Thu Jun 18 2026

Logo

ગેસ સંકટ વચ્ચે ONGCના દમણ પ્રોજેક્ટમાંથી ગેસ ઉત્પાદન થયું શરૂ, જાણો ગુજરાતને શું થશે ફાયદો?

2026-03-30 11:43:00
Author: Mayurkumar Patel
Article Image

ગાંધીનગરઃ ઈરાન સંકટના કારણે હાલ ગુજરાત સહિત દેશભરમાં ગેસની અછત સર્જાઈ છે. ગેસના રેગ્યુલર પુરવઠો ન મળવાના કારણે અનેક ઉદ્યોગો બંધ થઈ ગયા છે.  આ દરમિયાન સરકારી માલિકીની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) એ મોટી સિદ્ધિ મેળવી છે. અરબી સમુદ્રમાં દમણ અપસાઇડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત કંપનીએ અરબી સમુદ્ર સ્થિત તેના એક પ્લેટફોર્મ પરથી ગેસનું ઉત્પાદન શરૂ કર્યું છે. દમણ પ્રોજેક્ટની ગેસ સપ્લાય શરૂ થશે અને હજીરા પ્લાન્ટમાં પ્રોસેસિંગ  થશે.

ક્યાં આવેલો છે આ પ્રોજેક્ટ

આ પ્રોજેક્ટ મુંબઈથી ઉત્તર-પશ્ચિમે લગભગ 180 કિમી અને ગુજરાતના દરિયાકાંઠે પીપાવવથી દક્ષિણે આશરે 80 કિમી દૂર આવેલો છે. 29 માર્ચ, 2026 ના રોજ પ્લેટફોર્મ B-12-24P પરથી ગેસનો પ્રવાહ શરૂ થયો હતો. આ પ્લેટફોર્મનું સફળતાપૂર્વક કમિશનિંગ કરવામાં આવ્યું છે અને હવે આ ગેસને પ્રોસેસિંગ માટે ONGC ના હજીરા પ્લાન્ટમાં મોકલવામાં આવી રહ્યો છે.

અંદાજે 8,300 કરોડ રૂપિયાથી વધુના મૂડી ખર્ચ સાથે તૈયાર થયેલા આ પ્રોજેક્ટની કામગીરી કોન્ટ્રાક્ટ આપ્યાની તારીખથી બે વર્ષથી ઓછા સમયમાં પૂર્ણ કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ONGC એ મજબૂત પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને 'ડ્રિલ-ડેક' અભિગમના નવીન ઉપયોગને કારણે આ કામગીરી નિર્ધારિત સમય કરતાં વહેલી પૂર્ણ કરી છે. સમયસર કમિશનિંગ કરવામાં ડ્રિલિંગ અને પ્રોડક્શન ટીમોએ મહત્વની ભૂમિકા ભજવી હતી, જે બહેતર સંકલન અને કાર્યક્ષમતા દર્શાવે છે.

આ સીમાચિહ્ન પ્રોજેક્ટમાંથી તબક્કાવાર ગેસ ઉત્પાદનની શરૂઆત દર્શાવે છે, અને આગામી સમયમાં અન્ય કૂવાઓમાંથી પણ ઉત્પાદન ધીમે ધીમે વધારવામાં આવશે તેવી અપેક્ષા છે. 

ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક સ્તરે ઈરાન-યુદ્ધને કારણે ઈંધણ સંકટ સર્જાયું છે, જેને ધ્યાનમાં રાખીને ભારત સરકારે મોટો નિર્ણય લીધો હતો. સામાન્ય રીતે કેરોસીનનું વેચાણ માત્ર રેશનિંગની દુકાનો  દ્વારા જ કરવામાં આવતું હોય છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા સરકારે તેના નિયમોમાં કામચલાઉ ફેરફાર કર્યો હતો. રવિવારે, 29 માર્ચ 2026ના રોજ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જાહેરાત કરી કે, દેશમાં કેરોસીનની અછતને પહોંચી વળવા માટે પેટ્રોલિયમ સુરક્ષા અને લાયસન્સિંગના નિયમોમાં તાત્કાલિક અસરથી છૂટછાટ આપવામાં આવી છે.   

વર્તમાન સમયમાં ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક એનર્જી સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે, જેની સીધી અસર ભારત જેવા દેશોના પેટ્રોલિયમ ઉત્પાદનોના પુરવઠા પર પડી રહી છે. નાગરિકોને રાંધણગેસ કે અન્ય ઈંધણની અછત ન વર્તાય અને સામાન્ય લોકોની દૈનિક જરૂરિયાતો જળવાઈ રહે તે માટે સરકારે લાયસન્સિંગની જટિલ પ્રક્રિયાઓને હળવી કરીને કેરોસીનના વિતરણને વેગ આપવાનો આ વ્યૂહાત્મક નિર્ણય લીધો છે.