Mon May 25 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ ઈ-ફાર્મસી સામે હડતાળ, દુકાનદારોનું દુ:ખે છે પેટ ને કૂટે છે માથું

2026-05-21 07:54:00
Author: Baharat Bhardwaj
Article Image

ભરત ભારદ્વાજ

ભારતમાં દવાઓના ઓનલાઈન વેચાણ મુદ્દે લાંબા સમયથી કકળાટ ચાલી રહ્યો છે અને દવાઓની દુકાનોનું બનેલું એસોસિએશન ઑલ ઇન્ડિયા ઑર્ગેનાઇઝેશન ઑફ કેમિસ્ટ્સ ઍન્ડ ડ્રગિસ્ટ્સ’ (એઆઈઓસીડી) ઓનલાઇન દવાઓના વેચાણ એટલે કે ઈ-ફાર્મસી પર પ્રતિબંધની માગ કરી રહ્યો છે. આ માગના સમર્થનમાં બુધવારે ઑલ ઇન્ડિયા ઑર્ગેનાઇઝેશન ઑફ કેમિસ્ટ્સ ઍન્ડ ડ્રગિસ્ટ્સ (એઆઈઓસીડી) દ્વારા 24 કલાકની દેશવ્યાપી હડતાલ પાડવામાં આવી.

દેશભરમાં લગભગ 15 લાખ દુકાનદારો આ હડતાળમાં જોડાયા તેથી સામાન્ય લોકો પરેશાન થઈ ગયા. ગુજરાત સહિતનાં રાજ્યોમાં તો હડતાળ જડબેસલાક રહી તેથી લોકો વધારે પરેશાન થઈ ગઈ. એક સમયે હડતાળનું શસ્ત્ર ન્યાયી અને વાજબી માગણી માટે વાપરવામાં આવતું. હવે સાવ ગેરવાજબી અને હાસ્યાસ્પદ માગણી માટે હડતાળનું હથિયાર ઉગામવામાં કોઈને છોછ નથી તેનો નાદાર નમૂનો આ હડતાળ દરમિયાન જોવા મળ્યો. 

હડતાલ દરમિયાન દર્દીઓને જીવનરક્ષક દવાઓ સરળતાથી મળી રહે તે માટે એસોસિએશને ખાસ વ્યવસ્થા ગોઠવી હોવાથી ઘણાં સ્ટોર ખુલ્લા રખાયેલા. મોટી હૉસ્પિટલો કે દવાખાના ના હોય એવા ગ્રામ્ય વિસ્તારોમાં દર્દીઓની સુવિધા માટે ગામ દીઠ ઓછામાં ઓછી એક દવાની દુકાન ખુલ્લી રખાયેલી. સરકારી તંત્રે પણ થોડીક ગોઠવણો કરેલી. કેટલાંક રાજ્યોમાં ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશને જનતા માટે એડવાઇઝરી અને ટોલ-ફ્રી નંબર જાહેર કર્યા હતા તથા કોર્પોરેટ સ્ટોર્સને ફરજિયાત ખુલ્લા રહેવા આદેશ આપ્યા હતા. 
 
દેશભરમાં તમામ ‘પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો’ પર પણ દવાઓનું વેચાણ રાબેતા મુજબ ચાલુ રખાયેલું તેથી સાવ અંધાધૂંધી ના થઈ પણ લોકોને તકલીફો તો પડી જ છે. કોઈ પણ સ્ટોર પર મળે એવી દવાઓ લેવા માટે પણ લોકોએ ક્યાં ક્યાં ધક્કા ખાવા પડ્યા ને છતાં દવાઓ ના મળી હોય એવી ઘટનાઓ બની જ છે. કાળઝાળ ગરમીમાં લોકોએ રખડવું પડ્યું ને પેટ્રોલની કરકસરની જરૂર છે ત્યારે પેટ્રોલ બાળું પડ્યું તેના કારણે ખિસ્સાં ખાલી પણ થયાં. 

દવાઓની દુકાનોવાળાઓનું કહેવું છે કે, ઓનલાઈન દવાઓનું બેફામ વેચાણ થઈ રહ્યું છે અને ઈ-ફાર્મસી ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે તેના કારણે મેડિકલ સ્ટોરના ધંધાને ફટકો પડ્યો જ છે પણ મોટો ખતરો નકલી દવાઓનો છે. ઓનલાઇન ફાર્મસીઓ દ્વારા નકલી દવાઓનું વેચાણ વધી રહ્યું છે તેના કારણે દર્દીઓની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે. આ ખતરાને રોકવા માટે ઓનલાઈન દવાઓના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. 

મેડિકલ સ્ટોર એસોસિએશને ત્રણ માગણીઓ મૂકી છે ને તેનો સૂર એ જ છે કે, ભારતમાં ધોળે ધરમેય ઓનલાઈન દવાઓનું વેચાણ ના થવું જોઈએ. આ પૈકી પહેલી માગણી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ડ્રગ્સ અને કોસ્મેટિક્સ નિયમો, 1945માં સુધારો કરવા માટે 2018માં બહાર પડાયેલું ડ્રાફ્ટ નોટિફિકેશન જીએસઆર 217 રદ કરવાની છે. 

આ નોટિફિકશનમાં ઈ-ફાર્મસીઓના નિયમન માટેનું માળખું બનાવવાની દરખાસ્ત છે. ઈ-ફાર્મસીનું રજિસ્ટ્રેશન, પ્રિસ્ક્રિપ્શન ચકાસણી, ફરિયાદ વગરે મુદ્દાને તેમાં આવરી લેવાયા છે પણ મેડિકલ સ્ટોર્સના વિરોધને કારણે તેને લગતો કાયદો બન્યો નથી. સામે મોદી સરકારે આ નોટિફિકેશન રદ પણ કર્યું નથી તેથી ઈ-ફાર્મસી બિઝનેસ ધમધોકાર ચાલે છે. 

આ સિવાય કોરોના દરમિયાન દવાઓની ઓનલાઈન ખરીદી અને હોમ ડીલીવરીને લગતાં બે નોટિફિકેશન રદ કરવાની પણ માગ છે. ત્રીજી માગ એ છે કે, ઓનલાઇન કંપનીઓ દ્વારા ગ્રાહકોને અપાતા બેફામ ડિસ્કાઉન્ટ પર પ્રતિબંધ મુકાય અથવા ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઑર્ડર (ડીપીસીઓ)માં સુધારો કરીને સ્થાનિક રિટેલ દુકાનદારોનું માર્જિન વધારવામાં આવે કે જેથી તેઓ બજારની હરીફાઈમાં ટકી શકે.

એસોસિએશનો લાંબા સમયથી આ માગણીઓ કરે છે પણ નરેન્દ્ર મોદી સરકાર તેમને કાને નથી ધરતી કેમ કે આ માગણીઓ વાજબી નથી. દુકાનદારોનાં એસોસિએશનોએ સૌથી પહેલાં તો એ વિચારવાની જરૂર છે કે, લોકો મેડિકલ સ્ટોરના બદલે ઓનલાઈન દવાઓની ખરીદી તરફ કેમ વળી રહ્યા છે? કારણ બિલકુલ સ્પષ્ટ છે. લોકોને સ્ટોરમાં જ મળતી દવાઓ ઓનલાઈન સસ્તા ભાવે મળી રહી છે તેથી લોકો સ્ટોરને બદલે ઓનલાઈન ખરીદી કરી રહ્યા છે.

જે દવા સ્ટોરમાં મેક્સિમમ રીટેઈલ પ્રાઈસ (એમઆરપી) કરતાં એક પૈસા ઓછામાં નથી મળતી એ જ દવા ઓનલાઈન પંદર-વીસ ટકા ઓછા ભાવે મળતી હોય તો લોકો દુકાનદારોને વધારે પૈસા આપીને તેમની પાસેથી જ દવા ખરીદે એવા મૂરખ થોડા છે? લોકો પોતાનો ફાયદો જુએ કે નહીં? આ દવાઓ ગેરકાયદેસર નથી પણ સરકારે માન્યતા આપેલી ઈ-ફાર્મસી દ્વારા વેચાય છે તેથી તેની વિશ્વસનિયતા સામે પણ કોઈ શંકા નથી. ઓનલાઈન દવાઓની ખરીદી કરનારાંને સમસ્યાઓની ફરિયાદો પણ બહુ નથી તેથી લોકો માટે ઈ-ફાર્મસી સારા વિકલ્પ બની ગયો છે.

દવાના દુકાનદારોની હાલત દુ:ખે છે પેટ ને કૂટે છે માથું જેવી છે. એ લોકોએ વરસો લગી લોકોને લૂંટ્યા જ છે અને કદી ગ્રાહકોને એક પૈસાનો ફાયદો આપ્યો નથી. હવે હરીફાઈ તીવ્ર બની તેનો ફાયદો ગ્રાહકોને મળી રહ્યો છે એ તેમનાથી સહન થતું નથી. મેક્સિમમ રીટેઈલ પ્રાઈસ (એમઆરપી)નો અર્થ મહત્તમ કિંમત થાય છે પણ દુકાનદારોએ તેને જ ભાવ બનાવી દીધો છે. 

આ ભાવથી ઓછા ભાવે પણ દવા આપી શકાય પણ ઈ-ફાર્મસી નહોતી ત્યારે કોઈ દુકાનદાર એમઆરપીથી ઓછા ભાવે દવાઓ વેચતો હોવાનું સાંભળ્યું નથી. હવે રેલો આવ્યો છે ત્યારે મેડિકલ સ્ટોર પણ ઓછામાં ઓછું 15 ટકા ડિસ્કાઉન્ટ ને 20 ટકા ડિસ્કાઉન્ટ એવી સ્કીમો લાવ્યા છે. તેનો અર્થ એ થયો કે, 20 ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપ્યા પછી પણ તેમને નફો તો મળે જ છે ને અત્યાર લગી ગ્રાહકોને કોઈ ફાયદો નહીં કરાવીને તેમણે આખો લાડવો જ ખાધો છે. 

દવાના દુકાનદારો એક બીજી ગરબડમાં પણ સામેલ છે. ડોક્ટરો ફાર્મા કંપનીઓની ગિફ્ટ વગેરેની લાલચમાં ચોક્કસ દવાઓ જ લખે ને મેડિકલ સ્ટોરવાળા એ જ દવાઓ રાખીને ગ્રાહકોની લૂંટમાં ભાગીદાર બને એ ગોરખધંધો વરસો લગી ચાલ્યો. નરેન્દ્ર મોદી સરકારે પુણ્યનું કામ કરીને ‘પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો’ શરૂ કરાવ્યાં અને લોકોને સાવ સસ્તા ભાવે દવા મળે એવી ગોઠવણ કરી પછી આ ગંદા ધંધા પર થોડીઘણી બ્રેક વાગી છે પણ સાવ બંધ નથી થયો.

ઈ-ફાર્મસી નકલી દવાઓનું વેચાણ કરીને દર્દીઓના જીવ સામે જોખમ ઊભું કરે છે એ દલીલ પણ આધારભૂત નથી. કેટલાક કિસ્સામાં એવું બન્યું હશે પણ એમ તો મેડિકલ સ્ટોરવાળા પણ ક્યાં દૂધે ધોયેલા છે? મેડિકલ સ્ટોર્સ પર નકલી કે એક્સપાયરી ડેટવાળી દવાઓ નથી વેચાતી? સંખ્યાબંધ એવા કિસ્સા બને છે ને ઘણા સ્ટોરવાળાનાં લાઇસંસ પણ રદ થયાં છે એ જોતાં માત્ર ઈ-ફાર્મસીને કઠેડામાં ઊભી ના કરી શકાય.

ભારતમાં લોકો કોઈ પણ વસ્તુની ખરીદી માટે વધુ ને વધુ પ્રમાણમાં ઓનલાઈન પ્લેટફોર્મ્સ તરફ વળી રહ્યા છે કેમ કે તેમાં આર્થિક ફાયદો છે. દુકાનદારો પણ લોકોને ફાયદો કરાવતા થશે તો લોકો તેના તરફ નહીં વળે એટલી સાદી વાત દુકાનદારોને સમજાતી નથી કે સમજવી નથી તેની બધી મોંકાણ છે.