Sun Aug 23 2026

Logo

ગાંધીધામ ભાજપ નેતાનો આત્મહત્યા કેસ: અમદાવાદથી વધુ એક આરોપી ઝડપાયો

2026-03-17 11:35:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: ગાંધીધામ શહેર ભાજપના યુવા મંત્રી દિપેશ ત્રિપાઠીએ વ્યાજખોરોના ત્રાસથી કરેલી આત્મહત્યાના મામલે આદિપુર પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. રાજ્યભરમાં ચકચારી બનેલા આ પ્રકરણમાં સ્થાનિક ગુનાશોધક શાખાએ અમદાવાદના નરોડા વિસ્તાર ખાતેથી વધુ એક આરોપીની ધરપકડ કરી છે.

ગત ૫મી માર્ચના રોજ ગાંધીધામના યુવા નેતા દિપેશ ભટ્ટે (ત્રિપાઠી) વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મૃત્યુ પૂર્વે દિપેશે એક સ્યુસાઇડ નોટ અને વીડિયો બનાવી પોતાની વ્યથા ઠાલવી હતી, જેમાં વ્યાજખોરીના આ વિષચક્રમાં સંડોવાયેલા ૧૮ શખ્સોના નામનો ઉલ્લેખ કર્યો હતો. મૃતકની પત્ની દીપાબેન ત્રિપાઠીએ આદિપુર પોલીસ મથકે ૧૮ લોકો વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે ગુનાહિત કાવતરા અને મજબૂર કરવાના આરોપ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

આ કેસમાં અગાઉ એક શિક્ષિકા સહીત ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી તેવામાં ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી સ્થાનિક ગુન્હાશોધક શાખાએ ચોથા આરોપી એવા મુંદ્રાના મહાવીરનગરમાં રહેતા વિપુલ હરસુખલાલ રૂડાણીને અમદાવાદના નરોડા વિસ્તારમાંથી ઝડપી લઈને તેને આદિપુરના પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે.

વ્યાજખોરીના આ રેકેટમાં સંડોવાયેલા બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટુકડીઓ બનાવવામાં આવી હોવાનું નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીએ જણાવ્યું હતું. 

(ઉત્સવ વૈદ્ય)