નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષ 2027માં ભારતીય રેટેડ કોર્પોરેટ્સની સરેરાશ આવક વૃદ્ધિનો અંદાજ આગલા નાણાકીય વર્ષ 2026ના પાંચ ટકા સામે વધીને નવ ટકા રહેવાનો અંદાજ અગ્રણી રેટિંગ એજન્સી ફિચે વ્યક્ત કર્યો છે. જે ભારતીય કંપનીઓના ક્રેડિટ મેટ્રિક્સને સ્થિર રાખશે, એમ ફિચે તેનાં એક અહેવાલમાં ઉમેર્યું હતું. જોકે, ફિચે અહેવાલમાં ઉમેર્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી ભૂરાજકીય તણાવ વધવાને કારણે ક્રૂડતેલના ભાવમાં વધારો થવાને કારણે અમુક કોર્પોરેટ્સને એનર્જીનાં માર્કેટિંગમાં નુકસાન થઈ શકે છે અને તેલ રિફાઈનિંગ અને માર્કેટિંગ કંપનીઓમાં કાર્યકારી મૂડીની આવશ્યકતા વધી શકે તેમ હોવાથી મુક્ત રોકડ પ્રવાહ દબાણ હેઠળ આવી શકે છે.
વધુમાં રસાયણ કંપનીઓને પણ ખાસ કરીને ઈનપૂટ ખર્ચમાં વધારા, હળવી માગ અને ઊંચા પરિવહન ખર્ચને કારણે ઊંચા ખર્ચનો સામનો કરવો પડી શકે છે. અમારા મતે ફુગાવામાં વધારો અને નબળા આર્થિક વિશ્વાસને કારણે ડિસ્ક્રેશનરી ક્નઝ્યુમર અને કોર્પોરેટ ટેક્નોલૉજી ખર્ચમાં ઘટાડો જોવા મળી શકે છે.આ ઉપરાંત ઊભરી રહેલા અલ નિનોના જોખમ અને નબળાં ચોમાસાને કારણે રિન્યૂએબલ કંપનીઓમાં પવન ઊર્જા ઉત્પાદનમાં ઘટાડો થવાની સાથે રસાયણ કંપનીઓમાં પાક સલામતી માટેની માગમાં ઘટાડો થશે. એકંદરે બૃહદ્ અર્થતંત્ર પર ઊંચા ખાદ્ય ફુગાવાની અને ગ્રામીણ સ્તરની ઓછી આવક તથા માગ પર અસર પડી શકે છે.
ફિચે તેનાં ઈન્ડિયા કોર્પોરેટ ક્રેડિટ ટ્રેન્ડ્સઃ જુલાઈ, 2026 નામક અહેવાલમાં જણાવ્યું હતું કે કોર્પોરેટની આવકમાં થનારો વધારો મુખ્યત્વે ભાવવધારાના દબાણ સામે સરભર થશે અને અમુક ક્ષેત્રમાં ઈબીઆઈટીડીએ (અર્નિંગ બિફોર ઈન્કમ ટેક્સ, ડેપ્રિસિએશન ઍન્ડ એમોર્ટાઈઝેશ) માર્જિનમાં ઘટાડો થતાં માર્ચ,2027ના અંતે પૂરં થતાં નાણાકીય વર્ષમાં ફિચ રેટિંગ્સના પોર્ટફોલિયોમાં ભારતીય કંપનીઓ માટેનાં ક્રેડિટ મેટ્રિક્સ સ્થિર રહેશે.
અમારા મતે વર્તમાન નાણાકીય વર્ષ 2027માં ખાસ કરીને કુદરતી સંસાધનોના ઊંચા ભાવ અને પેટ્રોલિયમ ઉત્પાદનો, સ્ટીલ, વીજ ઉત્પાદન અને ટ્રાન્સમિશન, સિમેન્ટ તથા અન્ય મકાન બાંધકામની સામગ્રીઓ,એન્જિનિયરિંગ અને બાંધકામ ક્ષેત્રની સ્વસ્થ માગને ટેકે ભારતીય રેટેડ કોર્પોરેટ્સની સરેરાશ આવક વૃદ્ધિ આગલા નાણાકીય વર્ષ 2026નાં પાંચ ટકા સામે નવ ટકા જેટલી મજબૂત રહેવાનો અંદાજ છે.