લંડનઃ ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડે નૅશનલ ટેસ્ટ ટીમના નવા કોચ તરીકે ન્યૂ ઝીલૅન્ડના સ્ટીફન ફ્લેમિંગ (Fleming)ની નિયુક્તિ કરી છે. ભૂતપૂર્વ કિવી બૅટ્સમૅન બ્રેન્ડન મૅક્લમને આ પદ પરથી હટાવવામાં આવતાં જગ્યા ખાલી પડી હતી અને હવે એના પર ભૂતપૂર્વ કિવી ખેલાડી જ બિરાજમાન થશે.
ઍશિઝમાં ઇંગ્લૅન્ડનો ઑસ્ટ્રેલિયા સામે 1-4થી અને ગયા મહિને ન્યૂ ઝીલૅન્ડ સામે 1-2થી પરાજય થતાં મૅક્લમને ટેસ્ટ-કોચના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યો હતો.
જોકે મૅક્લમને ઇંગ્લૅન્ડની વન-ડે અને ટી-20 ટીમના કોચ તરીકે જાળવી રાખવામાં આવ્યો છે. જૉ રૂટને ઇંગ્લૅન્ડના ટેસ્ટ-કૅપ્ટન તરીકે પુનઃ નિયુક્ત કરવામાં આવ્યો છે. અગાઉ રૂટ 2017થી 2022 સુધી ઇંગ્લૅન્ડનો ટેસ્ટ-સુકાની હતો. તેણે ઇંગ્લૅન્ડ વતી સૌથી વધુ 65 ટેસ્ટમાં સુકાન સંભાળવાનો વિક્રમ કર્યો હતો જેમાંથી 27 ટેસ્ટમાં બ્રિટિશ ટીમનો વિજય થયો હતો.
ફ્લેમિંગના કોચિંગ (Coaching)માં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પાંચ ટાઇટલ જીતી હતી. તેણે તાજેતરમાં જ સીએસકેની ટીમને ગુડબાય કરી હતી. તે ડિસેમ્બરમાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝથી બ્રિટિશ ટીમને કોચિંગ આપશે. હાલમાં બ્રિટનના ક્રિકેટ બોર્ડે ફ્લેમિંગને તેના પરિવાર સાથે થોડો સમય રહેવા વેકેશન પર જવાની મંજૂરી આપી છે.