Mon Jul 27 2026

Logo

ભારતમાં ઈબોલાની એન્ટ્રી! યુગાન્ડાથી આવેલી મહિલામાં જોવા મળ્યા લક્ષણ

2026-05-27 13:55:00
Author: Mayur Patel
Article Image

બેંગ્લૂરુઃ ઈબોલા વાયરસના કારણે વિશ્વભરમાં એલર્ટ જાહેર કરાયું છે. આ દરમિયાન બેંગ્લૂરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 28 વર્ષની યુગાન્ડાની મહિલામાં ઈબોલા વાયરસના લક્ષણ જોવા મળતાં આઈસોલેટ કરાઈ હતી. 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેના સેમ્પલ ઈબોલાની તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. મહિલાના તાવ જેવા કોઈ લક્ષણો જોવા મળતા નહોતા. એરપોર્ટ પર મહિલામાં થાક જેવા કેટલાક લક્ષણો જોવા મળ્યા હતા જે બાદ તેના સેમ્પલ લેવાનો નિર્ણય કરાયો હતો. 

સેમ્પલ તપાસ માટે પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલૉજીમાં મોકલવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર, યુગાન્ડાથી આવ્યા બાદ મહિલા શરૂઆતમાં એખ હૉટલમાં રોકાઈ હતી પરંતુ બાદમાં શરીરમાં દુખાવો જેવા હળવા લક્ષણો જોવા મળ્યા હતા. જેથી તેને સરકારી હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી. હાલ તેની તબિયત સ્થિર છે અને સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય અધિકારીઓના કહેવા પ્રમાણે, પ્રોટોકોલ મુજબ પુણેની NIVના પ્રથમ રિપોર્ટની રાહ જોયા બાદ ફરીથી ટેસ્ટ કરાશે. 

થોડા દિવસ પહેલાં કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે આફ્રિકામાં ફેલાયેલા ઈબોલા વાયરલને ધ્યાને લઈને ભારત માટે ખાસ એડવાઈઝરી જાહેર કરી હતી. તેમજ આરોગ્ય વિભાગને પણ એલર્ટ કરાયું હતું. આ અંગે દેશના તમામ ઈન્ટરનેશનલ એરપોર્ટને એડવાઈઝરી મોકલવામાં આવી હતી. WHO દ્વારા ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગો અને યુગાન્ડામાં ફેલાયેલા ઈબોલા વાયરસને પબ્લિક હેલ્થ ઈમરજન્સી ઓફ ઈન્ટરનેશનલ કંસર્ન જાહેર કર્યા બાદ મોદી સરકાર પણ આના પર સતત વૉચ રાખી રહી છે. 

વાયરસના લક્ષણોને ઓળખો

ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસે દેશના તમામ ઈન્ટરનેશનલ એરપોર્ટને એડવાઈઝરી મોકલી છે. ખાસકરીને એવા પ્રવાસીઓ માટે જેઓ કાંગો, યુગાન્ડા અને સાઉથ સુદાન જેવા હાઈ રિસ્ક દેશમાંથી આવી રહ્યા છે. એડવાઈઝરીમાં સ્પષ્ટતા છે કે, કોઈ પ્રવાસીને તાવ, માથાનો દુખાવો, નબળાઈ, ઊલ્ટી, ગળામાં ખરાશ અથવા સતત લોહી વહેતું હોય એવા લક્ષણ જોવા મળશે તો ઈમિગ્રેશન પહેલા જ એરપોર્ટ હેલ્થ ઓફિસરને રિપોર્ટ કરવાનો રહેશે. સ્વાસ્થ્ય મંત્રાલયે વરિષ્ઠ અધિકારી, રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર, ઈન્ટિગ્રેટેડ ડીસીઝ સર્વિલાંસ પ્રોગ્રામ અને અન્ય સંબંધીત વિભાગોએ આ સ્થિતિની સમીક્ષા કરી છે. સાર્વજનિક સ્વાસ્થયલક્ષી ઉપાયને મજબૂત કરવા કેટલાક આદેશ પણ આપવામાં આવ્યા છે.

ટ્રાવેલ હિસ્ટ્રી બતાવવી પડશે

આરોગ્ય મંત્રાલય સાથે જોડાયેલા એક અધિકારીએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે, ભારતમાં હાલમાં ઈબોલાનો કોઈ કેસ આવ્યો નથી. આપણા દેશ પર અત્યારે જોખમ ઘણું ઓછું છે, જોકે સાવધાની એ જ સતર્કતાને ધ્યાને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિ સંક્રમિત દર્દીના લોહી કે બોડી ફ્લુઈડના સંપર્કમાં આવ્યો છે તો એમની ઉપર પણ ખાસ નજર રાખવામાં આવશે.

મોદી સરકારે ચોખવટ કરતા કહ્યું છે કે, ભારત આવ્યા બાદ 21 દિવસમાં કોઈ લક્ષણ જોવા મળે છે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવામાં આવે. આ સાથે પ્રવાસીઓએ પોતાની ટ્રાવેલ્સ હિસ્ટ્રી બતાવવી પડશે. એરપોર્ટ પર પ્રવાસીઓનું હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. આ માટે પ્રવાસીઓએ સહયોગ કરવા માટે અપીલ કરવામાં આવી હતી.