અમરાવતી: બોમ્બે હાઈ કોર્ટે એફડીએ વિભાગને સરકારી સંસ્થાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યા બાદ હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે મુંબઈમાં મંત્રાલયની અને વિધાનસભાની કેન્ટીનનું તુકારામ મુંઢેના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
બીજી તરફ, હવે કમિશનર તુકારામ મુંઢેના આદેશ પર એફડીએ દ્વારા યુનિવર્સિટીઓ તરફ નજર દોડાવવામાં આવી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. અમરાવતીની સંત ગાડગે બાબા અમરાવતી યુનિવર્સિટી અને સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં આજે એફડીએ દ્વારા દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન અમરાવતી યુનિવર્સિટી અને સરકારી એન્જિનિયરિંગ કોલેજની મુખ્ય કેન્ટીનમાં ભારે ગંદકી જોવા મળી હતી અને તે લાઇસન્સ વગર ગેરકાયદે રીતે ચાલતી હોવાનું જાણવા મળ્યું હતું. આથી, ફૂડ સેફ્ટી ઓફિસર ગજાનન ગોરેએ તાત્કાલિક કાર્યવાહી કરીને આ બંને કેન્ટીન સીલ કરી દીધી હતી.
નવી મુંબઈની ફાઈવ સ્ટાર હોટેલ સીલ કરવાના મામલે સુનાવણી દરમિયાન મુંબઈ હાઈ કોર્ટે એફડીએની ઝાટકણી કાઢી હતી. કોર્ટે સવાલ કર્યો કે "માત્ર ખાનગી હોટેલો કેમ, સરકારી સંસ્થાઓ પર કાર્યવાહી ક્યારે થશે?" તેમ જ મંત્રાલયની કેન્ટીનમાં એક પણ જીવજંતુ ન હોવાના એફડીએના દાવાને હાસ્યાસ્પદ ગણાવીને, કોર્ટે વકીલો અને અધિકારીઓને સાથે જઈને મંત્રાલયની કેન્ટીનની ફરીથી તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.