Sat Apr 18 2026

Logo

ઈટલીનું અનોખું આકર્ષણ એટલે ફ્લોરેન્સ

2026-03-07 09:46:00
Author: Mumbaisamachar Team
Article Image

એક નજર ઈધર ભી...:

કામિની શ્રોફ

ઈટલી નામ પડતાની સાથે પહેલા રોમ યાદ આવે. રોમન સામ્રાજ્યનો ભવ્ય ઈતિહાસ,કોલોઝિયમ, સેન્ટ બેસિલિકા ચર્ચનું સ્મરણ થાય. બીજા નંબરે વેનિસની નહેરો, ગોન્ડોલામાં બેસીને કરેલી સફર, કાર્નિવલ, ગ્લાસની વિવિધ બનાવટ... નજર સામે દોડવા લાગે.     

આ યાદીમાં ત્રીજું પણ એક નામ છે, જેને રોમ કે વેનિસ જેટલી ખ્યાતિ નથી મળી, નથી એની આસપાસ ગ્લેમર વીંટળાયેલું. એ શહેર છે ફ્લોરેન્સ. વિરાટ કોહલી-અનુષ્કા શર્માનાં લગ્ન ઈટલીના ટસ્કની પ્રાંતના બોર્ગો ફિનોકીએટો ખાતે થયા હતા અનેફ્લોરેન્સ ટસ્કનીની રાજધાની છે. 1865થી 1870 દરમિયાન ફ્લોરેન્સ ઇટલીની રાજધાની હતી. કળાત્મક વારસો એટલો અદ્ભુત છે કે દર વર્ષે લાખો ટૂરિસ્ટો અહીં ઊમટે છે. 

1982માં `યુનેસ્કો' દ્વારા આ શહેરને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું હતું. ઠેર ઠેર જોવા મળતા પ્રતિમા, આર્કિટેક્ચર શહેરને સૌંદર્ય બક્ષે છે. આ શહેર ફેશનમાં પણ અગ્રેસર છે. વર્લ્ડના ટોપ પંદર ફેશન કેપિટલમાં પેરિસ સાથે આ શહેર પણ નામના ધરાવે છે.

ઓપન એર મ્યુઝિયમ

ફ્લોરેન્સમાં શિલ્પ અને સ્થાપત્યની અનેક કલાકૃતિઓ મન મોહી લેનારી છે. યુરોપના પ્રવાસમાં સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય ખોબલે ને ખોબલે માણવા મળે છે જ્યારે ઈટલી માનવ સર્જિત કૃતિઓ માટે પ્રખ્યાત છે. અહીં ઘણા મ્યુઝિયમ છે અને એ રસપૂર્વક અને ઝીણવટથી જોવા હોય તો કેટલાક દિવસ માટે પડાવ રાખવો પડે. જોકે, એ શક્ય નહોતું અને ભવિષ્યમાં અનુકૂળતાએ દરેક દિવસની માત્ર ઈટલીના કેટલાક સ્થળની મુલાકાત લઇશું એવી ગાંઠ વાળી `પિયાઝો ડેલિસીનેરીયા' તરીકે ઓળખાતા ઓપન એર મ્યુઝિયમમાં લટાર મારવા પહોંચી ગયા. 

અહીં ભાતભાતની અને મજેદાર કથા ધરાવતી પ્રતિમા જોવા મળી. આરસના એક જ ટુકડામાંથી તૈયાર કરવામાં આવેલી ધ એબડકશન ઓફ સાબીના વિમેન તરીકે ઓળખાતી કલાકૃતિ પાસે સહેલાણીઓની ખાસ્સી ભીડ હતી. ઉપરની દિશામાં સાપ જતો હોય એ પ્રકારની આ પ્રતિમામાં એક નહીં, બે નહીં-પણ ત્રણ વ્યક્તિ નજરે પડે છે. આ પ્રકારની યુરોપની આ પહેલી કલાકૃતિ છે. એની ખાસિયત એ છે કે દરેક બાજુએથી નીરખી એના વૈશિષ્ટયનો આનંદ લઈ શકાય છે. સિવાય માઈકલ એંજેલોના પ્રખ્યાત શિલ્પ `ડેવિડ'ની પ્રતિકૃતિ પણ આ વિસ્તારમાં જોવાનો લ્હાવો મળ્યો. ઓરિજિનલ સ્ટેચ્યૂ `એકેડેમિયા ગેલેરિયા' તરીકે ઓળખાતા મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે.

આ વિસ્તારમાં કલાકૃતિઓ ઉપરાંત બેન્વુનોટો ચેલિની નામના શિલ્પી, ચિત્રકાર અને સોની વિશે ખાસ્સી ચર્ચા થઈ રહી હતી. બેન્વુનોટો ચેલિની ત્રણસોની હત્યા કરીને નાસી ગયો હતો. જોકે કલાકાર તરીકે એની જબરદસ્ત આવડતને કારણે એને અન્ય શહેરોમાં આવકાર મળતો હતો. અંતે એને જેલની સજા થઈ, પણ ન કરેલા ચોરીના ગુના માટે. સજા પૂરી કરી એ ફ્લોરેન્સ પાછો ફર્યો ત્યારે ફ્લોરેન્સના ડ્યુકે એને આશરો આપ્યો. એમની છત્રછાયામાં ચેલિનીએ `પર્સ્યુઅસ વિથ ધ હેડ ઓફ મેડ્યુસા' તરીકે ઓળખાયેલી પ્રતિમા બનાવી. ચેલીનીએ બીજી કેટલીક કલાકૃતિઓ સુધ્ધાં બનાવી, પણ મેડ્યુસા જેટલી ખ્યાતિ ન મળી.

પોન્તે વેકિયો બ્રિજ

આ બ્રિજનો અંગ્રેજીમાં અર્થ થાય છે `ઓલ્ડ બ્રિજ' એટલે કે પુરાણો પુલ. રોમન સામ્રાજ્યના વખતમાં પણ આ બ્રિજ હતો અને એનું બાંધકામ લાકડું વાપરી કરવામાં આવ્યું હતું. લોકોને આવન જાવન અને વેપાર વણજમાં આસાની રહે એ ધ્યાનમાં રાખી બ્રિજના બાંધકામનું સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, પ્રકૃતિના કોપ સામે આ પુલ ટકી ન શક્યો અને ધરાશાયી થઈ ગયો. 1235માં પથ્થરના ઉપયોગથી નવેસરથી બાંધકામ કરવામાં આવ્યું. કમનસીબે આ નવો ટકાઉ પુલ પણ 1333ના વિનાશકારી પૂરમાં ટકી ન શક્યો અને ધોવાઈ ગયો. 

વર્તમાન પુલનુ બાંધકામ એ સમયના મશહૂર આર્કિટેક્ટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. નવોનક્કોર બ્રિજ સ્થાનિક વેપાર ધંધા માટે આવકારદાયક સાબિત થયો. 1593માં એક મહત્ત્વનો ફેરફાર થયો. અગાઉ કસાઈની અને ચામડાં વેચનારાઓની દુકાન વધુ હતી. એ દુકાનો હટાવી ત્યાં જ્વેલર્સ, સોની અને કલાત્મક વસ્તુના વેચાણની દુકાનો શરૂ કરવામાં આવી. આ બદલાવથી બ્રિજનું સૌંદર્ય વધી ગયું અને સાથે સાથે કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવતી લક્ઝરી આઈટમનું સરનામું બની ગયું. એ ઓળખ આજની તારીખમાં પણ જળવાઈ રહી છે. આજે તો મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં આવે છે અને બ્રિજ પર ટહેલી મધ્યકાલીન યુગના આર્કિટેક્ચરનો અને એના વાતાવરણનો દરેક રીતે આનંદ માણે છે.

આ બ્રિજ અનેક ચડતી પડતીનો સાક્ષી રહ્યો છે. એની સાથે ઘણી કથા જોડાયેલી છે, વણાયેલી છે. જોકે, એ બધામાં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાનની એક કથનીને ગજબનું ગ્લેમર પ્રાપ્ત થયું છે અને એનું મુખ્ય કારણ એ છે કે જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરનું નામ એની સાથે જોડાયું છે. ઈતિહાસના અભ્યાસુઓ જાણતા હશે કે વિશ્વ યુદ્ધમાં મુખ્ય બે પક્ષ હતા એલાઈડ ફોર્સીસ (યુએસ, યુકે ઈત્યાદિ) અને એક્સિસ પાવર્સ (જર્મની, ઈટલી વગેરે). 

1944માં જ્યારે જર્મન સૈન્ય ફ્લોરેન્સ શહેરમાંથી પીછહેઠ કરી રહ્યું હતું ત્યારે એલાઈડ ફોર્સના સૈનિકોની આગેકૂચ અટકાવવા સૈનિકો એક પછી એક પુલ તોડી રહ્યા હતા. જોકે, હેરત થાય એવી વાત એ હતી કે પોન્તે વેકિયો બ્રિજની કાંકરી પણ ન ખરી, એ હેમખેમ-અડીખમ રહ્યો. કેમ? દસ્તુરખુદ હિટલરએ બ્રિજને કંઈ ન થવું જોઈએ એવો આદેશ આપ્યો હતો. 

હવે સવાલ એ થાય કે અત્યાચારી અને જુલ્મી શાસકને પુલ માટે કેમ હેત ઉભરાયું? પહેલી વાર હિટલરએ આ પુલ જોયો અને એના સૌંદર્ય પર ઓળઘોળ થઈ ગયો હતો. હિટલરના આદેશના પાલનથી બ્રિજ તો હેમખેમ રહ્યો, પણ એની આસપાસના વિસ્તારના ભૂંડા હાલ થયા હતા. ઘણા લોકો એને મજાકમાં `હિટલર બ્રિજ' પણ કહેતા હોય છે. વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી બ્રિજ અને એની આસપાસના વિસ્તારનું સમારકામ કરી એને ધમધમતો કરી દેવામાં આવ્યો હતો.

ભૂંડની જીભમાં સિક્કો

વિશ્વમાં એવી અનેક પ્રતિમા-પૂતળા, શિલ્પો છે જે જોવા સહેલાણીઓ ખેંચાઈ આવતા હોય છે, ચુંબક પાસે લોખંડ ખેંચાય એ રીતે. રોમના રોકાણ વખતે વિશ્વ પ્રસિદ્ધ માઈકલ એન્જેલોએ જેના કળશની ડિઝાઈન બનાવી હતી એ આલીશાન સેન્ટ પીટર્સ બેસેલિકા ચર્ચમાં પણ કેટલાક લોકો ભક્તિભાવે સેન્ટ પીટરની પ્રતિમાના ચરણ સ્પર્શ કરતા જોવા મળ્યા હતા. જોકે, ફ્લોરેન્સની માર્કેટમાં એક અલગ જ અનુભવ થયો. લટાર મારતા મારતા અમારી નજર બ્રોંઝના બનેલા ભૂંડની આસપાસ ટોળે વળીને ઊભા રહેલા લોકો પર પડી. 

ગાઈડે જણાવ્યું કે ભૂંડના મોઢામાં સિક્કો નાખ્યા પછી જો એ નીચે વહી રહેલા પાણીમાં પડે તો તમને ચોક્કસ નાનો મોટો કશોક લાભ થશે. જો તમે એના નાકને પંપાળો તો બીજી વખત ફ્લોરેન્સ આવવાનો યોગ થશે એવી વાયકા પણ છે. કેટલાક લોકો સિક્કો નાખી રહ્યા હતા પણ નાક પંપાળતા ઘણાં લોકોની સંખ્યા ખાસ્સી હતી. પાઈ પૈસો ખર્ચ્યા વિના નસીબ અજમાવવું કોને ન ગમે?