બોલો, તમે શું કહો છો? - જૂઈ પાર્થ
દસ દિવસ પહેલાં અંજનાબહેનનાં પતિ માનવભાઈની એન્જિયોગ્રાફી કરાવી હતી. આડોશપાડોશ, સગાં સંબંધીઓ, મિત્રો સવાર સાંજ માનવભાઈની ખબર કાઢવા આવતા હતા. અરે કોઈ તો રાત્રે સૂવાના સમયે પણ આવતા. અમુક તો ખબર કાઢવાનાં નામે આખો દિવસ એમના ઘેર રોકાતા. બહારગામનાં કેટલાંક મહેમાનોએ બે- ચાર દિવસ માટે અંજનાબહેનનાં ઘેર જ ધામા નાખ્યા હતા. આમ દસ દિવસથી એમને ત્યાં મહેમાનોનો રાફડો ફાટ્યો હતો જાણે!
પાછા આવીને કહે પણ ખરાં કે `હમણાં તો તબિયતનાં કારણે તમે બહાર ના જાવ એટલે પૂછ્યા વગર જ આવી ગયા!'
બોલો, હવે અંજનાબહેન આમાં શું કહે?!
દર્દીની સાથે મહેમાનો પણ સાચવવામાં અંજનાબહેનનો આખો દિવસ રસોડામાં જતો. ચા, કોફી, નાસ્તા, જમવાનું અંજનાબહેનની પહેલેથી એવી આદત કે ટાણે-કટાણે જે કોઈ આવે એમને પ્રેમથી આગ્રહ કરીને જમાડે. માનવભાઈનો પણ એવો આગ્રહ રહેતો. સામાન્ય સંજોગોમાં અંજનાબહેન બધા કામને પહોંચી વળતા પણ અત્યારે એક તરફ પતિની નાદુરસ્તમાં એમની દેખરેખની સમાંતરે મહેમાનો અને રસોડું છેવટે એક દિવસ તો અંજનાબહેન પોતે જ માંદા પડ્યાં. શારીરિક રીતે એટલી બધી નબળાઈ આવી ગઈ કે એમાંથી ઊભા થતા થતા એમને બે મહિના થઈ ગયા.
પહેલીવાર અંજનાબહેનને લાગ્યું કે ક્ષમતા કરતાં વધારે પડતું કામ કર્યા કરતાં માપમાં કરવું સાં. પોતાને આટલી તકલીફ પડી ત્યારે એમને સમજાયું કે વર્ષોથી સચવાયેલા સંબંધો પણ ક્યારેક ભારરૂપ લાગે છે.
ત્યારથી એમણે નિયમ લીધો કે સંબંધી દૂરનાં હોય તો ખબર ફોન પર જ પૂછી લેવી અને જો કોઈનાં ઘેર કે હોસ્પિટલ જવાનું થાય તો ફોન કરીને જવાનું અને જઈને ખાવાનું તો દૂર, એક પવાલું પાણી પણ નહીં માગવાનું. જે તકલીફ અંજનાબહેનને પડી એવી એમના તરફથી કોઈ બીજાને ના પડવી જોઈએ.
આપણે ત્યાં વર્ષોથી સગાં સંબંધીઓને ઘેર મળવા જવાનું સહજ હતું. લોકો હકથી, વગર પૂછે એકબીજાના ઘેર જઈ શકતા. લોકો કામમાં વ્યસ્ત થતાં ગયા એમ એમ આ બધું ઓછું થતું ગયું. અને આમાં સૌથી મોટો ભાગ ભજવ્યો હોય તો ટેલિફોન સેવાએ. એવું લાગે છે કે ટેલિકમ્યુનિકેશન ઉત્ક્રાંતિ બાદ હવે પહેલાંની જેમ એકબીજાને ઘેર મળવા જવું એ જનાર અને બોલાવનાર એમ બંને પક્ષે સાવ ઓછું થઈ ગયું છે. પત્ર વ્યવહાર તો લગભગ નામશેષ થઈ ગયો છે. પહેલાં વારે-તહેવારે મળી ના શકાય તો ફોન પર વાત થતી, પરંતુ સ્માર્ટફોન પર વીડિયો કોલિંગનાં જમાનામાં ચીલાચાલુ ટેલિફોન કરવાનું પણ ચલણ ઘટી ગયુ છે. મોબાઈલ ફોનનો પણ ઉપયોગ કોલ કરવા કરતાં મેસેજ માટે વધુ થાય છે. જ્યાં મેસેજ લખીને મોકલી શકાતો હોય ત્યાં લોકો ફોન કરવાનું પણ ટાળે છે. મેસેજમાં પણ ઈમોજીથી જવાબ અપાય તો હા-ના જેવું ટાઈપ પણ કરવાની તસ્દી નથી લેવાતી. એકબાજુ માણસ ક્લબ અને પબમાં જઈને સોશ્યલ બને છે કે પછી કોન્સર્ટમાં જઈને અત્યંત લાગણીશીલતાનો અનુભવ કરે છે તો બીજીબાજુ એ દરેક વાત ટૂંકમાં પતાવવાનો પ્રયત્ન કરે છે. આમ, સામાજિક માનવી અચાનક અળગો ક્યારે થઈ જાય છે એની ખબર નથી પડતી.
કોઈવાર તો લાગે છે માણસને જરૂર પડે ત્યારે જ માણસ ગમે છે બાકી સંબંધો સગવડિયા બની ગયા છે. જો કે એમાં કેટલાકને સુખ પણ લાગે છે કે ખોટી લાગણી બતાવવી નહીં ને કામનાં સમયે સાથે ઊભા રહેવાનું. આપણી આસપાસ કેટલાં બધાં લોકો હશે જે પણ અંજનાબહેનની જેમ મિત્રો સગાનાં ઘેર જવાનું ટાળતા હશે. દરેકનાં કારણ અંગત અને અલગ હોઈ શકે છે. શક્ય છે કોઈનો જન્મજાત સ્વભાવ જ એવો હોય પણ બધા એવા નથી હોતા. હાલની પેઢીને વગર કારણે કોઈને મળવા જવું, મન થાય ત્યારે ફોન કર્યા વિના ગમતી વ્યક્તિનાં ઘરનો બેલ મારવો, કોઈ સગાં સાથે મન ભરીને વાતો કરવી એવું અજુગતું લાગે છે કારણકે સમય બદલાતો રહ્યો છે.
જો કે આ વાતમાં ફાયદા અને નુકસાન બંને છે. હવે દરેક જણને પોતાની `સ્પેસ' એટલે કે પોતાની નક્કી કરેલી ભૌતિક અને માનસિક સ્થિતિમાં રહેવું વધુ ગમે છે, જે પહેલાં સામાજિક ભાર હેઠળ દબાઈ જતું હતું. લોકોને માન આપવામાં સ્વમાન ઘવાતું હતું. મેણાં ટોણાં, સંબંધ સાચવવા ગળેલા કડવા ઘૂંટડા સહેવા પડતા હતા, પરંતુ હાલની પેઢીને આવી કોઈ ચિંતા નથી, કારણ કે એમણે એમની સ્પેસમાં કયા અને કેટલા લોકોને પ્રવેશ આપવો એ નક્કી કરેલું હોય છે. અત્યારની પેઢી ખરાબ છે એવું તારણ ના કાઢી શકાય, પરંતુ એ પોતાનાં જીવનના કેન્દ્રમાં પોતાની જાતને અને સાથે પોતાના અંગત લોકોને જ મૂકે છે નહીં કે આખા સમાજને!
આ જ વાત બીજા નજરિયાથી જોઈએ તો...
હાલની પેઢી થોડા અંશે એકલવાયી પણ છે. જ્યારે સંબંધો એટલા ગાઢ બનાવ્યા જ ના હોય ત્યારે કયા સંબંધને મુલાકાત, ફોન, મેસેજ કે ઈમોજી સુધી રાખવો એ જાતે જ નક્કી કરવાનું હોય છે.
બોલો, તમે શું કહો છો?