Sat Sep 05 2026

Logo

એક વર્ષમાં ગિફ્ટ સિટીમાં ઊભી થશે 20થી વધુ ઈન્ટરનેશનલ રેસ્ટોરાં

2026-03-19 16:36:41
Author: Pooja Shah
એક વર્ષમાં ગિફ્ટ સિટીમાં ઊભી થશે 20થી વધુ ઈન્ટરનેશનલ રેસ્ટોરાં

અમદાવાદઃ ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે આઈએફએસસીએ ટેલેન્ટ વિસ્ટા સમિટ-2026ના ઉદ્ધાટન પ્રસંગે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગિફ્ટ સિટીમાં કામ કરતા યુવાનોની 'ઈવનિંગ લાઈફ' અને સામાજિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને  આગામી એક વર્ષમાં ગિફ્ટ સિટીમાં ૨૦થી વધુ આંતરરાષ્ટ્રીય સ્તરની રેસ્ટોરન્ટ્સ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, રાજ્ય સરકાર 'વર્કિંગ એન્ડ લિવિંગ ઇન ગિફ્ટ સિટી' મોડેલ પર ગંભીરતાથી કામ કરી રહી છે, જેથી કર્મચારીઓને ત્યાં જ રહેવાની શ્રેષ્ઠ સુવિધા મળી રહે.

 હર્ષ સંઘવીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટી હવે સિંગાપોર, દુબઈ, લંડન અને ન્યૂયોર્ક જેવા આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રો સાથે સીધી સ્પર્ધા કરી રહ્યું છે. આ સફળતાના પાયામાં આઈએફએસસીએનું યુનિફાઈડ રેગ્યુલેટરી આર્કિટેક્ચર, આકર્ષક ટેક્સ માળખું અને ભારતની ડિજિટલ નાણાકીય તાકાત રહેલી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગિફ્ટ સિટીને ન્યુ-એજ ગ્લોબલ ફાઈનાન્સિયલ સેન્ટર બનાવવા માટે હવે 'વર્લ્ડ ક્લાસ ટેલેન્ટ' ઊભું કરવાની દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જેના માટે ગાંધીનગર અને અમદાવાદની આઈઆઈએમ-અમદાવાદ, માઈકા, નિરમા અને નેશનલ લો યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ નવી વિઝનરી યુથ ફોર્સ તૈયાર થઈ રહી છે. 

સાથે જ, ગિફ્ટ સિટીમાં જ સ્થાપિત અન્ય દેશોની યુનિવર્સિટીઓ પણ આ કામમાં જોડાઈ છે. સરકાર સ્ટ્રક્ચર્ડ ઈન્ટર્નશિપ અને પ્લેસમેન્ટ ફ્રેમવર્ક દ્વારા આ યુવાનોને મહત્તમ તકો આપવા કટિબદ્ધ છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. 
સંઘવીએ રાજ્યના યુવાનોને આશ્વાસન આપ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં કામ કરવાથી તેમના માતા-પિતાનું વિદેશમાં નોકરી કરવાનું સપનું પણ અહીં જ સાકાર થશે, કારણ કે અહીં ગ્લોબલ એક્સપોઝર અને વૈશ્વિક કક્ષાનું વળતર બંને ઉપલબ્ધ છે. 

તેમણે ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં પ્રોત્સાહનોમાં થોડો તફાવત હોઈ શકે, પરંતુ ગુજરાત જેવી રાજકીય અને નીતિગત સ્થિરતા બીજે ક્યાંય નથી.