Tue Jul 28 2026

Logo

વિદ્યાર્થીઓ માટે ખુશખબર: મહારાષ્ટ્ર સરકાર આપશે મફત બસ સુવિધા અને વર્ષે ₹6,000ની સહાય!

2026-07-28 19:07:51
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: ઘરથી શાળા સુધીનું અંતર વિદ્યાર્થીઓના શિક્ષણમાં અડચણરૂપ બને નહીં તેના માટે સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ રાજ્ય સરકાર દ્વારા 2026-27ના શૈક્ષણિક વર્ષમાં રાજ્યભરના 24,825 પાત્ર વિદ્યાર્થીઓને મફત પરિવહન સુવિધા આપવામાં આવશે, જે વિસ્તારોમાં સરકારી અથવા એસટી બસની સુવિધા ઉપલબ્ધ નથી, ત્યાંથી વિદ્યાર્થીઓને શાળા સુધી પહોંચાડવા માટે ખાનગી વાહનોની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

આ યોજના હેઠળ પાત્ર વિદ્યાર્થીઓને દર વર્ષે રૂ. 6,000 સુધીની નાણાકીય સહાય પણ આપવામાં આવશે. આ રકમ સીધી વિદ્યાર્થી અથવા તેની માતાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. શિક્ષણ વિભાગે તમામ જિલ્લાઓને જુલાઈના અંત સુધીમાં પાત્ર વિદ્યાર્થીઓની માહિતી એકત્રિત કરી પ્રસ્તાવ રજૂ કરવા સૂચના આપી છે.

યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓ નિયમિત શિક્ષણ લઈ રહ્યા હોવા જોઈએ અને તેમની ઓછામાં ઓછી 50 ટકા હાજરી ફરજિયાત રહેશે. ખાસ કરીને દૂરના અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા એવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે, જેઓ શાળાના અંતર અથવા પરિવહનની અછતને કારણે શિક્ષણથી વંચિત રહેવાની સ્થિતિમાં છે.

આ વિષે માહિતી આપતા શિક્ષણ વિભાગના નાયબ શિક્ષણ નિયામક રાજેશ કંકલે જણાવ્યું હતું કે, તમામ જિલ્લાઓને પાત્ર વિદ્યાર્થીઓને પરિવહન સુવિધા અને નાણાકીય સહાય પૂરી પાડવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. પરિવહનની મુશ્કેલીના કારણે કોઈ પણ વિદ્યાર્થીનું શિક્ષણ અટકી ન જાય તે સુનિશ્ચિત કરવું તે આ યોજનાનો મુખ્ય હેતુ છે.