Thu Sep 03 2026

Logo

પૂજા ખેડકર જેવું કૌભાંડ: ગઢચિરોલીમાં ચીફ ઓફિસર ગણેશ શહાણે પર નકલી દિવ્યાંગ પ્રમાણપત્રનો આરોપ

2026-04-26 20:23:06
Author: Mumbai Samachar Team
પૂજા ખેડકર જેવું કૌભાંડ: ગઢચિરોલીમાં ચીફ ઓફિસર ગણેશ શહાણે પર નકલી દિવ્યાંગ પ્રમાણપત્રનો આરોપ

ગઢચિરોલીઃ સરકારી અધિકારી પૂજા ખેડકર દ્વારા ખોટા પ્રમાણપત્રથી અપંગોની શ્રેણીમાં નોકરી મેળવવાનું કૌભાંડ બહાર આવ્યા બાદ, આવો અન્ય એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહેરી નગર પંચાયતના મુખ્ય અધિકારી ગણેશ શહાણે પર ખોટા દસ્તાવેજોના આધારે અપંગતા પ્રમાણપત્ર મેળવવા અને સરકારી સેવામાં જોડાવાનો શંકા છે. હવે, તેમની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો થયો છે.

આ બાબતની ગંભીર નોંધ લેતા, ગઢચિરોલી જિલ્લા કલેક્ટર સંજય દૈને રાજ્ય સરકારના સામાન્ય વહીવટ અને શહેરી વિકાસ વિભાગને પત્ર લખીને શહાણે સામે યોગ્ય કાર્યવાહી કરવાની ભલામણ કરી છે. આ કારણે, હવે ચીફ ઓફિસર શહાણે પર બરતરફી અથવા ફોજદારી કાર્યવાહીની તલવાર લટકી રહી છે.

મૂળ પુણે જિલ્લાના નીરવીના રહેવાસી ગણેશ શહાણેએ ઔંધની એક સરકારી હોસ્પિટલમાં અપંગતા પ્રમાણપત્ર માટે અરજી કરી હતી. જોકે, તબીબી તપાસમાં તે દિવ્યાંગો માટે અનામત માટે લાયક ન હોવાનું બહાર આવ્યા બાદ તેમની અરજી નામંજૂર કરવામાં આવી હતી. 

એવો આરોપ છે કે પુણેમાં તેમની દાળ ન ગળતા, શહાણેએ ધુલેના સકાઈ રોડ વિસ્તારમાં અધૂરા સરનામા અને શંકાસ્પદ દસ્તાવેજોના આધારે ત્યાંની મેડિકલ કોલેજમાંથી 'શ્રવણશક્તિ ગુમાવવાનું' પ્રમાણપત્ર મેળવ્યું હતું.

આ નિમણૂક અંગે માત્ર જિલ્લા કલેક્ટર જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી ) એ પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. કમિશને સામાન્ય વહીવટ વિભાગને મોકલેલા પત્રમાં અનેક પુરાવાઓ સાથે શહાણેની અપંગતા અંગે શંકા વ્યક્ત કરી છે. 

સાસૂન હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજે તેઓ અપંગ નથી તેની પુષ્ટિ કરી હોવા છતાં, તેમની સામે હજુ સુધી કેસ કેમ નોંધવામાં આવ્યો નથી અથવા તેમને તેમના પદ પરથી કેમ દૂર કરવામાં આવ્યા નથી તેવો પ્રશ્ન પણ પુછાઈ રહ્યો છે.  

આ મામલો વિધાનસભામાં પણ ઉઠાવવામાં આવ્યો છે, જેમાં વિપક્ષી નેતા વિજય વડેટ્ટીવારે આ બાબતે અવાજ ઉઠાવ્યો છે. હવે જ્યારે જિલ્લા મેજિસ્ટ્રેટે સીધી કાર્યવાહીની ભલામણ કરી છે, ત્યારે સૌનું ધ્યાન રાજ્ય સરકાર શહાણે સામે શું કાર્યવાહી કરશે તેના પર છે.