એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
કૉંગ્રૅસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની બેવડી નાગરિકતાનું ભૂત પાછું ધૂણ્યું છે. કર્ણાટક ભાજપના કાર્યકર વિગ્નેશ શિશિરે અલાહાબાદ હાઈ કોર્ટમાં અરજી કરીને દાવો કર્યો છે કે, રાહુલ ગાંધી ભારત અને બ્રિટન એમ બે દેશની નાગરિકતા ધરાવે છે તેથી તેમને સજા થવી જોઈએ કેમ કે ભારતમાં બેવડી નાગરિકતા માન્ય નથી. રાહુલે આ વાત છુપાવીને અપરાધ કર્યો છે એવો દાવો પણ શિશિરે કર્યો છે. શિશિરે આ અરજી મૂળ તો એમપી-એમએલએ કોર્ટમાં કરી હતી, પણ એ કોર્ટ દ્વારા અરજી ફગાવી દેવામાં આવતાં તેમણે અલ્હાબાદ હાઈ કોર્ટની લખનૌ બેંચ સમક્ષ અરજી કરી હતી.
સુપ્રીમ કોર્ટ છ વર્ષ પહેલાં આ અરજી ફગાવી ચૂકી છે તેથી અલાહાબાદ હાઈ કોર્ટે પણ અરજી ફગાવી દેવાની જરૂર હતી, પણ તેના બદલે જજ સુભાષ વિદ્યાર્થીએ અરજી સ્વીકારીને રાહુલ ગાંધી સામે એફઆઈઆર નોંધીને સીબીઆઈ દ્વારા તપાસ કરવા ફરમાન કરી દીધું. જજના નિર્ણયથી ખળભળાટ મચી ગયો કેમ કે, જજે રાહુલને નોટિસ ફટકાર્યા વિના કે તેમનો જવાબ સાંભળ્યા વિના જ સીધો એફઆઈઆર નોંધવા આદેશ આપેલો. જજસાહેબના માથે માછલાં ધોવાવા માંડ્યાં તેમાં જજસાહેબે 24 કલાકમાં જ પલટી મારીને પોતાનો નિર્ણય રદ કરી દીધો. જજસાહેબનું કહેવું હતું કે, રાહુલ ગાંધીને નોટિસ જાહેર આપ્યા વિના નિર્ણય કરવો યોગ્ય નથી. જજસાહેબે ગુલાંટ લગાવી એટલે અકળાયેલા ભાજપના કાર્યકરે સીધો તેમના પર લાંચ લીધાનો આક્ષેપ કરી નાખ્યો. અરજદારે પોસ્ટ કરી કે, કોઈની પાસેથી પૈસા લીધા હોય તો પાછા આપી દો, નહીં તો જેલમાં જવું પડશે. પોસ્ટમાં જજનો ઉલ્લેખ ન હતો, પણ કોને ધમકી અપાયેલી એ કહેવાની જરૂર નથી. આ પોસ્ટ પછી જજે ભાજપના કાર્યકરને ઉઠાવીને જેલમાં નાખી દેવાની જરૂર હતી, પણ તેના બદલે જજ પોતે જ કેસમાંથી ખસી ગયા છે.
ભારતમાં ન્યાયતંત્રની શું હાલત છે તેનો આ નાદાર નમૂનો છે. સુપ્રીમ કોર્ટે ફગાવી દીધેલા મુદ્દે ચોળીને ચીકણું કરવા માગતો કોઈ નમૂનો જજ પર સીધો લાંચનો આક્ષેપ મૂકે ને છતાં તેને કશું ના કરી શકાય એ સ્થિતી આઘાતજનક કહેવાય. અરજદાર ભાજપનો કાર્યકર હોવાથી તેનાથી હાઈકોર્ટના જજે ડરવું પડે તો પછી ન્યાયતંત્ર નિષ્પક્ષ હોવાનો દાવો કઈ રીતે થઈ શકે ?
આઘાતની વાત પાછી એ છે કે, આ ચૂંથ જેમાં દમ નથી એ મુદ્દે થઈ રહી છે. રાહુલ ગાંધીની નાગરિકતા શંકાસ્પદ હોવાનું તૂત સુબ્રમણ્યમ સ્વામીના ભેજાની પેદાશ છે. સ્વામી પહેલાં દાવો કરતા હતા કે, રાહુલ ગાંધી ભારતીય નહીં પણ ઈટાલિયન નાગરિક છે. 2015માં સ્વામીએ રાહુલની વિદેશ યાત્રા વખતે ટ્વીટ કરેલા કે, રાહુલ ગાંધી માટે બુધ્ધુ શબ્દ વાપરીને દાવો કરેલો કે, રાહુલ ઈટાલિયન પાસપોર્ટ પર વિદેશ ગયા હતા. સ્વામીએ લખેલું કે, બુદ્ધની વિદેશ યાત્રા દિલ્હીથી બૅંગકોક સુધી ભારતીય પાસપોર્ટ પર હતી, પણ પછી કમ્બોડિયા, સ્પેન વગેરે દેશમાં રાઉલ વિન્સી તરીકે ઈટાલિયન પાસપોર્ટ પર ગયા હતા. સ્વામીએ ઉપરાછાપરી ટ્વીટ કરીને રાહુલની નાગરિકતા સામે સવાલો ખડા કર્યા પછી ભાજપના કેટલાક નેતા પણ રાહુલ વિન્સીનું પૂંછડું પકડીને મચી પડેલા.
રાહુલના પિતા રાજીવ ગાંધીની હત્યા 1991માં થઈ પછી નહેરૂ-ગાંધી ખાનદાન પર આતંકવાદીઓનો ખતરો હતો. રાહુલ ગાંધી પિતાની હત્યા વખતે વિદેશમાં ભણતા હતા. સુરક્ષાનાં કારણોસર રાહુલ ક્યાં ભણતા હતા તે વાત ગુપ્ત રખાઈ હતી. રાહુલની ઓળખ છતી થઈ જાય તો સરળતાથી ટાર્ગેટ કરી શકાય તેથી કૉલેજમાં રાહુલનું સાચું નામ છુપાવીને નામ રાઉલ વિન્સી લખાવાયેલું. આપણ સલામતી એજન્સીઓએ જ આ બધું કરેલું, પણ સ્વામીએ તેનો ઉપયોગ નહેરૂ-ગાંધી ખાનદાન સામેની ક્ધિનાખોરી બતાવીને રાજકીય ફાયદા માટે કરેલો. ભાજપના નેતા પણ આ હઈસો હઈસોમાં જોડાઈ ગયેલા.
સ્વામીએ 2015માં અચાનક પલટી મારીને રાહુલ બ્રિટિશ નાગરિક હોવાની રેકર્ડ વગાડવા માંડી અને રાહુલનું સંસદસભ્યપદ રદ કરવા માટે અરજી પણ આપી દીધેલી. ભાજપના સાંસદ મહેશ ગિરિએ પણ સ્વામીના ઈશારે લોકસભાનાં સ્પીકરને અરજી આપીને સ્વામીના આક્ષેપોની તપાસ કરવા કહેલું. સ્પીકરે આ મુદ્દો લોકસભાની એથિકલ કમિટીને સોંપેલો. કમિટીના ચેરમેન તરીકે ભાજપના લાલકૃષ્ણ અડવાણી હતા, પણ અડવાણીને આ વાતમાં દમ ના લાગતાં આખી વાતનો વીંટો વાળી દીધેલો. તેના કારણે ભડકી ગયેલા સ્વામીએ અડવાણી સામે ભારે બળાપો કાઢેલો. સ્વામીએ હતાશ થયા વિના રાજનાથસિંહને અરજી કરીને તપાસ કરવા વિનંતી કરી ને તેના આધારે કેન્દ્ર સરકારે તપાસ શરૂ કરી હતી. તપાસ શરૂ થઈ એટલે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રાહુલને ચોખવટ કરવા નોટિસ ફટકારી દીધેલી. સ્વામીએ ગૃહ મંત્રાલયને કેટલાક પુરાવા પણ આપેલા. આ પુરાવા બ્રિટનનાં કેટલાંક ટેબ્લોઈડ અખબારોમાં છપાયેલા રીપોર્ટ હતા. ભારત હોય કે બ્રિટન, અખબારોમાં પૈસા વેરીને ગમે તે છપાવડાવી શકાય છે એ જોતાં ગૃહ મંત્રાલયે આ પુરાવાને કચરાટોપલીમાં ફેંકી દેવાની જરૂર હતી, પણ તેના બદલે રાહુલને નોટિસ ફટકારીને બુદ્ધિનું પ્રદર્શન કરાયેલું.
પહેલેથી થયેલી ગોઠવણ પ્રમાણે, દિલ્હીના બે સજજનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી નાખેલી. તેમણે અરજ કરેલી કે, રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક હોવાથી તેમના પર લોકસભાની ચૂંટણી લડવાનો પ્રતિબંધ ઠોકી દેવો જોઈએ. સીબીઆઈને આદેશ આપવો જોઈએ કે, રાહુલ ગાંધી સામે કેસ નોંધે કેમ કે તેમણે બ્રિટિશ નાગરિકતાની વાત છૂપાવીને આ દેશ સાથે ગદ્દારી કરી છે.
કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીની નાગરિકતાને મામલે ચાલતા ટંટાનો આખરે સુપ્રીમ કોર્ટે નિવેડો લાવી દીધો ને રાહુલ સામેની અરજીનો ડૂચો કરી નાખ્યો. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રાહુલને આ મામલે ચોખવટ કરવા ગયા અઠવાડિયે નોટિસ ફટકારેલી ને એ પહેલાં દિલ્હીના બે સજજનોએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી. આ અરજીમાં એવી અરજ કરાયેલી કે, રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે તેથી તેમના પર લોકસભાની ચૂંટણી લડવાનો પ્રતિબંધ ઠોકી દેવો જોઈએ. એ સિવાય સીબીઆઈને આદેશ આપવો જોઈએ કે, રાહુલ ગાંધી સામે કેસ નોંધે કેમ કે તેમણે બ્રિટિશ નાગરિકતાની વાત છુપાવીને આ દેશ સાથે ગદ્દારી કરી છે.
સુપ્રીમ કોર્ટે આ અરજીનો ડૂચો કરીને ભાજપના ઈશારે ઊભા થયેલા બંને થનગનભૂષણોને બરાબરના ઝાટકી નાખેલા. સુપ્રીમ કોર્ટે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે, બ્રિટનની કોઈ કંપનીના કહેવાતા ફરફરિયાને આધારે રાહુલ ગાંધીની નાગરિકતા સામે શંકા ના કરી શકાય કેમ કે આ ફરફરિયંની પોતાની વિશ્વસનિયતા જ શંકાસ્પદ છે. સુપ્રીમ કોર્ટે 2019માં આ નાટક પર પડદો પાડી દીધેલો પછી આ પ્રકરણ સમાપ્ત થઈ જવું જોઈતું હતું, પણ તેના બદલે અલાહાબાદમાં કોઈ નમૂનો ઊભો થઈ ગયો તેમાં આ મુદ્દો પાછો ચર્ચામાં છે. હાઈ કોર્ટે નક્કર પુરાવા વિનાના આ મુદ્દાનું પડીકું કરી નાખવાની જરૂર છે. રાજકારણીઓ દાવપેચ ભલે કરે, ન્યાયતંત્ર તેનાથી દૂર રહે એ ન્યાયના હિતમાં છે.