Wed Aug 19 2026

Logo

લક્ષ્મી ને વિવેકનો સાથ-સંગાથ

2026-04-07 08:58:00
Author: Gaurav Mashroowala
Article Image

 

ગૌરવ મશરૂવાળા

નીલેશ અને સાધના મારા જૂના ક્લાયન્ટ છે. નીલેશ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીનાં ક્ષેત્રમાં કામ કરે છે. 1999માં પોતાના એક મિત્ર સાથે મળીને સ્વતંત્રપણે એણે એક કંપની સ્થાપના કરી હતી. શરૂઆતમાં બંને નીલેશના ઘરેથી જ કામ કરતા હતા. તેમની મહેનત, સૂઝબૂઝ અને ઈમાનદારી રંગ લાવી. સમય વીતતા કંપનીનો ખૂબ વિકાસ થયો. આઈટીનાં ક્ષેત્રમાં તે આગવું સ્થાન બનાવી શકી. થોડા સમય પહેલાં અમેરિકાની એક બહુરાષ્ટ્રીય કંપનીએ સારી કિંમતે નીલેશની કંપની ખરીદી લીધી. 

નીલેશ અને સાધનાના ભાગમાં પચાસ કરોડ રૂપિયા આવ્યા. જેવો સોદો પાર પડ્યો કે તરત તેઓ મને મળવા આવ્યા હતા. આ સોદાને કારણે તેઓ ખૂબ ખુશ હતાં, પણ સાથેસાથે એમના મનમાં ડર પણ હતો. પતિ-પત્નીને મોટી ચિંતા એ વાતની હતી કે એમણે આખી જિંદગી ખૂબ મહેનત કરી છે, કરકસરમાંય દિવસો ગુજાર્યા છે, ટૂંકમાં, ઘણી તડકી-છાંયડી જોયા બાદ મધ્યવયે આ રકમ તેમને મળી છે, પણ એમનાં સંતાનોને તો બધું તૈયાર ભાણે મળી ગયું છે. નીલેશ અને સાધના સમજાવવા માગતાં હતાં કે સંપત્તિની સાથે ખરાબ આદતો, નકરો ભૌતિકવાદ, કૌટુંબિક કલેશ અને બીજાં દૂષણો પ્રવેશી ન જાય તે માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. 

નેવુંના દાયકાના પ્રારંભમાં ઉદારીકરણનો દોર શરૂ થયા બાદ આપણા દેશે ઘણી આર્થિક પ્રગતિ કરી છે. લોકોની આવકનું પ્રમાણ અને સંપત્તિ બંને ઘણાં વધ્યા છે. આ હકીકતની નોંધ પણ લેવી પડે અને તેની પ્રશંસા પણ કરવી પડે. અલબત્ત, આર્થિક ઉન્નતિની સાથેસાથે બદીઓમાં પણ વધારો થયો છે. ત્યાં લક્ષ્મીદેવી પગલાં તો પાડે છે, પણ લાંબો સમય સુધી નિવાસ કરતાં નથી. 

આપણાં પૌરાણિક શાસ્ત્રોમાંના એક શ્રીસૂક્તમાં આ પરિસ્થિતિ વિશે સરસ સમજ આપવામાં આવી છે. એવું કહેવાય છે કે રઘુવંશમાં લક્ષ્મી લોકોને ત્યાં આઠથી દસ પેઢી સુધી રહેતી હતી. તે એટલા માટે હતી કે સંપત્તિની ઉપાસના કરવામાં આવતી હતી. લક્ષ્મીને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આજના યુગમાં લક્ષ્મી માંડ બેથી ત્રણ પેઢી ટકે છે. સંપત્તિ એક જ પેઢીમાં ખતમ થઈ ગઈ હોય એવા કેટલાય કિસ્સા બનતા રહે છે. આમ બનવાનું મુખ્ય કારણ એ હોય છે કે લક્ષ્મીની સાથે બીજાં ઘણાં દૂષણો ઘરમાં પ્રવેશી ગયાં હોય છે. 

જો સંપત્તિને એકાધિક પેઢીઓ સુધી ટકાવી રાખવી હોય તો સંપત્તિના ઉપયોગ વિશેનું જ્ઞાન અને ડહાપણ પ્રાપ્ત કરવું જરૂરી છે. સંપત્તિ પોતાની જાત પર કેવી રીતે ખર્ચવી અને સૃષ્ટિ સાથે શી રીતે વહેંચવી તે સમજવું અગત્યનું છે. 

સૌથી પહેલાં તો આપણી સંપત્તિનો એક હિસ્સો પ્રકૃતિ માટે અલાયદો રાખવો જોઈએ - જેણે આપણને ઉદારભાવે ખૂબ બધું આપ્યું છે એને કશુંક પાછું આપીએ તે બહુ જરૂરી છે. બની શકે તો તમારી સંપત્તિની અમુક ટકાવારી નક્કી કરી નાખો. આપણે સમાજને જવાબદારીપૂર્વક પાછું આપીએ તે પછી બાકીની સંપત્તિનો ઉપયોગ કરવો જોઈએ. આપણે નક્કી કરેલો હિસ્સો નાનો હોય કે મોટો, પણ તે અચૂક અને ઈમાનદારીપૂર્વક વપરાય તેની ખાસ તકેદારી રાખો. આપણે સમાજના ઋણી છીએ. હા, સૃષ્ટિનું ઋણ ચૂકવતી વખતે આપણા મનમાં અહમ ન પ્રવેશી જાય તે મામલે સતર્ક રહેવું. 

ત્યાર બાદ, સંપત્તિનો એક ટુકડો ખુદની જરૂરિયાતો માટે ફાળવવો. હા, ખુદને માટે અને સ્વજનો - પ્રિયજનો માટે પૈસા વાપરતી વખતે ધનવૈભવનો દેખાડો કરવાની દબાયેલી લાગણી જાગૃત ન થઈ જાય તે ખાસ જોવું. જો આપણે દેખાડો કરવા માટે સંપત્તિનો ઉપયોગ કરીશું તો નુકસાન આપણને જ થશે. શક્ય છે કે દેખાડો કરવાની વૃત્તિને આપણે બીજું નામ આપી દીધું હોય - શું થાય, હમઉમ્ર અને આસપાસના લોકોની જીવનશૈલીથી એટલું દબાણ પેદા થાય છે કે એને અનુસર્યા વગર છૂટકો નથી, એવું બહાનું આગળ ધરીએ. કાં તો પછી તેને સ્ટેટસ સિમ્બોલ તરીકે ખપાવી દઈએ. 

આપણાં સંતાનોમાં પણ સારી ટેવો પડે તે ખૂબ જરૂરી છે. નીલેશ અને સાધનાની વાત પર પાછા ફરીએ તો, તેઓ સંતાનોથી સંપત્તિ છુપાડે તેનો કશો મતલબ જ નહોતો. મોટો સોદો પાર પડવાને કારણે સંપત્તિ મળી છે તે હકીકત છે. આ વાત દંપતીએ સંતાનોને કરવી જોઈએ અને સમજાવવું જોઈએ કે આપણે શ્રીમંત બની ગયા છીએ તે બરાબર છે, પણ સંપત્તિનું સન્માન કરતાં શીખવું પડશે. 

નીલેશ અને સાધનાને આ જ ચિંતા સૌથી વધુ હતી. સાધના તો બોલી પણ ખરી કે અમે 48 વર્ષે આટલી મોટી રકમ જોઈએ છીએ અને એ મેળવવા નીલેશે ઘણો સંઘર્ષ કર્યો છે, જ્યારે મારા સંતાનોને 14-15 વર્ષની ઉંમરે આ સમૃદ્ધિ મળી ગઈ છે. તેઓ બગડી જશે તો? કોઈ પણ જવાબદાર માતાપિતાને આવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. 

આપણે સમાજમાં નઠારાં સંતાનોના કિસ્સા જોઈએ છીએ તેથી આવી ચિંતા થવી સહજ છે. આનો કોઈ નિશ્ર્ચિત ઉકેલ ભલે ન હોય, પણ એવું જોવા મળ્યું છે કે જો ઘરમાં વડીલોના પગ જમીન પર હોય તો બાળકોના પગ પણ જમીન પર જ રહે છે. બાકી જો બાપ વધારાના પૈસા ચૂકવીને છેક દુબઈ કે અમેરિકાથી મોબાઈલનું લેટેસ્ટ મોડેલ મગાવતો હોય તેમ જ મા પાર્ટી માટે મોંઘાદાટ ડિઝાઈનર કપડાં ખરીદ્યાં કરતી હોય તો સંતાનો આના કરતાં જુદી રીતે વર્તશે તેવી અપેક્ષા રાખી શકાય નહીં. 

કોઈએ સાચું કહ્યું છે કે બાળકોને ગમે તેટલું શીખવો, પણ છેવટે તો તે વડીલોના નકશે કદમ પર  જ ચાલશે. 

યોગિક વેલ્થ: શું કામ અને આરામનું સંતુલન પૈસાને કારણે પેદા થાય છે કે પછી, કામ અને આરામના સંતુલનને લીધે પૈસો આવે છે? આનો કોઈ એક જ જવાબ નથી, છતાં તેને સાવ અધ્ધર પણ રાખી શકાય નહીં.