ફ્રૅન્કફર્ટઃ જર્મનીમાં આયન્ટ્રાક્ટ ફ્રૅન્કફર્ટ (Frankfurt) નામની ફૂટબૉલ ટીમના 87 વર્ષની ઉંમરના ચાહકનું રવિવારે સ્ટેડિયમમાં મૅચ દરમ્યાન હૃદયરોગનો હુમલો (Cardiac Arrest) આવ્યા બાદ અવસાન થયું હતું. તેમને હાર્ટ-અટૅક આવ્યા બાદ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
આ વયોવૃદ્ધનું નામ જાહેર નહોતું કરવામાં આવ્યું. તેઓ વર્ષોથી સીઝન ટિકિટ લઈને જર્મન બન્ડસલીગા ટૂર્નામેન્ટની મૅચો જોવા આવતા હતા અને ફ્રૅન્કફર્ટ તથા કૉલન વચ્ચેની મૅચમાં સેક્નડ હાફ દરમ્યાન તેમને હૃદયની તકલીફ ઊભી થતાં મેડિકલ ટીમને તાબડતોબ બોલાવવામાં આવી હતી. તેમની સારવાર ચાલી રહી હતી અને તેમને ભાનમાં લાવવાની કોશિશ થઈ રહી હતી ત્યારે આખું સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો હતો, કારણકે વાયુવેગે સૌને આ ઘટનાની જાણ થઈ ગઈ હતી. તેઓ ત્યારે તો હજી ભાનમાં હતા, પણ કમનસીબે હૉસ્પિટલમાં તેમની તબિયત વધુ બગડી હતી અને પછીથી તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ફ્રૅન્કફર્ટ અને કૉલન વચ્ચેની મૅચ 2-2થી ડ્રૉ થઈ હતી. ઑક્ટોબર, 2025માં જર્મન કપ દરમ્યાન એક મૅચ વખતે સ્ટેડિયમમાં પ્રવેશ કરતી વખતે એક ફૂટબૉલ ચાહક હૃદયરોગનો શિકાર થયા હતા અને પછીથી તેનું અવસાન થયું હતું.
એ મૅચ વખતે બન્ને ટીમ (લિપ્ઝિગ અને કૉટબસ)ના ફૅન્સ ખૂબ ઉત્સાહ સાથે સ્ટેડિયમમાં આવ્યા હતા, પરંતુ ગેટ પર ફૂટબૉલ ફૅનના અવસાનની ઘટના વિશેની જાહેરાત થતાં બન્ને ટીમ તરફી પ્રેક્ષકોએ મૅચ દરમ્યાન સૂત્રો અને બૂમો પાડવાનું ટાળ્યું હતું.