Sat Apr 18 2026

Logo

એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના કિસ્સામાં 5 ગણો ઉછાળો, વર્ષે 10 હજારથી વધુ કોલ્સ

2026-03-12 09:29:00
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં એકસ્ટ્રા મેરિટલ અફેર્સ (લગ્નેતર સંબંધો)ના કિસ્સા વધી રહ્યા છે. જેના કારણે મહિલાઓની મુશ્કેલી વધી છે. 181 અભયમ હેલ્પલાઈન મુજબ, રાજ્યમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના કિસ્સામાં 5 ગણો ઉછાળો આવ્યો છે. વર્ષે 10 હજારથી વધુ કોલ્સ આવી રહ્યા છે.છેલ્લા 3 વર્ષમાં હેલ્પલાઇન પર લગ્નેતર મુદ્દાઓ સંબંધિત 10,000 થી વધુ કોલ્સ આવ્યા છે. વર્ષ 2016 માં આવા કોલ્સની સંખ્યા 2,190 હતી, જે 2025માં 5 ગણી વધીને 10,428 થઈ હતી.

કેમ વધ્યા એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના કેસ

નોંધનીય છે કે 8 માર્ચ – આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ, રાજ્ય સરકાર દ્વારા સંચાલિત અને EMRI દ્વારા ચલાવવામાં આવતી આ હેલ્પલાઇને કાર્યરત થયાના 12 વર્ષ પૂર્ણ થયા હતા. EMRI અધિકારીઓના જણાવ્યા અનુસાર, જાગૃતિમાં વધારો અને સેવાઓના વિસ્તરણને કારણે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના કેસી સંખ્યા વધી હોઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, 2025 ના વિશ્લેષણ મુજબ, 68% કિસ્સાઓ કાઉન્સિલિંગ અથવા સ્થળ મુલાકાત દ્વારા ઉકેલવામાં આવે છે, જ્યારે 26% કિસ્સાઓમાં પોલીસ અથવા સામાજિક ન્યાય જેવી એજન્સીઓની મદદ લેવાય છે. બાકીના 6% કોલ્સ ફેક અથવા ટેસ્ટ કોલ્સ હોય છે. માર્ચ 2014 માં શરૂ થયેલી આ હેલ્પલાઇન પર 2023 માં સૌથી વધુ 2.18 લાખ કોલ્સ આવ્યા હતા. 2025 માં આ સંખ્યા થોડી ઘટીને 1.98 લાખ (દર કલાકે 22 કોલ્સ) થઈ હતી. 12 વર્ષમાં હેલ્પલાઇન પર કુલ 18 લાખથી વધુ કોલ્સ નોંધાયા છે.

કોલ્સના વિશ્લેષણ મુજબ, ઘરેલું હિંસાના કોલ્સનો હિસ્સો 2016 માં 32% (36,000 કોલ્સ) હતો, જે 2025 માં વધીને 46% (90,000 કોલ્સ) થયો છે. કોવિડ દરમિયાન આ હિસ્સો 49% સુધી પહોંચ્યો હતો. આ ઉપરાંત, પજવણી અને શારીરિક-માનસિક ત્રાસ 5% થી વધીને 15%, લગ્નેતર મુદ્દાઓ 2% થી 5% અને કાનૂની મુદ્દાઓમાં પણ વધારો જોવા મળ્યો છે. જીવનશૈલી અને વધુ પડતા સ્ક્રીન ટાઈમને કારણે સાસુ-વહુ કે માતા-પિતા અને બાળકો વચ્ચેના વિવાદો પણ વધ્યા છે.