Fri Sep 04 2026

Logo

ગાંધીધામમાં પરપ્રાંતીય મહિલા પર ગેંગરેપ; લલચાવીને લાવ્યા બાદ ત્રણ શખ્સોએ પીંખી નાખી

2026-03-06 14:39:00
Author: Mumbai Samachar Team
ગાંધીધામમાં પરપ્રાંતીય મહિલા પર ગેંગરેપ; લલચાવીને લાવ્યા બાદ ત્રણ શખ્સોએ પીંખી નાખી

ભુજઃ કચ્છના ઔદ્યોગિક હબ ગણાતા ગાંધીધામમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. ગાંધીધામના ગણેશનગર વિસ્તારમાં ઉત્તર પ્રદેશના કાનપુરની એક મહિલા પર ત્રણ શખ્સોએ પાશવી રીતે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ઉત્તર પ્રદેશમાં ઝીરો નંબરથી એફઆઈઆર નોંધાયા બાદ હવે ગાંધીધામ પોલીસ હરકતમાં આવી છે.

શું છે મામલો 

મળતી માહિતી મુજબ, ભોગ બનનાર મહિલાને ગાંધીધામના ગણેશનગરમાં લાવવામાં આવી હતી. અહીં ત્રણ ઉત્તરપ્રદેશના યુવકો મુનેશ, શ્યામજી અને છોટુએ આ મહિલા સાથે મારપીટ કરી હતી અને ત્યારબાદ એક પછી એક ત્રણેય શખ્સોએ વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો.

પીડિત મહિલાએ આ આખી આપવીતી સૌપ્રથમ ઉત્તર પ્રદેશમાં જઈને વર્ણવતાં  ગાઝિયાબાદના જીઆરપી પોલીસ સ્ટેશનમાં ગુના નંબર ૧૫-૨૦૨૬ હેઠળ ભારતીય ન્યાય સંહિતાની કલમો મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગુનો ગાંધીધામમાં બન્યો હોવાથી, મુરાદાબાદ પોલીસ અધિક્ષકની કચેરી મારફતે આ કેસ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસને સોંપવામાં આવતાં પી.એસ.આઈ એમ.જે. રાઠોડ આ કેસની સઘન તપાસ ચલાવી રહ્યા છે અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(ઉત્સવ વૈદ્ય)