Fri Jun 19 2026

Logo

અમદાવાદમાં નકલી PSI રોકી પંચાલે 20થી વધુ યુવતીઓને ફસાવી, દૂરની બહેનનો ફોન હેક કરી મોકલ્યા હતા અશ્લીલ મેસેજ

2026-05-23 10:04:00
Author: Mayur Kumar Patel
Article Image

અમદાવાદઃ શહેરમાંથી નકલી PSI ઝડપાયો હતો. ક્રાઈમ બ્રાંચે મળેલી બાતમીના આધારે ઑપરેશન પાર પાડીને તેને ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. જે મુજબ તેણે 20થી વધુ યુવતીઓને ફસાવી હતી. તેમજ દૂરની બહેનનો ફોન હેક કરીને તેને અશ્લીલ મેસેજ પણ મોકલ્યા હતા.

હિમાંશુ ઉર્ફે રોકી પંચાલ લોકોને PSI તરીકેની ખોટી ઓળખ આપી ફસાવવા માટે ખાનગી કપડાં પર પણ ગુજરાત પોલીસના સ્ટીકર લગાવડાવતો હતો. તે હંમેશા કેપ, ગુજરાત પોલીસનો લોગો, બેલ્ટ, બેઝ, યુનિફોર્મ, બોગસ આઈકાર્ડ તથા સ્ટાર પોતાની પાસે રાખતો હતો. ઉપરાંત તેણે સસ્પેન્ડ કરાયા બાદ ફરી નોકરી પર હાજર કરવામાં આવ્યો હોવાના પોલીસ કમિશનર જી. એસ. મલિકની બોગસ સહીવાળા પત્રો પણ તૈયાર રાખ્યા હતા. આ ઉપરાંત તેના પર ઇન્કમ ટેક્સની રેડ પડી હતી અને બાદમાં પેનલ્ટી ભરતાં કેસ પૂર્ણ થયો હોવાના ખોટા પત્રો પણ રાખતો હતો.

21 યુવતીઓને બનાવી ટાર્ગેટ

 PSI બની યુવતીઓને ડેટિંગ એપ અને મેટ્રિમોનિયલ એપ પર ટાર્ગેટ કરનારા હિમાંશુ ઉર્ફે રોકી પંચાલે પૂછપરછ દરમિયાન કબૂલ્યું હતું કે તેણે PSI બનીને 21 યુવતીઓને ટાર્ગેટ બનાવી હતી. તેમની પાસેથી રૂપિયા પણ પડાવ્યા હતા અને અનેક યુવતીઓ સાથે સંબંધ પણ બાંધ્યા હતા. મુંબઈની એક યુવતીએ તેના વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવતા તે જેલમાં ગયો હતો. જામીન પર છૂટ્યા બાદ તેણે ફરીથી યુવતીઓને ટાર્ગેટ કરવાની શરૂઆત કરી હતી.

દૂરની બહેનનો ફોન હેક કરી અશ્લીલ મેસેજ મોકલ્યા

વિકૃત માનસિકતા ધરાવતા હિમાંશુએ પોતાની દૂરની બહેનનો ફોન હેક કરી તેને અશ્લીલ મેસેજ મોકલ્યા હતા, જેના કારણે વર્ષ 2019માં સાયબર ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી. યુવતીઓ પર પ્રભાવ પાડવા માટે તે AI જનરેટેડ પોલીસ પ્રોફાઇલ અને નકલી આઈકાર્ડનો ઉપયોગ કરતો હતો. ઉપરાંત પોલીસનું આઈકાર્ડ, કેપ, સ્ટાર અને યુનિફોર્મ પણ પોતાની પાસે રાખતો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

 

રોકી પંચાલે પોતાના સ્વજનો અને પરિચિતો સાથે પણ છેતરપિંડી કરતાં સૌએ તેની સાથે અંતર રાખવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેણે અજાણી યુવતીઓને ટાર્ગેટ કરવાનું નક્કી કર્યું હતું. તે શાદી ડોટ કોમ, જીવનસાથી, હિંગે જેવી ઓનલાઈન ડેટિંગ તથા મેટ્રિમોનિયલ એપ્લિકેશનો પર પોતાની બોગસ પ્રોફાઇલ બનાવી PSI તરીકે ઓળખ આપતો હતો, જેના કારણે યુવતીઓ સરળતાથી તેના પ્રભાવમાં આવી જતી હતી.

કેવી રીતે ફૂટ્યો ભાંડો

ઈન્શ્યોરન્સ કંપનીમાં મેનેજર તરીકે કામ કરતી નવરંગપુરાની એક યુવતીએ જીવનસાથીની શોધ માટે શાદી ડોટ કોમ પર પ્રોફાઈલ બનાવી હતી. ત્યાં તેની ઓળખાણ PSI રોકી પંચાલ તરીકે ઓળખ આપનાર આરોપી સાથે થઈ હતી. થોડા દિવસ પહેલા તે યુવતીને મળવા ગયો ત્યારે તેણે પોતે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં PSI તરીકે ફરજ બજાવતો હોવાની વાત કરી હતી.  બીજી જ મુલાકાતમાં તેણે યુવતી પાસેથી રૂ. 80 હજાર પડાવ્યા હતા. ત્યારબાદ વધુ રૂપિયા માંગતા યુવતીએ રૂપિયા આપવાનો ઇનકાર કરી તેના વિરુદ્ધ નવરંગપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તપાસ શરૂ કરતાં તેનો અસલી ચહેરો સામે આવ્યો હતો.