Tue Sep 15 2026

Logo

ખેડૂતોનો કપાસ તરફ ટ્રેન્ડ: ગુજરાતમાં વાવેતર એક લાખ હેક્ટરે પહોંચ્યું, ગત વર્ષ કરતાં ત્રણ ગણો વધારો

2026-06-09 11:27:00
Author: Mayur Patel
ખેડૂતોનો કપાસ તરફ ટ્રેન્ડ: ગુજરાતમાં વાવેતર એક લાખ હેક્ટરે પહોંચ્યું, ગત વર્ષ કરતાં ત્રણ ગણો વધારો

ગાંધીનગરઃ ગુજરાતના ખેડૂતોએ ખરીફ સીઝન 2026માં અત્યાર સુધીમાં એક લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કર્યું છે. ધરતીપુત્રોએ જૂન મહિનામાં વાવણી લાયક વરસાદની આશાએ વાવણી શરૂ કરી છે.

ગુજરાત ખેડીવાડી વિભાગના આંકડા પ્રમાણે, પ્રારંભિક બે સપ્તાહના આંકડા મુડબ, કપાસનું વાવેતર ગત વર્ષે 34,011 હેક્ટર સામે ચાલુ વર્ષે 93,449 હેક્ટર થયું છે, એટલે કે ત્રણ ગણો વધારો થયો છે. જ્યારે મગફળીનું વાવેતર ગત બે સપ્તાહમાં 31,110 હેક્ટર સામે 54,778 હેક્ટર થયું છે.  આ વખતે તપાસના વાવેતર તરફ લોકો વધારે વળ્યા છે.  ભારત માટે કપડા, ખાદ્યતેલથી માંડીને પશુ આહાર આપતા કપાસ એ સૌથી મહત્વનો પાક ગણાય છે.

બે સપ્તાહમાં રાજ્યમાં 1,74,489 હેક્ટરમાં આજ સુધી ખેતરોમાં બીજ રોપાયા છે જે ગત વર્ષ કરતાં આશરે 96 હજાર હેક્ટર વધારે છે. ઓક્ટોબરમાં સુધી ચાલતી આ સીઝનમાં સરેરાશ વાવેતર મગફળીનું 19.15 લાખ હેક્ટર અને કપાસનું 23.83 લાખ હેક્ટર થતું હોય છે.

સૂત્રો મુજબ વાવેતરનો વાસ્તવિક વિસ્તાર  એક લાખ હેક્ટરને પાર કરી ગયો છે. રાષ્ટ્રીય સ્તરે, આ સિઝનમાં મુખ્ય કપાસ ઉત્પાદક પ્રદેશોમાં કપાસના વાવેતર વિસ્તારમાં વધારો થવાની ધારણા છે. મધ્ય ભારતમાં વાવેતરમાં આશરે 15 ટકાનો વધારો થવાનો અંદાજ છે, જ્યારે દક્ષિણ ભારતના રાજ્યોમાં કપાસની ખેતીમાં 10 થી 20 ટકાનો વધારો જોવા મળી શકે છે.

ચાલુ ખરીફ સિઝન દરમિયાન રાષ્ટ્રીય સ્તરે કપાસનો વાવેતર વિસ્તાર 130 લાખ હેક્ટરને વટાવી જવાની અપેક્ષા છે. સૂત્રો અનુસાર, ઓછા વરસાદની આગાહી અને અન્ય હરીફ પાકોની સરખામણીમાં કપાસની પ્રમાણમાં ઓછી પાણીની જરૂરિયાતને કારણે ખેડૂતો ખેતીનો વિસ્તાર વધારવા માટે પ્રોત્સાહિત થઈ રહ્યા છે. ટેકાના ભાવમાં વધારાએ પણ કપાસ તરફ ખેડૂતોનો રસ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 20થી વધુ કૃષિ પાકોનું આ સીઝનના કુલ 85 લાખ હેક્ટર ખેતરમાં વાવેતર થાય છે તેમાં માત્ર મગફળી-કપાસનું વાવેતર 50 ટકાથી વધુ રહે છે અને તેનું સૌથી વધુ વાવેતર સૌરાષ્ટ્રમાં થાય છે.