Tue Sep 29 2026

Logo

રાપરના ફતેહગઢમાં ધોળા દિવસે ધાણીફૂટ ફાયરિંગ: સામસામે ગોળીબારથી નાસભાગ, એક વ્યક્તિ ગંભીર

2026-09-16 16:05:22
Author: Mayur Patel
રાપરના ફતેહગઢમાં ધોળા દિવસે ધાણીફૂટ ફાયરિંગ: સામસામે ગોળીબારથી નાસભાગ, એક વ્યક્તિ ગંભીર

ભુજઃ  વાગડ પંથકના રાપર તાલુકાના ફતેહગઢ ગામે આજે ધોળા દિવસે બે જૂથો વચ્ચે સામસામે ધાણીફૂટ ફાયરિંગની સનસનાટીભરી ઘટના બનતાં સમગ્ર પંથકમાં ભારે દહેશત અને અફરાતફરીનો માહોલ ફેલાઈ ગયો હતો. ભરચક વિસ્તારમાં અચાનક થયેલા ગોળીબારમાં એક વ્યક્તિ ગોળી વાગવાથી લોહીલુહાણ થઈ ઢળી પડ્યો હતો, જેને તાત્કાલિક ગંભીર હાલતમાં ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

ધોળા દિવસે બનેલી આ લોહિયાળ અથડામણની જાણ થતાં જ પૂર્વ કચ્છ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સમગ્ર ફતેહગઢ ગામ તેમજ આસપાસના સીમાડા વિસ્તારોમાં કડક નાકાબંધી ગોઠવી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

આ સશસ્ત્ર અથડામણ કઈ જૂની અદાવત, જમીન વિવાદ કે પારિવારિક વેરઝેરના કારણે સર્જાઈ છે તેમજ ગોળીબારમાં કેટલા રાઉન્ડ ફાયર થયા અને બંને પક્ષે કોણ કોણ સામેલ હતું તે દિશામાં પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે. હોસ્પિટલના બિછાને રહેલા ઈજાગ્રસ્તનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરાઈ છે, જ્યારે ઘટનાસ્થળેથી ખાલી કારતૂસો કબજે કરી હુમલાખોરોની ધરપકડ માટે પોલીસે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. 

(ઉત્સવ વૈદ્ય)