મુંબઈ: આઈટી કંપની ધરાવતા અમદાવાદના ગુજરાતી બિઝનેસમૅન સામે બળાત્કારનો ગુનો નોંધાવનારી મહિલા વિરુદ્ધ ગોવામાં પણ ગુનો નોંધાયેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. એક વેપારીને બંધક બનાવી ખંડણી વસૂલવાને ઇરાદે તેને બળાત્કાર અને હત્યા જેવા ગંભીર ગુનામાં સપડાવવાની ધમકી આપવાનો આરોપ ગોવા પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં કરાયો હતો.
બળાત્કારનો કેસ પાછો ખેંચવા માટે ચાર કરોડ રૂપિયાની કથિત ખંડણી માગવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચની ખંડણી વિરોધી શાખાએ શુક્રવારે નિવેદિતા શર્મા (31) અને નવી દિલ્હીનો વકીલ હોવાનો દાવો કરનારા યુવાનની ધરપકડ કરી હતી. પોલીસ કસ્ટડીમાં રહેતા આરોપીઓની પોલીસ પૂછપરછ કરી રહી છે.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી મહિલા વિરુદ્ધ ગોવાના માપુસા પોલીસ સ્ટેશનમાં પણ આ રીતે નાણાં પડાવવાના આરોપસર 2024માં ગુનો નોંધાયો હતો. વેપારીને બંધક બનાવીને તેની મારપીટ કરવા સહિત ખંડણી વસૂલવાને ઇરાદે બળાત્કાર અને ખૂન જેવા ગંભીર ગુનામાં સપડાવવાની ધમકી આપવાની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
મહિલાએ મુંબઈના ઍરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગયા મહિને અમદાવાદના બિઝનેસમૅન નિલય પટેલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ઍરપોર્ટ નજીકની ફાઈવ સ્ટાર હોટેલની રૂમમાં દુષ્કર્મ કરાયું હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો. ફરિયાદને ગંભીરતાથી લઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.
બળાત્કારની ફરિયાદ પાછી ખેંચવા માટે બિઝનેસમૅનના પરિચિત પાસેથી મહિલાએ ચાર કરોડ રૂપિયાની માગણી કરી હતી. રૂપિયા ન આપે તો બિઝનેસમૅનને જેલમાં સડાવવાની અને જાનથી મારવાની ધમકી પણ અપાઈ હતી. ચર્ચા બાદ અઢી કરોડ રૂપિયા સ્વીકારવાની તૈયારી મહિલાએ દાખવી હતી.
ટોકન તરીકે પાંચ લાખ રૂપિયા બીકેસીમાં એક શખસને ચૂકવવામાં આવ્યા હતા. પછી 45 લાખ રૂપિયા સ્વીકારવા જૂહુમાં આવેલી મહિલાને પોલીસે છટકું ગોઠવી પકડી પાડી હતી. તેની પૂછપરછને આધારે વકીલને પણ કસ્ટડીમાં લેવાયો હતો. આરોપીઓના એક સાથી બાસીત ખાનની પોલીસ શોધ ચલાવી રહી છે.
કહેવાય છે કે મહિલા સાથે નાણાંને મુદ્દે થયેલી વાતચીત ફરિયાદીએ મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધી હતી. ફરિયાદમાં એવો આક્ષેપ કરાયો હતો કે મહિલા અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સામે ખોટા ગુના નોંધાવીને નાણાં પડાવતી હોવાની શક્યતા છે, જેને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.