તહેરાનઃ ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં દરરોજ નવી અપડેટ મળી રહી છે. 12 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં હવે ઈરાને ઓમાન પર હુમલો કરી દીધો છે. ઓમાનના એક બંદર પર ભીષણ હુમલો થયો છે. બુધવારે ઓમાનના સલાલાહ પોર્ટ પર ઈરાને ડ્રોન હુમલો કરીને ભારે તબાહી મચાવી છે. અહેવાલ મુજબ આ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ ઓઇલ સ્ટોરેજ ડેપોમાં આગ લાગી ગઈ છે, જેના કારણે લાખો લિટર કાચું તેલ સળગી રહ્યું છે. આસપાસના વિસ્તારમાં પણ આગ લાગી ચૂકી છે.
પરિસ્થિતિ ગંભીર બનશે
હુમલા પછી ક્રૂડ ઓઇલ ટેન્કર તરફથી કાળા ધુમાડાનો વિશાળ ગોટો આકાશમાં ઊઠતો જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ ગંભીર બનતાં સલાલાહ પોર્ટને તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવ્યો છે. આસપાસના જે સુરક્ષિત વિસ્તારો છે ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે. સલાલાહ બંદર એક મોટું કંટેનર હબ છે. ગત વર્ષે પણ છ બર્થ પર અપગ્રેડેશન અને યાર્ડમાં વધારો કરવા જરૂરી સુવિધા આ બંદર પર ઊભી કરવામાં આવી હતી.આ હુમલાને કારણે અહીં મોટું નુકસાન થયું છે. પોર્ટ પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. ડ્રોન હુમલા બાદ સ્થિતિ તણાવગ્રસ્ત છે.
ડ્રોનને તોડી પાડવામાં આવ્યા
ઓમાનના એર ડિફેન્સે ઘણા ડ્રોનને માર્યા પાડ્યા હતા, પરંતુ કેટલાક ડ્રોન ઇંધણના ટાંકા પર જઈને પડ્યા. ત્યારબાદ આ ટાંકામાં ભીષણ આગ લાગી ગઈ. હુમલાના કારણે કાળો ધુમાડો ફેલાઈ ગયો અને આગની જ્વાળાઓ ઊઠવા લાગી. આ હુમલામાં કોઈ વ્યક્તિ ઘાયલ થયો નથી, પરંતુ બંદરના દક્ષિણ ભાગમાં ચાલી રહેલા ઓપરેશન્સને તાત્કાલિક રીતે સ્થગિત કરી દેવામાં આવ્યા છે. અમેરિકા અને ઈઝરાયલના જવાબી હુમલા તરીકે આ હુમલો કરવામાં આવ્યો છે. અરબ સાગર ક્ષેત્રનું આ સૌથી મહત્ત્વનું બંદર હતું જે હોર્મુઝ સ્ટ્રેટને બાયપાસ કરનારા ટ્રેડ રૂટ પર સ્થિત હતું.
સપ્લાય ચેઈનને અસર
આ હુમલાને કારણે ફરી એકવાર સપ્લાય ચેઈન સિસ્ટમને અસર થવાની છે. કારણ કે, આ પોર્ટ પરથી તેલની નિકાસ બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષાના પગલાં લેવાનું ઓમાને શરૂ કરી દીધું છે. આ હુમલાને લઈ લાગેલી આગ લાંબા સમય સુધી યથાવત રહી છે. આ માહોલ વચ્ચે, ઓમાનના સુલ્તાન હાથમ બિન તારિક અલ-સઈદએ ઈરાનના પ્રેસિડેન્ટ મસૂદ પેજશેકિયન સાથે ફોન પર વાત કરી હતી. તેમણે ઓમાની ક્ષેત્ર પર ચાલી રહેલા હુમલાઓ અંગે પોતાની નરાજગી અને નિંદા વ્યક્ત કરી.
ઓમાનના નેતાએ દાવો કર્યો કે, આ ઝઘડામાં ઓમાન તટસ્થ છે, અને સાથે જ જણાવ્યું કે ઓમાન પોતાની સલામતી અને સ્થિરતા જાળવવા માટે તમામ જરૂરી પગલાં ઉઠાવશે. ગત સપ્તાહે ઓમાનના ડુકમ પોર્ટ પર એક ઇંધણ સ્ટોરેજ ટાંક પર ડ્રોન હુમલો થયો હતો, જેમાં પણ ઘણું નુકસાન થયું હતું.