Sun Sep 06 2026

Logo

માલીમાં અલ-કાયદા સાથે જોડાયેલા સંગઠનનો આંતકી હુમલો, સંરક્ષણ મંત્રી સાદિયો કામારાનું મોત

bamako   2026-04-26 22:42:36
Author: Chandrakant Kanoja
માલીમાં અલ-કાયદા સાથે જોડાયેલા સંગઠનનો આંતકી હુમલો, સંરક્ષણ મંત્રી સાદિયો કામારાનું મોત

AFP


બામાકો: પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં એક મોટો આતંકવાદી હુમલો થયો છે. જેમાં અલ-કાયદા સાથે જોડાયેલા જેહાદી સંગઠન JNIM અને તુઆરેગ બળવાખોરોએ દેશના અનેક ભાગોમાં એક સાથે હુમલાઓ શરૂ કર્યા હતા. આ હુમલામાં માલીના સંરક્ષણ મંત્રી  સાદિયો કામારાનું મૃત્યુ થયું હતું. શનિવારે રાજધાની બામાકો નજીક કાટી શહેરમાં તેમના નિવાસસ્થાનને નિશાન બનાવીને એક આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.

આ હુમલામાં સંરક્ષણ  મંત્રી સાદિયો કામારા તેમની બીજી પત્ની અને તેમના બે પૌત્રો માર્યા ગયા હતા. આ હુમલો એટલો પ્રચંડ હતો કે તેણે રાજધાની બામાકોના બહારના વિસ્તારોને હચમચાવી નાખ્યા હતા. 

દેશના અનેક ભાગોમાં બળવાખોરો  એક સાથે હુમલા શરૂ કર્યા હતા. રવિવારે, કાટી, કિડાલ, ગાઓ અને સેવરે જેવા વિસ્તારોમાં ભારે તોપમારો અને લડાઈ ફરી શરૂ થઈ હતી. જેમાં તુઆરેગ બળવાખોરોએ દાવો કર્યો છે કે કિડાલ હવે સંપૂર્ણપણે તેમના નિયંત્રણમાં છે. કરારની શરતો હેઠળ  માલિયન સેના અને તેમના રશિયન સાથીઓને ત્યાં સ્થિત લશ્કરી છાવણીમાંથી પાછા ફરવા માટે સલામત માર્ગ આપવામાં આવ્યો છે.

બળવાખોરોએ કિડાલ ફરીથી કબજે કર્યો

ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2023 માં, રશિયાના વેગનર ગ્રુપની મદદથી માલિયન સેનાએ બળવાખોરો પાસેથી કિડાલ ફરીથી કબજે કર્યો હતો .જે પ્રદેશ હવે ફરી એકવાર તેમના હાથમાંથી સરકી ગયો છે. સરકારનું કહેવું છે કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. જોકે  જમીન પરની વાસ્તવિકતા કંઈક અલગ જ  છે. રાજધાની, બામાકોમાં લશ્કરી થાણાઓ સુધી પહોંચવાના માર્ગો અવરોધિત કરવામાં આવ્યા છે. એરપોર્ટ નજીકના વિસ્તારોમાં રહેતા રહેવાસીઓ વિસ્ફોટોના અવાજોથી ગભરાઈ ગયા હતા. 

યુરોપિયન યુનિયને આ આતંકવાદી હુમલાઓની સખત નિંદા કરી

યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ અને યુરોપિયન યુનિયને આ આતંકવાદી હુમલાઓ ની સખત નિંદા કરી છે અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે અપીલ કરી છે.