મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે મુંબઈમાં આયોજિત ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026ના એક્સ્પોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે ફિનટેક ક્ષેત્રમાં કામ કરતી વિવિધ કંપનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા ઉત્પાદનો, સેવાઓ અને નવી ટેક્નોલોજીઓનું નિરીક્ષણ કર્યું હતું.
ગ્લોબલ ફિનટેક ફેસ્ટની સાતમી આવૃત્તિને સંબોધતા તેમણે જણાવ્યું કે ભારતની ફિનટેક ક્રાંતિ માત્ર ટેક્નોલોજીના વિકાસને કારણે નથી થઈ, પરંતુ ડિજિટલ પેમેન્ટ અને નાણાકીય સેવાઓને સામાન્ય લોકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાએ તેમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
ડિજિટલ પેમેન્ટના વિસ્તરણથી નાણાકીય સેવાઓ વધુ લોકો સુધી પહોંચી
ભારતમાં ડિજિટલ પેમેન્ટના ઝડપથી વધતા સ્વીકારનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે ભારતના ફિનટેક ઈકોસિસ્ટમએ સાબિત કર્યું છે કે નવી અને ઉભરતી ટેક્નોલોજીને સામાન્ય લોકોના જીવનમાં ઉપયોગી લાભોમાં કેવી રીતે પરિવર્તિત કરી શકાય છે. તેમણે કહ્યું હતું કે ડિજિટલ પેમેન્ટના વિસ્તરણથી નાણાકીય સેવાઓ વધુ લોકો સુધી પહોંચી છે અને ટેક્નોલોજી આધારિત નાણાકીય વ્યવસ્થામાં ભારતે વૈશ્વિકસ્તરે એક મહત્વપૂર્ણ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સ્ટાર્ટઅપ્સ અને કંપનીઓને રાજ્ય સાથે મળીને કામ કરવાની અપીલ
મુખ્ય પ્રધાન ફડણવીસે મહારાષ્ટ્રને ફિનટેક ઈનોવેશન માટે વિશ્વના સૌથી મોટા રિયલ-વર્લ્ડ ટેસ્ટબેડ પૈકીનું એક બનાવવાની મહત્વાકાંક્ષા વ્યક્ત કરી હતી. તેમણે ટેક્નોલોજી કંપનીઓ અને ઇનોવેટર્સને મહારાષ્ટ્રમાં આવીને નવી ટેક્નોલોજી આધારિત ઉકેલો વિકસાવવા અને તેનું પરીક્ષણ કરવા આમંત્રણ આપ્યું હતું. ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ), ટોકનાઈઝેશન અને બ્લોકચેન જેવા ક્ષેત્રોમાં કામ કરતા સ્ટાર્ટઅપ્સ અને કંપનીઓને રાજ્ય સાથે મળીને કામ કરવા માટે તેમણે અપીલ કરી હતી.
વિશ્વના ફિનટેક સેન્ટરોમાં સ્થાન મેળવવા માટે મજબૂત આધાર
ફડણવીસે કહ્યું હતું કે, "મહારાષ્ટ્ર સૌથી મોટા ફિનટેક ઈનોવેશન માટેનું સૌથી મોટું રિયલ-વર્લ્ડ ટેસ્ટબેડ બનશે. અમારા માટે સમસ્યાઓનું સમાધાન લઈને આવો અને અમે તમારી સાથે મળીને કામ કરીશું." મુખ્ય પ્રધાને કહ્યું કે વૈશ્વિક નાણાકીય વ્યવસ્થા હવે માત્ર ન્યૂયોર્ક, લંડન અને સિંગાપોર જેવા પરંપરાગત નાણાકીય કેન્દ્રો સુધી મર્યાદિત રહી નથી.
ભારત નવી નાણાકીય ટેક્નોલોજીના વિકાસ અને તેને મોટા પાયે અમલમાં મૂકવા માટે એક મહત્વપૂર્ણ વૈશ્વિક સ્થળ તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે ભારતની નાણાકીય રાજધાની તરીકે મુંબઈનું સ્થાન, અહીંનું મજબૂત નાણાકીય ઈકોસિસ્ટમ અને ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર શહેરને વિશ્વના ફિનટેક સેન્ટરોમાં સ્થાન મેળવવા માટે મજબૂત આધાર આપે છે.
ટેક્નોલોજીઓ આગામી સમયમાં નાણાકીય ક્ષેત્રમાં મોટો બદલાવ લાવશે
આ વર્ષની ગ્લોબલ ફિનટેક ફેસ્ટની થીમ 'પોટેન્શિયલ ટૂ ઈમ્પૅક્ટ' છે. આ સંદર્ભમાં ફડણવીસે કહ્યું કે એજન્ટિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ટોકનાઈઝેશન અને ક્વાન્ટમ ટેક્નોલોજી જેવી ઉભરતી ટેક્નોલોજીઓ આગામી સમયમાં નાણાકીય ક્ષેત્રમાં મોટો બદલાવ લાવી શકે છે.
જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે સૌથી મોટો પડકાર માત્ર આ ટેક્નોલોજીઓની ક્ષમતાને ઓળખવાનો નથી, પરંતુ તેમની ક્ષમતાને ગ્રાહકો અને વ્યવસાયોને વાસ્તવિક અને અર્થપૂર્ણ લાભ મળે તેવા પરિણામોમાં પરિવર્તિત કરવાનો છે.
જવાબદારી, પારદર્શિતા અને વિશ્વાસ જાળવી રાખે એ જરુરી રહેશે
ફડણવીસે નાણાકીય નિર્ણય લેવામાં એજન્ટિક એઆઈની સંભાવનાઓ પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ નાણાકીય ક્ષેત્રમાં વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે ત્યારે મુંબઈ નવી પેઢીની ફિનટેક ટેક્નોલોજીના વૈશ્વિક ટેસ્ટિંગ ગ્રાઉન્ડ તરીકે ઉભરી શકે છે.
તેમણે જવાબદાર નાણાકીય એઆઈ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આવી ટેક્નોલોજી ગ્રાહકોને પોતાના નાણાકીય નિર્ણયો પર વધુ નિયંત્રણ આપે તેમ જ જવાબદારી, પારદર્શિતા અને વિશ્વાસ જાળવી રાખે તે જરૂરી હોવાનું તેમણે જણાવ્યું.
પરીક્ષણ માટેના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં વેગ મળશે
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રને ફિનટેક ઈનોવેશનનું વૈશ્વિક હબ બનાવવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ઉભરતી નાણાકીય ટેક્નોલોજી વિકસાવતી કંપનીઓને મહારાષ્ટ્રમાં રિયલ-વર્લ્ડ વાતાવરણ પૂરું પાડવા માટે રાજ્ય તૈયાર છે. ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં નાણાકીય સેવાઓ, ટેક્નોલોજી, નીતિ અને ઈનોવેશન ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ હિસ્સેદારો એકત્ર થયા છે.
ફેસ્ટ દરમિયાન નાણાકીય ક્ષેત્રનું ભવિષ્ય, નવી ટેક્નોલોજી અને તેના કારણે ઊભા થનારા પરિવર્તનો અંગે ચર્ચા થઈ રહી છે. મહારાષ્ટ્ર સરકારની આ પહેલથી મુંબઈને માત્ર ભારતની નાણાકીય રાજધાની તરીકે જ નહીં, પરંતુ નવી પેઢીની વૈશ્વિક ફિનટેક ટેક્નોલોજીના વિકાસ અને પરીક્ષણ માટેના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની દિશામાં વધુ વેગ મળવાની અપેક્ષા છે.