Sun Sep 06 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ ઈરાન જેરુસલેમમાં તબાહી મચાવે તો વિશ્વયુદ્ધ થઈ જાય...

2026-03-24 07:55:00
Author: ભરત ભારદ્વાજ
એકસ્ટ્રા અફેરઃ ઈરાન જેરુસલેમમાં તબાહી મચાવે તો વિશ્વયુદ્ધ થઈ જાય...

ભરત ભારદ્વાજ

ઈરાને ઈદ અલ-ફિત્રના દિવસે જ જેરુસલેમ પર હુમલો કરતાં ઈઝરાયલ-અમેરિકા સામેના ઈરાનના યુદ્ધમાં નવો ટિવ્સ્ટ આવી રહ્યો છે. આ હુમલો પણ અલ-અક્સા મસ્જિદને ટાર્ગેટ કરીને કરાયો હતો. ઈઝરાયલે યુદ્ધની સ્થિતિને કારણે 60 વર્ષમાં પહેલી વાર અલ-અક્સા મસ્જિદ બંધ કરાવી તેના કારણે સુન્ની મુસ્લિમો ભડકેલા હતા ત્યાં જ ઈરાને મિસાઈલથી હુમલો કરી દેતાં સુન્ની મુસ્લિમોમાં ભારે આક્રોશ છે.

સદનસીબે ઈરાને છોડેલી મિસાઈલ અલ-અક્સા મસ્જિદથી લગભગ 300 મીટર દૂર પડતાં અલ-અક્સા મસ્જિદને કોઈ નુકસાન ના થયું પણ મસ્જિદની બહાર નમાઝ પઢવા એકઠા થયેલા મુસ્લિમોમાં ભાગદોડ મચી ગઈ. મસ્જિદના બંધ દરવાજાની બહાર ઈદની નમાઝ પઢી રહેલા મુસ્લિમોમાંથી એકનું મોત થયું હોવાના પણ અહેવાલ છે. ઈરાનના જેરુસલેમ પરના મિસાઈ હુમલા સામે ઈઝરાયલ અને આરબ દેશો બંનેએ આકરી પ્રતિક્રિયા આપી છે.

આરબ દેશોએ ધમકી આપી છે કે, હવે પછી અલ-અક્સા મસ્જિદ કે બીજા કોઈ ધાર્મિક સ્થળને નિશાન બનાવીને હુમલો કરાશે તો ઈંટનો જવાબ પથ્થરથી અપાશે અને આરબ દેશો ભેગા મળીને ઈરાનનો સફાયો કરી દેશે. ઈઝરાયલનું કહેવું છે કે, આ હુમલાએ ઈરાનનો અસલી ચહેરો છતો કરી દીધો છે અને કહેવાતા ધાર્મિક મુલ્લારાજ પાછળ મુસ્લિમોનો જ ખાતમો કરવાની નફરતની ભાવના સિવાય કંઈ નથી.

આ ઘટનાના વિશ્વભરના મુસ્લિમોમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે પણ આ પ્રત્યાઘાત ઈરાનની એકદમ વિરુદ્ધ નથી એ રસપ્રદ છે. બલ્કે ઈઝરાયલલે ઈરાન સામેના યુદ્ધના બહાને અલ-અક્સા મસ્જિદ બંધ કરીને મુસ્લિમો પાસેથી આ પવિત્ર સ્થાન છિનવી લીધું એવા આક્ષેપો થઈ રહ્યા છે. સોશ્યલ મીડિયા પર ઈરાનની ઝાટકણી કાઢતા મેસેજ તો છે પણ વધારે મેસેજ ઈઝરાયલની કોન્સ્પિરસી થિયરીના છે. ઈઝરાયલ ઈરાનનું નામ દઈને અલ-અક્સા મસ્જિદને ઉડાવી દેવાની ફિરાકમાં હોવાની વાતો થઈ રહી છે અને મિસાઈલ ઈરાને નહીં પણ ઈઝરાયલે જ છોડી હોવાના દાવા પણ કરાઈ રહ્યા છે.

ઈરાન આ મુદ્દે ચૂપ છે પણ વૈશ્વિક બાબતોના નિષ્ણાતો માને છે કે, જેરુસલેમને નિશાન બનાવીને ઈરાન જોરદાર વ્યૂહાત્મક ગેમ રમી રહ્યું છે. અત્યારે સાઉદી અરેબિયા સહિતના આરબ દેશો અમેરિકા અને ઈઝરાયલના પડખે છે. ઈરાન અલ-અક્સા મસ્જિદને નિશાન બનાવીને ઈઝરાયલ અને આરબ દેશોને સામસામે મૂકવા માગે છે. અલ-અક્સા મસ્જિદને નુકસાન થાય તો ઈઝરાયલ અલ-અક્સા મસ્જિદનું રક્ષણ ના કરી શક્યું એમ માનીને મુસ્લિમો તેની સામે ભડકે તેથી આરબ દેશોએ ઈઝરાયલનો સાથ છોડવો પડે.

ઈરાન જેરુસલેમમાં તબાહી મચાવીને દુનિયાભરના મુસ્લિમોની સહાનુભૂતિ મેળવવાનો દાવ પણ ખેલી રહ્યું છે. આ વાતને સમજવા માટે જેરુસલેમનું મહત્ત્વ સમજવું જરૂરી છે. જેરુસલેમ સાથે ત્રણ ધર્મનાં લોકોની ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે અને તેના પર કબજા માટે વરસો સુધી જંગ ખેલાયો છે. જેરુસલેમને યહૂદી, ખ્રિસ્તી અને મુસ્લિમ એમ ત્રણેય ધર્મના લોકો અતિ પવિત્ર સ્થળ માને છે.

અત્યારે જેરુસલેમ બહારની તરફ વિકસી ગયું છે પણ જૂનું શહેર જૂનું શહેર એટલે કે ઓલ્ડ સિટી સદીઓ પહેલાં હતું એવું જ છે. યહૂદીઓની માન્યતા છે કે, ઓલ્ડ સિટીમાં આવેલી કોટેલ (પશ્ર્ચિમી દીવાલ) વોલ ઓફ ધ માઉન્ટનો અવશેષ છે. આ પવિત્ર સ્થળની અંદર તેમનું સૌથી પવિત્ર સ્થાન ‘હોલી ઓફ ધ હોલીઝ’ આવેલું હતું. વિશ્વનું નિર્માણ અહીં થયું હતું અને અહીં જ પયગંબર ઇબ્રાહિમે પોતાના પુત્ર ઇસહાકનો બલિ ચઢાવવાની તૈયારી કરી હતી. અનેક યહૂદીઓની માન્યતા છે કે ડોમ ઓફ ધ રોક જ હોલી ઓફ ધ હોલીઝ છે. 

મુસ્લિમો માટે ઓલ્ડ સિટીમાં અલ અક્સા મસ્જિદ સૌથી પવિત્ર સ્થળ છે. અલ અક્સા મસ્જિદને મુસ્લિમો મક્કા અને મદીના પછી ત્રીજું સૌથી પવિત્ર સ્થળ માને છે. મુસ્લિમોની માન્યતા છે કે, મોહમ્મદ પયગંબર સાહેબે જન્નતની યાત્રા જેરુસલેમથી કરી હતી. ડોમ ઓફ ધ રોક મસ્જિદ પણ મુસ્લિમ વિસ્તારમાં છે. યહૂદી ધર્મસ્થાન તોડીને બનાવાયેલી આ મસ્જિદ યહૂદી અને મુસ્લિમ વિવાદમાં કેન્દ્રસ્થાને છે.

ખ્રિસ્તીઓ માટે જેરુસલેમમાં આસ્થાનું કેન્દ્ર ‘ચર્ચ ઓફ ધ હોલી સેપલ્કર’ છે. ખ્રિસ્તીઓ  માને છે કે, જીસસ ક્રાઈસ્ટ એટલે કે ઇસુ ખ્રિસ્તને વધસ્તંભે આ જ સ્થળે ચડાવવામાં આવ્યા હતાં. જીસસ આ સ્થળેથી જ સ્વર્ગમાં ગયા હોવાની માન્યતા પણ છે. ત્રણેય ધર્મનાં લોકો વચ્ચે આ માન્યતાઓના કારણે વરસોથી સંઘર્ષ ચાલ્યા જ કરે છે.

ઈરાન જેરુસલેમ પર હુમલો કરીને ચર્ચ ઓફ ધ હોલી સેપલ્કર અને હોલી ઓફ ધ હોલીઝ ઉડાવી દે તો મુસ્લિમોમાં હીરો બની જાય કેમ કે સદીઓના સંઘર્ષ પછી પણ મુસ્લિમો આ સ્થાનોને નષ્ટ ના કરી શક્યાં કે જેરુસલેમ પર સંપૂર્ણ કબજો ના કરી શક્યાં. હવે મુસ્લિમો જેરુસલેમ પર સંપૂર્ણ કબજો કરી શકે એ સ્થિતિમાં નથી પણ ઈરાન ખ્રિસ્તી અને યહૂદીઓનાં સૌથી પવિત્ર સ્થાનોને ઉડાવી દે તો તેમની કટ્ટરવાદી માનસિકતા પોષાય.

ઈરાન આ વાત જાણતું હોવાથી જેરુસલેમને નિશાન બનાવી રહ્યાનું કહેવાય છે. જેરુસલેમમાં ખ્રિસ્તી અને યહૂદીઓનાં ધર્મસ્થાનોને નુકસાન થાય તો ભડકેલા યહૂદી અને ખ્રિસ્તીઓ ઈઝરાયલ અને પેલેસ્ટાઈનમાં રહેતા મુસ્લિમોને નિશાન બનાવે જ. એ સંજોગોમાં આરબ દેશો ઈઝરાયલની પડખે ના રહી શકે તેથી ઈરાન અમેરિકાની છાવણીમાં ભાગલા પાડવા માટે પણ આ દાવ ખેલી રહ્યું છે.

ઈરાન સફળ થશે કે નહીં એ ખબર નથી પણ ઈરાન આગ સાથે રમત રમી રહ્યું છે તેમાં શંકા નથી. ઈરાનની આ રમત વિશ્વયુધ્ધ ભડકાવી શકે છે. ઈરાન જેરુસલેમને નિશાન બનાવે તેમાં યહૂદી અને ખ્રિસ્તીઓનાં ધર્મસ્થાનો જ ઊડે એ જરૂરી નથી. અલ અક્સા મસ્જિદને પણ નુકસાન થઈ શકે ને એ સંજોગોમાં મુસ્લિમ રાષ્ટ્રોને ઈરાન પર આક્રમણ કરવાની ફરજ પડે એવું પણ બને. તેના કારણે યુદ્ધમાં વધારે દેશો સામેલ થાય ને દુનિયાનો મોટો વિસ્તાર યુદ્ધગ્રસ્ત થઈ જાય એ શક્ય છે.

શિયા મુસ્લિમો માટે પણ અલ અક્સા મસ્જિદ પવિત્ર હોવા છતાં ઈરાન આ દાવ ખેલી રહ્યું છે તેનું કારણ ચીન અને રશિયા મનાય છે. ચીન સામ્યવાદી છે તેથી ધર્મ સાથે તેને કંઈ લેવાદેવા નથી. રશિયાનાં મૂળિયાં પણ સામ્યવાદી જ હોવાથી તેને પણ કોઈની ધાર્મિક માન્યતાઓ સાથે નાહવા નિચોવવાનો સંબંધ નથી તેથી તેમણે ઈરાનને જેરુસલેમ પર હુમલો કરીને ધાર્મિક લાગણીઓ ભડકાવવાની સલાહા આપી હોવાનું શક્ય છે. બંને પાછલે બારણે મદદ કરી રહ્યાં હોવાથી જ ઈરાન ટકેલું છે તેથી તેમની સલાહ માથે ચડાવીને ઈરાને પણ આગ સાથે રમત માંડી દીધી છે.