયો હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે અમારા મતે આગામી સપ્તાહ દરમિયાન  વૈશ્વિક સોનામાં આૈંસદીઠ 4100 ડૉલરની સપાટી ટેકાની અને 4650 ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેમ જણાય છે, જ્યારે ચાંદીના ભાવ સપ્તાહ દરમિયાન આૈંસદીઠ 60થી 78 ડૉલર આસપાસની રેન્જમાં રહે તેવી ધારણા છે. વધુમાં સ્થાનિક સ્તરે આગામી સપ્તાહ દરમિયાન સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1,30,000થી 1,48,000ની રેન્જમાં રહેવાની અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 1,90,000થી 2,40,000ની રેન્જમાં રહેવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. 

દરમિયાન ગત સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને આૈંસદીઠ 4554.39 ડૉલર સુધી પહોંચ્યા બાદ આગલા બંધ સામે 2.6 ટકા વધીને 4491.78 ડૉલર આસપાસ અને એપ્રિલ ડિલિવરી વાયદામાં ભાવ 2.7 ટકા વધીને 4492.5 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 2.2 ટકા વધીને આૈંસદીઠ 69.54 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તાજેતરમાં સોનામાં જોવા મળેલી વેચવાલીને કારણે  સોનાના વૈશ્વિક ભાવ 200 દિવસની સરેરાશ કરતાં નીચે પ્રવર્તી રહ્યા હોવાથી ખરીદદારોને તક મળી હોવાનું આરજેઓ ફ્યુચર્સના સ્ટ્રેટેજિસ્ટ ડેનિયલ પેવેનિયલે જણાવતાં ઉમેર્યું હતું કે ગત સપ્તાહે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ ખોલવા માટે ઈરાનને આપેલી મુદત વધારી હોવા છતાં ઈરાને અમેરિકાનો 15 મુદ્દાનો પ્રસ્તાવ નકારી કાઢ્યો હોવાથી વિશ્વ બજારમાં તેલના ભાવ વધીને બેરલદીઠ 110 ડૉલર સુધી પહોંચ્યા હતા. 

સામાન્યપણે યુદ્ધના સંજોગોમાં સોના-ચાંદી સહિતની કિંમતી ધાતુઓમાં હેજરૂપી લેવાલી રહેતી હોય છે, પરંતુ તાજેતરમાં ઉકળી રહેલા ક્રૂડ તેલના ભાવ સમગ્ર વિશ્વભરને દઝાડી રહ્યા છે અને ક્રૂડતેલના ભાવ વધતાં ફુગાવા વધારો થશે અને ફુગાવો અંકુશમાં રાખવા કેન્દ્રવર્તી બૅન્કો તંગ નાણાનીતિ અપનાવે તેવી શક્યતા પ્રબળ બને તેમ હોવાથી સોના અને ચાંદી સહિતની કિંમતી ધાતુઓમાં તેજી રૂંધાઈ રહી છે. જોકે, કોમર્ઝ બૅન્કે આ વર્ષના અંત સુધીમાં સોનાના ભાવ આૈંસદીઠ 5000 ડૉલર આસપાસની સપાટીએ રહે તેવો લક્ષ્યાંક મૂક્યો છે અને અમેરિકી ફેડરલ રિઝર્વ વર્ષના અંત આસપાસ વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરશે અને વર્ષ 2027ના મધ્ય સુધીમાં 75 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ધારણા મૂકી છે.