જામનગરઃ ફિલ્મો કરતાં પણ વધારે ઘાતક કહાણીઓ અત્યારે જાહેર જીવનમાં જોવા મળી રહી છે. જામનગરમાં એક એવી ઘટના બની છે જેણે બોલિવુડ ફિલ્મ ‘દ્રશ્યમ’ ને પણ પાછળ છોડી દીધી છે. પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી દીધી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પતિની હત્યા કર્યા બાદ પત્નીએ આ સત્યને બે વર્ષ સુધી છુપાવી રાખ્યું અને પરિવારને ગમરાહ કર્યો! પરંતુ આખરે કાયદાથી કોઈ દૂર ભાગી શકે નહી, સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો અને પત્ની સાથે તેના પ્રેમીની ધરપકડ કરી લેવામાં આવી છે. ચાલો જાણીએ સમગ્ર કહાણી...
જીજ્ઞેશ માવદિયા નામના યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો
આ સમગ્ર હત્યાકાંડ જામનગર સિટી બી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો. પોલીસે જીજ્ઞેશ માવદિયા નામના યુવકની હત્યાનો ભેદ ઉકેલ્યો છે. જીજ્ઞેશની તેની પત્નીએ જ હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં પરંતુ પરિવારનું કહેલું કે, જીજ્ઞેશ માલદિયા ઓસ્ટ્રેલિયામાં કોઈ કંપનીમાં કામ કરે છે. ત્યાં કામ દરમિયાન ફોન સાથે રાખવા દેતા નથી એટલે વાત થઈ શકે નહીં. આવું કહીને બે વર્ષ સુધી સમગ્ર વાતને છુપાવી રાખી હતી.
2 વર્ષ સુધી પતિની હત્યાની વાત છુપાવી રાખી
એક દિવસ જ્યારે પરિવારના કોઈ સભ્યને ઓસ્ટ્રેલિયા જવાનું થયું ત્યારે તેમણે પત્ની પૃથ્વી પાસે જ્યારે જીજ્ઞેશનો ઓસ્ટ્રેલિયાનો એડ્રેસ માંગ્યો ત્યારે તેણે કોઈ સરખી વાત ના કરી અને વાતને છુપાવી રાખી હતી. જેથી પરિવારને શંકા ગઈ હતી. જેથી જીજ્ઞેશના ભાઈ અશોક માવદિયાએ શહેરના સિટી બી પોલીસ સ્ટેશન ખાતે અરજી કરી અને પોતાના ભાઈની હત્યા થઈ હોવાની આશંકાય વ્યક્ત કરી હતી. આ અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને પત્ની પૃથ્વી સાથે પૂછપરછ કરી હતી. જ્યારે પોલીસે આકરી પૂછપરછ કરી ત્યારે પત્નીએ સમગ્ર મામલે હત્યાની કબૂલાત કરી દીધી હતી.
પત્નીએ પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતારી દીધો
વાત એવી છે કે, પત્ની પૃથ્વીના લગ્ન જીજ્ઞેશ માલદિયા સાથે થયા તે પહેલા જ તેનો કોઈ નિલેશ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. લગ્ન પછી જીજ્ઞેશ આ પ્રેમ સંબંધમાં આડે આવતો હોવાથી તેને રસ્તામાં હટાવવા માટે હત્યાનો પ્લાન બનાવ્યો હતો. પત્ની પૃથ્વીએ પ્રેમી સાથે મળીને જીજ્ઞેશને અત્યંત ઝેરી સાઈનાઈડ ભેળવેલો દારૂ પીવડાવ્યો હતો. જેથી જીજ્ઞેશનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. હત્યા કરતા બાદ જીજ્ઞેશના મૃતદેહને દરેડ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક કારખાનામાં 12 ફૂટ ઊંડો ખાડો ખોદીને તેમાં દાટી દીધો હતો.
આ સમગ્ર મામલે હવે જામનગર પોલીસે પત્ની પૃથ્વી અને તેની પ્રેમી નિલેશની ધરપકડ કરી લીધી અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ સાથે પોલીસે આરોપીઓને સાથે રાખી જ્યા મૃતદેહને દાટ્યો હતો, તે જ્યારે ફોરેન્સિક ટીમ સાથે ખોદકામ કરીને મૃતદેહના અવશેષો બહાર કાઢ્યા અને હવે તને ફોરેન્સિક તપાસ માટે લેબમાં મોકલી દેવામાં આવ્યાં છે. હવે આગળની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.