Mon Sep 07 2026

Logo

મહારાષ્ટ્રમાં જન્મેલું દુર્લભ 'પ્લાસ્ટિક બેબી': જાણો શું છે આ હાર્લેક્વિન ઇચથિઓસિસ બીમારી

2026-03-30 21:22:18
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્રમાં જન્મેલું દુર્લભ 'પ્લાસ્ટિક બેબી': જાણો શું છે આ હાર્લેક્વિન ઇચથિઓસિસ બીમારી

મુંબઈઃ નવજાત બાળક આવવાનો આનંદ કંઈક અલગ જ હોય છે, પરંતુ જન્મતાની સાથે જ જીવન ટકાવી રાખવા માટે મોટો સંઘર્ષ કરવો પડે અને તેમાંથી સુરક્ષિત બહાર આવવું, એ આ નાનકડા જીવ માટે એક મોટો પડકાર છે. ગઢચિરોલી જિલ્લા મહિલા અને બાળ હોસ્પિટલમાં અત્યંત દુર્લભ બીમારી સાથે એક નવજાત બાળકનો જન્મ થયો છે, જેની અવસ્થા જોઈને અનુભવી ડોક્ટરોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. 

તબીબી પરિભાષામાં, તેને હાર્લેક્વિન ઇચથિઓસિસ કહેવામાં આવે છે. આ રોગ એટલો દુર્લભ છે કે તે સામાન્ય રીતે ૩ લાખ પ્રસૂતિઓમાંથી માંડ એકાદ આવો કિસ્સો સામે આવે છે. આ બીમારીમાં જન્મ લેતા બાળકના શરીર પર કુદરતી ત્વચા હોતી જ નથી. તેને બદલે શરીર પર સફેદ રંગની જાડી, કઠણ અને કોઈ કવચ જેવી પ્લેટો હોય છે. શરીર પર એટલા ઊંડા ચીરા હોય છે કે તેમાંથી રક્તસ્રાવ  થવાનો અને ઈન્ફેક્શન લાગવાનો મોટો ખતરો રહે છે.

આ બીમારી જન્મજાત ખામીને કારણે થાય છે, જેમાં બાળક માટે હલનચલન કરવું કે શ્વાસ લેવો પણ બહુ મુશ્કેલ હોય છે. આરમોરી તાલુકાની એક માતાએ આ બાળકને જન્મ આપ્યો છે. બાળકની આંખો અને હોઠ બહારની તરફ ખેંચાયેલા છે, તેથી તેની હાલત જોઈને ડોક્ટરો પણ ચિંતિત છે. 
અત્યારે બાળકને ખાસ સારવાર માટે આઇસીયુમાં રાખવામાં આવ્યું છે. જિલ્લા સર્જન ડૉ. વર્ષા લહાડેએ જણાવ્યું હતું કે, "આ બાળકોના શરીરમાં પાણી ઝડપથી ઘટે છે, તેથી તેમને ૨૪ કલાક કૃત્રિમ રીતે ભેજવાળા વાતાવરણમાં રાખવું જરૂરી છે."

હાર્લેક્વિન ઇચથિઓસિસ ધરાવતા શિશુઓમાં મૃત્યુદર ઊંચો હોય છે અને તેઓ ચેપ, હાયપોથર્મિયા, ડિહાઇડ્રેશન, ઇલેક્ટ્રોલાઇટ અસંતુલન અથવા શ્વસન તકલીફને કારણે જન્મ પછી તરત જ મૃત્યુ પામે છે.