બીડ: ધાર્મિક કાર્યક્રમમાં જતી વખતે ટેમ્પો ટ્રાવેલર ઊંધો વળતાં આઠ વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે 15 જેટલા ઘવાયા હોવાની ઘટના બીડ જિલ્લામાં બની હતી.પોલીસના જણાવ્યા મુજબ ઘટના રવિવારની સવારે 5.30 વાગ્યે જામખેડ-મિરાજગાંવ રોડ પર કર્જત તહેસીલના ખાડકત નજીક સિના નદી બ્રિજ પાસે બની હતી. ધાર્મિક કાર્યક્રમ માટે પુણેથી બીડ જવા માટે પરિવાર દ્વારા ટેમ્પો ટ્રાવેલરની સગવડ કરવામાં આવી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર ઝોકું આવવાને કારણે ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ વાહન ઊંધું વળી ગયું હતું. પુણેમાં રહેતી બાળકી યશશ્રી વિજય સોનાવણે વાહનની બારીમાંથી દૂર ફંગોળાઈ ગઈ હતી. જમીન પર પટકાવાને કારણે ગંભીર ઇજા થતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.આ ઘટનામાં 15 જણને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્તોને તબીબી મદદ પૂરી પાડવામાં આવી હતી. ઘટનાની નોંધ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. (પીટીઆઈ)