શ્વેતા જોષી અંતાણી
નીર હજુ હમણાં અઢાર વર્ષની થયેલી, પણ એના હૃદયે અનુભવેલી લાગણીઓ ઉંમર કરતાં ક્યાંય વધુ હતી. સ્કૂલની લાઈબ્રેરી એની મનપસંદ જગ્યા. ખાસ કરીને એટલાં માટે કે પુસ્તકોના ઢગલાં વચ્ચે એ અંગત ગૂંચવણોથી દૂર ભાગી શકતી, પણ આજે હાથમાં બુક ખુલ્લી હોવા છતાં એની નજર એક જ જગ્યા પર ખોડાયેલી હતી. ફોનની સ્ક્રીન પર. વ્હોટ્સ એપ પર last seen 2:17 PM..
અંશુમાન ફરીથી ગાયબ હતો. આ કંઈ પહેલીવાર નહોતું થયેલું. અચાનક દૂર થઈ જવું એ અંશુમાનની આદત હતી. કોઈ કારણ વિના, કોઈ સ્પષ્ટતા કર્યા વગર, એ દર વખતે આમ ભાગી જતો. નીર જાતને સમજાવી લેતી. ‘કદાચ એ બીઝી હશે, કદાચ કોઈ કામમાં અટવાય ગયો હશે. કદાચ એને થોડી સ્પેસ જોઈતી હશે, કદાચ એને ઠીક નહી હોય.’ કદાચ..કદાચ..કદાચ હવે કારણ શોધતા નીર થાકી ગયેલી. આ વખતે પહેલીવાર એના મનમાં ધીમો સવાલ ઊભો થયેલો. ‘કદાચ, આ કદાચ જ જૂઠ્ઠું છે...’
નીર અને અંશુમાનની દોસ્તી એકાદ વર્ષ પહેલાં શરૂ થયેલી. શરુઆતમાં તો બહુ મજા આવતી. લાંબી લાંબી વાતો, રાત્રે મોડે સુધી ચીટચેટ, નાની-મોટી મજાક-મસ્તી. આહા! નીરના સ્ટાર્સ સાતમા આસમાને વિહરતા હતા. અંશુમાન એને ‘સ્પેશ્યલ’ હોવાનો અહેસાસ કરાવતો, પણ કહેવાય છે ને કે ‘નથીંગ ઈઝ પરમેનેન્ટ’. અને ઝેન ઝી જનરેશનમાં તો પરિવર્તન બહુ જલદી પીક પકડી લે છે.
અંશુમાનનું વર્તન વિચિત્ર થતું ચાલ્યું. એ ક્યારેક બહુ આત્મિયતા બતાવતો. જાણે નીર ફ્રેન્ડ નહી, ફેમિલી મેમ્બર હોય-તો ક્યારેક એ એટલો અજાણ્યો-અજનબી બની જતો જાણે નીર સાથે કોઈ નિસ્બત નથી. નીર મૂંઝાઈ જતી. એક દિવસ એણે કાવ્યાને કહ્યું, ‘યાર, મને સમજાતું નથી અંશુ આવું કેમ કરે છે.’ કાવ્યાનો જવાબ સ્પષ્ટ હતો. ‘જો એને સમજવો એટલો મુશ્કેલ હોય તો પછી એની સાથે દોસ્તી જ ના હોય.’
નીરને આ જવાબ સહેજપણ ના ગમ્યો. એના મનમાં અંશુમાન સાથે વિતાવેલી સુખદ ક્ષણો છવાયેલી હતી.
જોકે એ રાત્રે નીરે જાતને એક સવાલ પૂછ્યો. ‘શું અંશુને ખ્યાલ પણ હશે કે એના વર્તનથી મને દુ:ખ પહોંચી રહ્યું છે?’ અને પછી એને એ ક્ષણો પણ યાદ આવી જ્યારે અંશુમાને મેસેજ જોયા હોય ને તેમ છતાં કોઈ જવાબ ના આપ્યો હોય. ફોન ઉપાડી 'I will call you' કહ્યા પછી ફરી દિવસો સુધી ફોન ના કર્યો હોય. નીર કંઈક લાગણીથી વાતો કરતી હોય તો વાત ફેરવી કાઢી હોય. અને પછી નીર સામે આજે એક કડવું સત્ય ઉઘડ્યું જાણે...’ અંશુને ખબર બધી હતી, બસ એ દરકાર નહોતો કરતો.’
બીજા દિવસે નીર ફરી એ લાઈબ્રેરીના ખૂણામાં ભરાઈ બેસેલી. આજે એણે ફોનને બેગની અંદર મૂકી રાખ્યો. એણે પોતાની ડાયરી કાઢી, લખવાનું શરૂ કર્યું. "Closure- આ કોઈ જવાબ નથી જે બીજા પાસે માગવો પડે. આ એ સત્ય છે જે મારે જાતને સમજાવવું પડશે.’
એણે ઊંડો શ્ર્વાસ લીધો. પહેલીવાર જાતને સત્ય સાથે પરિચય કરાવ્યો. ‘અંશુને ખબર હતી એ મને હર્ટ કરી રહ્યો છે. તેમ છતાં એણે સતત એવું વર્તન કર્યુ.’ આવું સ્વીકારવું નીર માટે સહેલું નહોતું, પણ સ્વીકાર સાથે એને મન પર હળવાશ ચોક્કસ અનુભવાયેલી.
એ સાંજે અંશુમાનનો અચાનક મેસેજ આવ્યો : ‘હેય..સોરી આઈ વોઝ બીઝી..’ પહેલાની નીર ફટાક્ દેતાં જવાબ આપી દેતી કે ‘ઈટ્સ ઑકે.’ પણ આજે એણે મેસેજ જોયો અને ફોનને બાજુ પર રાખી દીધો, કારણ કે નીર હવે અંશુમાનની પેટર્ન સમજી ગયેલી. અંશુમાન માટે વ્યસ્ત હોવું એ કારણ નહોતું, આ એની આદત હતી. દરેક વખતે એક જ પેટર્નમાં કોઈ વ્યક્તિનું વર્તન હોય તો એ જાણીજોઈને થયેલું હોવાની શક્યતા વધુ.
નીરે જાતને પ્રોમિસ આપેલું, ‘હું એને બદલવાની કોશીશ નહી કરું, રાહ પણ નહી જોઉં. હા જાતને ચોક્કસ સમજીશ. મારું સ્વમાન જાળવીશ, જે હું બીજા પાસેથી અપેક્ષા રાખું છું એ મારી જાત પાસે રાખતા શીખીશ...’
ડાયરી બંધ કરી એણે બહાર તરફ નજર કરી. આકાશ ચોખ્ખું હતું ને હવામાન ખુશનુમા. એને લાગ્યું પીડા બંધ કરવાનો સમય પાકી ગયો છે.
થોડા દિવસો બાદ કાવ્યાએ પૂછ્યું, ‘તું ઠીક છે ને?’ નીરનો જવાબ હતો કે ‘પહેલાં કરતાં સારી છું.’ કાવ્યાનો વળતો પ્રશ્ન આવ્યો : ‘તો શું તને તારું ક્લોઝર મળી ગયું?’ નીરે થોડું વિચાર્યું, પછી હળવેકથી બોલી : ‘હા, પણ એ ક્લોઝર મને અંશુમાનથી નથી મળ્યું. મને મારી જાતથી મળ્યું છે.’
નીરને અત્યારે પણ અંશુમાનની ક્યારેક ખૂબ યાદ આવે, પણ હવે એ જાતને એવું નથી કહેતી કે કદાચ એ બદલાય જશે. કદાચ આમ થશે અને કદાચ તેમ થશે, કારણ કે હવે એને ખબર હતી કે અમુક લોકો આપણી વાર્તામાં માત્ર એટલા માટે આવે છે કે આપણે જાતને ઓળખી શકીએ. અને ક્યારેક જીંદગીમાં સૌથી મોટું ક્લોઝર એ નથી હોતું કે કોઈ આપણી સમક્ષ સ્પષ્ટતા કરે, પરંતુ એ હોય છે કે આપણે જાત સાથે સાચું બોલવાની કે સમજવાની હિંમત કરી લઈએ છીએ....