Tue Jul 21 2026

Logo

હોળી-ધૂળેટી અને વેકેશન પૂર્વે મુંબઈ, સુરત અને ભાવનગર રૂટની ૮ જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરામાં વધારો

2026-02-17 09:58:00
Author: Devayat Khatana
Article Image

ભાવનગર/મુંબઈ: આગામી સમયમાં હોળી-ધૂળેટી અને વેકેશનની સીઝન શરૂ થવા જઈ રહી હોય, તે પૂર્વે પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની વધતી ભીડ અને સુવિધાને ધ્યાનમાં રાખીને વિવિધ રૂટ પર દોડતી ૮ જોડી ‘સ્પેશિયલ ટ્રેનો’ના ફેરા લંબાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો લાભ હજારો મુસાફરો મળી રહેવાનો છે. 

ભાવનગર અને અન્ય રૂટ પર ટ્રેનો લંબાવાઈ
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની વધતી ભીડ અને સુવિધાને ધ્યાનમાં રાખીને વિવિધ રૂટ પર દોડતી ૮ જોડી ‘સ્પેશિયલ ટ્રેનો’ના ફેરા લંબાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર રેલવે મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, ખાસ કરીને ભાવનગર-ધોળા અને બોટાદ-ગાંધીગ્રામ વચ્ચે દોડતી ટ્રેનોના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે, જેથી સ્થાનિક મુસાફરોને મોટી રાહત મળશે.

ભાવનગર મંડળની ટ્રેનોની વિગતો
વિગતવાર માહિતી મુજબ, ટ્રેન નંબર 09211/09212 ગાંધીગ્રામ-બોટાદ-ગાંધીગ્રામ દૈનિક સ્પેશિયલ અને ટ્રેન નંબર 09529/09530 ધોળા-ભાવનગર-ધોળા દૈનિક સ્પેશિયલ, જે અગાઉ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી કાર્યરત હતી, તેને હવે ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેનો જનરલ કેટેગરીમાં દોડશે, જે રોજિંદા મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

લાંબા અંતરની ટ્રેનોના ફેરામાં પણ વિસ્તરણ
આ ઉપરાંત, મુંબઈ, સુરત અને ઇન્દોર જેવા મુખ્ય શહેરોને જોડતી અન્ય ટ્રેનોના ફેરા પણ લંબાવાયા છે. જેમાં બાંદ્રા ટર્મિનસ-ભિવાની સુપરફાસ્ટ, મુંબઈ સેન્ટ્રલ-ઇન્દોર તેજસ સ્પેશિયલ, સુરત-મેંગલુરુ સ્પેશિયલ અને દાદર-ભુસાવલ સ્પેશિયલ જેવી મહત્વની ટ્રેનોનો સમાવેશ થાય છે. આ ટ્રેનો માર્ચ ૨૦૨૬ના અંતિમ અઠવાડિયા સુધી અલગ-અલગ તારીખોમાં પોતાના નિર્ધારિત રૂટ પર દોડવાનું ચાલુ રાખશે.

બુકિંગ અને અન્ય સુવિધાઓ
આ તમામ વિસ્તૃત ટ્રેનો માટેનું બુકિંગ આજથી રેલવેના તમામ PRS કાઉન્ટર અને IRCTC ની વેબસાઇટ પર શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ટ્રેનો ‘સ્પેશિયલ ટ્રેન’ તરીકે સ્પેશિયલ ભાડા સાથે દોડશે. મુસાફરો ટ્રેનોના સ્ટોપેજ, સમય અને કમ્પોઝિશનની વધુ વિગતો માટે રેલવેની વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.